કલમ ૩૭૦ હટાવવાનો કેન્દ્રનો નિર્ણય યોગ્ય: સુપ્રીમ કોર્ટ

જમ્મુ-કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનો નિર્ણય યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટની પાંચ જ્જની બેન્ચે સોમવારે ચુકાદો સંભળાવ્યો હતો. સીજેઆઇ ચંદ્રચુડે કહ્યું કલમ ૩૭૦ અસ્થાયી વ્યવસ્થા હતી. બંધારણની કલમ ૧ અને ૩૭૦થી સ્પષ્ટ છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. ભારતીય બંધારણની તમામ જોગવાઇઓ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ થઇ શકે છે.
કોર્ટે કહ્યું અમે કલમ ૩૭૦ નાબૂદ કરવાના રાષ્ટ્રપતિના બંધારણીય આદેશને માન્ય ગણીએ છીએ. અમે જમ્મુ અને કાશ્મીરમાંથી લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના નિર્ણયની માન્યતા જાળવી રાખીએ છીએ. આ સાથે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે ચુંટણી પંચે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચુંટણી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં કરાવવી જોઇએ. સીજેઆઇએ કહ્યું કે કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા દરેક નિર્ણયને કોર્ટમાં પડકારી શકાય નહી. આમ કરવાથી અરાજકતા ફેલાશે. જો કેન્દ્રનો નિર્ણય કોઇપણ પ્રકારની મુશ્કેલી ઉભી કરી રહ્યો હોય તો જ તેને પડકારી શકાય. કોર્ટે કહ્યું કે કલમ ૩૫૬ પછી એ કહેવું યોગ્ય નથી કે કેન્દ્ર માત્ર સંસદ દ્વારા જ કાયદો બનાવી શકે છે.
સીજેઆઇએ કહ્યું કે આ ચુકાદામાં ૩ જ્જના જજમેન્ટ સામેલ છે. એક ચુકાદો ચીફ જસ્ટિસ, જસ્ટિસ ગવઇ અને જસ્ટિસ સૂર્યકાન્તનો છે. બીજો ચુકાદો જસ્ટિસ કૌલનો છે. જસ્ટિસ ખન્ના બંને ચુકાદા સાથે સહમત છે. મોદી સરકારે તેના બીજા કાર્યકાળમાં ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ કલમ ૩૭૦ નાબૂદ કરી હતી. ઉપરાંત, રાજયને જમ્મુ-કાશ્મીરઅને લદ્દાખ એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં તેની સામે કુલ ૨૩ અરજીઓ કરવામાં આવી હતી. પાંચ જ્જોની બેન્ચે તમામ અરજીઓની એકસાથે સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં સતત ૧૬ દિવસ સુધી ચાલેલી સુનાવણી ૫ સપ્ટેમ્બરે પુરી થઇ હતી. આ પછી સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરિક્ષત રાખ્યો હતો. એટલે કે સુપ્રીમ કોર્ટે ૯૬ દિવસની સુનાવણી બાદ કેસ પર પોતાનો ચુકાદો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં ૫ જ્જોની બંધારણીય બેન્ચમાં ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ ગવઇ, જસ્ટિસ સૂર્યકાન્ત, જસ્ટિસ કૌલ અને જસ્ટિસ ખન્નાનો સમાવેશ થાય છે. તમામ ન્યાયાધીશોએ સર્વસંમતિથી નિર્ણય લીધો હતો. ચુકાદો માત્ર સીજેઆઇ ચંદ્રચૂડે વાંચ્યો હતો. સીજેઆઇએ કહ્યું કે પ્રેસિડેશિયલ પ્રોકલેમેશન માન્ય હતી કે કેમ તે અંગે અમે વિચારણા કરી રહ્યા નથી કારણકે તેને કોઇએ પડકાર્યો ન હતો. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન કેન્દ્ર દ્વારા લેવામા આવેલા દરેક નિર્ણયને પડકારી શકાય નથી. બંધારણની કલમ ૩૭૦ અસ્થાયી હતી, તેને રદ કરવાની રાષ્ટ્રપતિની સત્તા હજુ પણ અસ્તિત્વમાં છે.
જમ્મુ અને કાશ્મીર યુદ્ઘની પરિસ્થિતિને કારણે તેને વચગાળાના ધોરણે લાગુ કરવામાં આવી હતી. આ તરફ ચુકાદા પહેલા જ જમ્મુ-કાશ્મીરમાં રાજકીય ગરમાવો આવી ગયો હતો. પીડીપીનો આરોપ છે કે ચુકાદા પહેલા પોલીસે તેમના નેતા મહેબૂબા મુફતીની ગેરકાયદેસર રીતે નજરકેદ કરી લીધા છે. આ બાબતે લેફટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કોઇને પણ નજરકેદ કરાયા હોવાની વાતને નકારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here