ઓસ્ટ્રેલિયામાં ૧૦,૦૦૦ ઊંટોની હત્યાનો આદેશ

સિડનીઃ દક્ષિણ ઓસ્ટ્રેલિયાનાં જંગલોમાં લાગેલી આગને કારણે ત્યાંના લોકો જળસંકટનો સામનો કરી રહ્યા છે. આ કારણે દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં ૧૦,૦૦૦ જંગલી ઊંટોની હત્યા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. બુધવારથી શરૂ થયેલી પાંચ દિવસીય કવાયત દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર નિશાનેબાજો ઊંટોનો શિકાર કરશે. દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં પાણીની તંગી સર્જાઈ હોવાને લીધે ૧૦,૦૦૦ જંગલી ઊંટોને મારવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે, કારણ કે આ ઊંટો ખૂબ પાણી પીવે છે. ઓસ્ટ્રેલિયાની દક્ષિણ-પશ્ચિમી અનાંગુ પિતજનજાતજારા યાકુનીજાતજારા (એપીવાય) લેન્ડ્સ ખાતે બુધવારથી પાંચ દિવસ સુધી હેલિકોપ્ટર પર સવાર પ્રોફેશનલ શૂટર્સ દ્વારા ઊંટોની હત્યા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. ઊંટોને મારવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એપીવાય લેન્ડ્સમાં રહેતા કન્યાપી સમુદાયના લોકો બે સપ્તાહ સુધી તેમના શબના નિકાલની કામગીરી કરશે.
જાણવા મળ્યા મુજબ, એ વિસ્તારના લોકો સતત પાણીની તલાશમાં ઊંટો તેમનાં ઘરોમાં ઘૂસી આવતાં હોવાની ફરિયાદ કરતા હતા, જેથી આદિવાસી નેતાઓએ ઊંટોને મારવાનો નિર્ણય લીધો છે. આ ઊંટો પાંચ કિમી દૂરથી જ પાણીના સ્ત્રોતોને સૂંઘી લે છે અને ત્યાં સુધી પહોંચી જાય છે. પાણીની તંગીને કારણે એ વિસ્તારના લોકો એસીના પાણીનો પણ સંગ્રહ કરીને ઉપયોગ કરી રહ્યા છે એવામાં આ ઊંટો ઘર બહારની વાડોને નુકસાન કરીને આ પાણી પીવા માટે પહોંચી જાય છે. ફેરલ જાતિનાં આ ઊંટો પાણી વધુ પીવે છે અને એ સિવાય તેમની વસતિમાં સતત થઈ રહેલો વધારો પણ એક ચિંતાનો વિષય છે.
મધ્ય ઓસ્ટ્રેલિયામાં આ પ્રજાતિનાં ૧૨ લાખથી પણ વધારે ઊંટો વસે છે અને દર વર્ષે જંગલી ઊંટોની વસતિ લગભગ બમણી થઈ જાય છે. ખેતીને નુકસાન કરે છે. દર વર્ષે એક ટન કાર્બનડાયોક્સાઇડ જેટલા મિથેનનું ઉત્સર્જન કરે છે, જેથી તેમની વસતિને નિયંત્રણમાં રાખવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. ઘણી વખત તેઓ પાણીના સ્ત્રોતમાં મરી જતાં હોવાથી એ પાણી પ્રદૂષિત થઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here