દેશ માટે હવે સૌએ એક અને નેક બનવું જ પડશે !

0
1097

જાન્યુઆરી મહિનામાં બે વિશિષ્ટ પર્વો આવે છેઃ ઉત્તરાણ પર્વ અને પ્રજાસત્તાક પર્વ.

ઉત્તરાણ આપણને ગગનગામી-ઊર્ધ્વ આરોહી બનાવે છે અને પ્રજાસત્તાક પર્વ આપણને ધરાગામી રહેવા કહે છે, માતૃભૂમિની ગોદનું સુખ એન્જોય કરવા કહે છે. માણસ ગમે તેટલો ઊંચે ઊડે તો પણ એણે ધરતી સાથેનો નાતો જાળવી રાખવો પડે છે. આકાશ ઊડવા માટે આકર્ષક છે, પણ ત્યાં ન તો કોઈનું ઘર છે, ન કોઈની કબર છે!

માણસ જેટલી વાડાબંધી કરે છે, એટલી જગતનો અન્ય કોઈ જીવ કરતો નથી. કદાચ એટલે જ બીજા જીવોને વ્યર્થ ઉધામા નથી હોતા.
ક્યાંક ભાષાની વાડાબંધી તો ક્યાંક પ્રાંતની, ક્યાંક અમીર-ગરીબની તો ક્યાંક ઊંચ-નીચની. સમાજનું બેલેન્સ ખોરવાતું રહે એ માટે પૂરતો બંદોબસ્ત આપણે કરી રાખ્યો છે. એટલું જ નહિ, આપણો સ્વાર્થ હોય તો આપણને ખાડામાં અને ખીણમાંય મોજ આવે છે, અને સ્વાર્થ ન હોય તો શિખર પર પણ આપણે શોકમગ્ન બની રહીએ છીએ.

માણસ જેટલું સ્વાર્થી અને લુચ્ચું અને બેઈમાન અને બેવકૂફ અને ગણતરીબાજ પ્રાણી બીજું એકેય નથી!

આપણી વર્ણવ્યવસ્થાએ ઘણી સરળતા કરી આપી છે, તેમ ઘણી જટિલતાઓ પણ પેદા કરી છે. માત્ર જાતિને આધારે જ કોઈ સવર્ણ અને કોઈ પછાત કેવી રીતે હોઈ શકે? ટ્રેજેડી એ છે કે કોઈને પોતાના પાંજરામાંથી બહાર નીકળવું નથી અને સમગ્ર વ્યવસ્થાને ગાળો ભાંડતાં રહેવું છે.

કેટલાક દલિતો ક્યારેક પૂછે છે કે ભારતની આઝાદીનાં આટલાં વર્ષોમાં સરકારે દલિતોના ઉત્થાન માટે શું કર્યું?
પણ મારો સવાલ તો એ છે કે આટલાં વર્ષોમાં દલિતોએ પોતે પોતાના ઉત્થાન માટે શું કર્યું?
એમને તો અનામત જ જોઈએ છે, ઉત્થાન નહિ.

બે વર્ષના બાળક માટે ચાલણગાડી શોભે, પછી તો પોતાના પગ પર ઊભા રહેતાં શીખી લેવું પડે. આઝાદીનાં 70 વર્ષ પછી પણ અનામતની ચાલણગાડી એમને છોડવી નથી!
સરકારી લાભો લેવા માટે જેને સામે ચાલીને દલિત રહેવાનું જ પસંદ હોય, એનો ઉદ્ધાર તો સ્વયં ઈશ્વર પણ ન કરી શકે!
અનામત માત્ર ગરીબ અને અપંગ વ્યક્તિને જ મળવી જોઈએ, જાતિને આધારે નહિ…

એક દલિત મિત્ર મને કહે, તમે સવર્ણ છો એટલે તમને દલિતની પીડા નહિ સમજાય. તમે કોઈ વખત ગટર સાફ કરવા ભૂગર્ભમાં ઊતર્યા છો? તમે કોઈ વખત મરેલા ઢોરને ચીર્યું છે?
મેં કહ્યું, દલિતો માટે એવાં કામ કરવાનું કમ્પલ્સરી તો નથી ને, મિત્ર? તમને ન ગમે તો એવાં કામ ન જ કરો. તમે એ છોડશો તો સવર્ણોને એ કરવાનું માથે આવી પડશે. કોઈ વ્યક્તિને એની જાતિના આધારે કોઈ પણ કામ કરવાની ફરજ ન પાડી શકાય. હવે મારી પાસે પણ તમારા માટે એક સવાલ છે…’

‘પૂછો…’ એ દલિત મિત્ર બોલ્યો.

‘તમે સરકારને ડગલે ને પગલે ભરપૂર ટેક્સ ભરતા હો અને તમારા સંતાનને પૂરતી લાયકાત-ગુણવત્તા હોવા છતાં સરકારી સંસ્થામાં એડમિશન કે જોબ ન મળતાં હોય એની પીડા તમે કલ્પી શકો છો? સરકાર દલિતોને એજ્યુકેશન માટે આર્થિક સુવિધાઓ આપે છે, શિષ્યવૃત્તિ આપે છે એની સામે કોઈ વાંધો નથી. દલિતોના વિકાસ માટે અને એમનું એજ્યુકેશન ગુણવત્તાસભર બને એ માટે પૂરેપૂરી હેલ્પ કરવી જોઈએ. કિન્તુ જ્યારે કોઈ પદ કે સત્તા આપવાની હોય ત્યારે માત્ર મેરિટ જ જોવી જોઈએ એવું તમને નથી લાગતું?

એ મિત્ર મૌન રહ્યા.

માત્ર જ્ઞાતિ કે જાતિના સ્વાર્થની વાતો કરવી, એ દેશહિત માટે જોખમી છે અને દુર્ભાગ્યપૂર્ણ પણ છે.

પોલિટિક્સનું સ્તર હવે એટલી હદે ઊતરી ગયું છે કે ક્યારેક તો આ દેશમાં લશ્કરી શાસન આવે એવી અપેક્ષા જાગે છે.
દલિતો માટે દલિત ડોક્ટર જ હોવો જોઈએ એવો આગ્રહ નથી, તો દલિતો માટે દલિત નેતા જ હોય એવો આગ્રહ કેમ?
નોકરી જાતિના આધારે અનામતથી મળે છે, હવે નેતૃત્વ પણ અનામતથી લેવું છે?
ફોજ કે સેનામાં જોડાઈ જવા માટે દલિતોએ આવો આગ્રહ કદી કર્યો છે?

સવર્ણોએ તો બસ ટેક્સ ભરવાના…

પોતાનાં સંતાનોને સરકારી કોઈ લાભ ન મળે તો પણ ફરિયાદ નહિ કરવાની…

સવર્ણોએ હવે અનામત દૂર ન થાય તો સરકારને કોઈ પણ પ્રકારના ટેક્સ નહિ ભરવાનું આંદોલન શરૂ કરવું પડશે…

જાતિવાદ ખતમ નહિ થાય તો સમાજ અને દેશ બન્ને ડૂબી જાય એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. ધર્મ અને જાતિના નામે ઘણાં દૂષણોને આપણે સ્વીકારી લીધાં છે, હવે દેશ જ ધર્મ બને, દેશ જ સમાજ બને અને દેશ જ સર્વોપરી બને એ માટે સૌએ એક અને નેક થવું જરૂરી છે. ભાગલાવાદી તત્ત્વોને ઓળખીને એમને ઇમ્પોર્ટન્સ આપવાનું છોડવું જ પડશે.

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here