દેશની સુપ્રીમ કોર્ટ કહે છેઃ પ્રવાસી મજૂરોના મામલામાં લાપરવાહી અને ઉણપો હતી. હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને મજૂરોના પ્રવાસ, રહેવાસ અને ભોજનની વ્યવસ્થા સુનિશ્ચિત કરે…

 

   દેશની સર્વોચ્ચ અદાલત- સુપ્રીમ કોર્ટે દેશના અલગ અલગ વિસ્તારોમાં રહેનારા અને સ્થળાંતર કરનારા પ્રવાસ મજૂરોની હાલત તેમજ તેમને પડતી મુશ્કેલીઓની નોંધ લીધી હતી. નામદાર અદાલતે જણાવ્યું હતું કે, મજૂરો લોકડાઉનને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને લીધે પોતાના વતન ભણી પરત જવાનો નિર્ણય લઈ રહ્યા છે. નોકરીની – કામ-મજૂરી મળવાની અનિશ્ચિતતા અને જીવન જરૂરી ચીજ- વસ્તુઓનો અભાવ તેમજ રહેવા- ખાવા પીવાની કોઈ યોગ્ય વ્યવસ્થા ના થઈ હોવાને કારણે ખૂબ તકલીફમાં મૂકાયા હતા. મજૂરોની સુરક્ષા તેમજ સુખાકારીના જરૂરી પગલાં લેવામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું વહીવટીતંત્ર નિષ્ફળ રહ્યું હતું. પ્રવાસી મજૂરોના મામલે અરાજકતા પ્ર્વર્તી હતી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આ મામલામાં ભૂલો કરી હતી. હવે જરૂરી એ છે કે દેશ અને રાજય સરકારનું વહીવટીતંત્ર મળીને આ પ્રવાસી મજૂરોના પ્રવાસની વ્યવસ્થા કરે. તેમના રહેણાકનો અને ભોજનનો યોગ્ય પ્રબંધ કરે. કોરોનાને કારણે  દેશના વિવિધ સ્તરના લોકો તકલીફ અને સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કોરોનાએ સમગ્ર સમાજના જીવન પર અસર કરી છે. સામાન્ય સ્તરના ના લોકો દિન- પ્રતિદિન અનેક પ્રકારની તકલીફનો અનુભવ કરી રહ્યા છે.  ચોથા તબક્કાનો લોકડાઉન ચાલુ છે. દેશના કેટલાક વિસ્તારોમાં બજારો, દુકાને , બસ સેવા વગેરે નિયત સમય મુજબ ચાલુ કરવામાં આવી છે. આમ છતાં દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, 1 લાખ, 46 હજાર, 439 સુધી પહોંચી ગઈ છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. ત્યારબાદ તામિલનાડુ, ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ , આંધ્ર પ્રદેશ અને બિહાર છે. દિલ્હી સરકારે પ્રવાસીઓમાટે ખાસ ગાઈડ લાઈન્સ જારી કરી છે. અહીં આવનારા પ્રવાસીઓએ તેમના મોબાઈલ પર આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવું પડશે. સંક્રમણના લક્ષણો ના હોય તો પણ તેમણે 14 દિવસ સુધી પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી પડશે. દેશમાં અત્યાર સુધીમાં 60 હજાર, 490 લોકો કોરોનાના સંક્રમણમાંથી સાજા થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here