ઉત્તર પ્રદેશ સરકાર ઉજજવલા યોજનાના લાભાર્થીઓને એક એલપીજી સિલિન્ડર મફત આપશે

બુલંદશહેર: ઉત્તર પ્રદેશની યોગી સરકાર દિવાળી પર ગરીબ મહિલાઓને મોટી ભેટ આપવા જઈ રહી છે. આવતા મહિને ઉત્તર પ્રદેશ સરકાર ઉજજવલા યોજનાના લાભાર્થીઓને એક એલપીજી સિલિન્ડર મફત આપશે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બુલંદશહેરમાં એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી. તે સિવાય તેમણે અહી ૬૩૨ કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. જેમાં ૨૦૮ કરોડના ૧૦૪ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે જેનું ઉદઘાટન કરાયું હતું જ્યારે ૪૨૪ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરાયો હતો. આદિત્યનાથે કહ્યું હતું કે “વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજજવલા યોજના મારફતે તમામ પરિવારને ભેટ આપી છે અને સિલિન્ડરના ભાવમાં ૩૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. હવે અમે નિર્ણય લીધો છે કે દરેક ઉજજવલા યોજના કનેક્શન લાભાર્થીને દિવાળીની ભેટ તરીકે એક રસોઈ ગેસ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે. વધુમાં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે વર્તમાન ભાજપ સરકાર ૨૦૧૪માં સત્તામાં આવી તે પહેલાં એલપીજી ગેસ કનેક્શન મેળવવું મુશ્કેલ કામ હતું. એકલા ઉત્તર પ્રદેશમાં લગભગ ૧.૭૫ કરોડ પરિવારોને ઉજજવલા યોજનાનો લાભ મળ્યો છે. પ્રધાનમંત્રી ઉજજવલા યોજના એ કેન્દ્ર સરકારની યોજના છે જેમાં બીપીએલ પરિવારોને એલપીજી કનેક્શન માટે નાણાકીય સહાય આપે છે. ભાજપની અન્ય યોજનાઓ પર પ્રકાશ પાડતા મુખ્ય પ્રધાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં પીએમ આવાસ યોજના હેઠળ ૫૫ લાખ મહિલાઓના નામે ઘર થયું છે જ્યારે ‘સ્વચ્છ ભારત’ યોજના હેઠળ રાજ્યમાં ૨.૭૫ લાખ શૌચાલય બનાવવામાં આવ્યાં છે. આદિત્યનાથે કહ્યું હતું કે છેલ્લાં નવ વર્ષોમાં આપણે બધાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક નવું ભારત જોયું છે. આ નવું ભારત સમૃદ્ધ, શક્તિશાળી અને આત્મનિર્ભર છે. નવા ભારતે ૨૦૧૪ પછી દેશના યુવાનો અને મહિલાઓ સહિત તમામ વર્ગના લોકો અને નાગરિકોને લાભ આપ્યો છે. આદિત્યનાથે કહ્યું કે, એશિયન ગેમ્સમાં ઉત્તર પ્રદેશની પારુલ ચૌધરી અને અન્નુ રાનીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. તે બંનેને ડેપ્યુટી એસપી તરીકે નિયુક્ત કરવામાં આવશે. રાજ્ય સરકાર એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીને ૩ કરોડ રૂપિયા, સિલ્વર મેડલ વિજેતાને ૧.૫ કરોડ અને બ્રોન્ઝ મેડલ વિજેતાને ૭૫ લાખ રૂપિયાનું ઇનામ આપશે. તેમના માટે ટૂંક સમયમાં સન્માન સમારોહ યોજાશે. અમે તેમને સરકારી નોકરી પણ આપીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here