કોરોનાથી મોત પ્રમાણપત્રમાં બતાવાશે

 

નવ દિલ્હીઃ કોરોના સંક્રમણમાં જીવ ખોનારાઓનાં મૃત્યુ પ્રમાણપત્રમાં વિલંબ અંગે સુપ્રીમ કોર્ટે સખત નિર્દેશ આપ્યાના ૧૦ દિવસ બાદ રવિવારે કેન્દ્ર સરકારે અદાલત સમક્ષ જણાવ્યું હતું કે, આરોગ્ય મંત્રાલય અને ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) દ્વારા આ મામલે નવી માર્ગદર્શિકા તૈયાર કરાઈ છે. કોરોનાથી મૃત્યુના મામલાઓમાં ‘સત્તાવાર દસ્તાવેજો’ માટે જારી કરાયેલા નવા દિશા-નિર્દેશો મુજબ, કોવિડ -૧૯થી મોત એવા મામલાઓમાં જ માન્ય ગણાશે જેમાં આરટી-પીસીઆર, રેપિડ ટેસ્ટ કે મોલેકયુલર અથવા હોસ્પિટલમાં ક્લિનિકલ પરીક્ષણો પરથી સંક્રમણ હોવાનું જણાવાયું હશે.

નવી માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, ઝેરનું સેવન કરવાથી, આત્મહત્યા કે દુર્ઘટનામાં મોત જેવા કારણોને કોરોનાથી મોત માની શકાશે નહીં. ભલે આવા કિસ્સામાં મૃતકને કોરોના હોય. આ સંબંધમાં તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય રજિસ્ટ્રારોને જરૂરી દિશાનિર્દેશ જારી કરાશે તેવું કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલાં સોગંદનામામાં જણાવ્યું હતું.  

આઈસીએમઆરના અભ્યાસ અનુસાર દર્દી સંક્રમિત થયાના રપ દિવસમાં મોત થાય, તો તે કોવિડથી થયેલું મોત ગણાશે. જો કે, સરકારે આ સમયસીમા  વધારીને ૩૦ દિવસની કરી નાખી છે. મતલબ કે, સંક્રમણના ૩૦ દિવસમાં મોત કોરોનાથી મોત મનાશે, તેવી જાણકારી સરકારે સુપ્રીમ કોર્ટને આપી હતી. એવા દર્દી જેમનું હોસ્પિટલ કે ઘરમાં મોત થયું છે અને જેમાં નોંધણી સંસ્થાને જીવન અને મૃત્યુ નોંધણી કાયદા ૧૯૬૯ની કલમ ૧૦ હેઠળ મેડિકલ સર્ટિફિકેટના ફોર્મ-૪ અને ૪-એ અપાયા હોય તેમના જ મોતને કોરોના સંબંધિત મનાશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here