ઈરાનઃ કાસિમ સુલેમાનીના જનાજામાં ભાગદોડ મચી, ૩૫ લોકોનાં મોત, ૪૮ ઘાયલ

તહેરાનઃ શુક્રવારે ઇરાકમાં અમેરિકી ડ્રોન હુમલામાં માર્યા ગયેલા ઇરાનના સૈન્ય-કમાન્ડર કાસિમ સુલેમાનીના જનાજામાં ભાગદોડ મચી હતી. આ ભાગદોડમાં અત્યારસુધીમાં ૩૫ લોકોનાં મોત થયાં છે, જ્યારે ૪૮ લોકો ઘાયલ છે. પોતાના લોકપ્રિય નેતાને અંતિમ વિદાય આપવા માટે લાખોની સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઊમટી પડ્યા હતા. રિપોર્ટ્સ મુજબ જનાજામાં ૧૦ લાખથી વધુ લોકો સામેલ થયા હતા.
સુલેમાની કરમાન શહેરના હતા. તેમના મૃતદેહને ઇરાકથી પહેલા અહવાઝ અને ત્યાર બાદ તહેરાન તથા હવે કરમાન લાવવામાં આવ્યો છે. અહીં તેમના અંતિમ સંસ્કાર થવાના છે. ગૃહ શહેરમાં મોટી સંખ્યામાં લોકો તેમને અંતિમ વિદાય આપવા માટે ભેગા થયા. તહેરાન, કોમ, મશહદ અને અહવાઝમાં પણ લાખોની સંખ્યામાં લોકો હાજર હતા. મોટી સંખ્યામાં લોકો આઝાદી ચોક પર ભેગા થયા, જ્યાં રાષ્ટ્રીય ઝંડામાં લપેટેલા બે તાબૂત રાખવામાં આવ્યા હતા. એક તાબૂત સુલેમાનીનો અને બીજો તેમના નજીકના સહયોગી બ્રિગેડિયર જનરલ હુસૈન પુરજાફરીનો હતો. શિરાજથી પોતાના કમાન્ડરને અંતિમ વિદાય આપવા માટે કરમાન આવેલા લોકોમાંથી એકનું કહેવું હતું કે અમે પવિત્ર સુરક્ષાના મહાન કમાન્ડરને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છીએ.