ફાટેલી એડીઓનો સરળ ઉપચાર

Dr. Rajesh Verma

ઠંડીની ઋતુમાં પગમાં કેટલીક ખાસ કાળજીની જરૂર હોય છે. લાપરવાહીમાં ઘણી વાર તો એડીઓ એટલી બધી ફાટી જાય છે કે તેમાંથી લોહી પણ નીકળવા માંડે છે. આવી હાલતમાં દુખાવાને કારણે ચાલવામાં તકલીફ પડે છે. નિયમિત રૂપે થોડો સમય કાઢીને પગની ફાટેલી એડીની દરકાર કરીએ તો પગ સુંદર આકર્ષક કરી શકાય. પગ સાફ ન રાખવાથી એડી ફાટી શકે છે અને ફાટેલી એડીઓમાં મેલ જામી જાય છે. શરીરમાં કેલ્શ્યિમની ઊણપથી પણ એડીઓ ફાટે છે. હંમેશાં ખુલ્લા પગે ચાલવાથી પગ પર ધૂળ જામી જાય છે અને એડીઓ ફાટવાનું મેઇન કારણ આ જ હોય છે. સૂકી ચામડી એડીઓ પર ચીરા પડે છે. સ્ત્રીઓને વધારે પડતું પાણીમાં કામ કરવાનું હોવાથી પગ ભીના રહેવાથી પણ એડીઓ ફાટી જાય છે. એડીઓની સમસ્યા પર કાબૂ મેળવવા માટે પગને વધુ પડતા પાણીમાં ન રાખવા જોઈએ. કેટલીક સાવધાની વર્તવી જોઈએ.
આયુર્વેદમાં કહ્યું છે કે, જ્યારે શરીરમાં વાયુનું પ્રમાણ વધી જાય ત્યારે શરીરનું નેચરલ ઓઇલ ઓછું થઈ જાય છે અને ત્વચાને સૂકી કરી નાખે છે. એડીનું ફાટવું એ વાતપ્રકોપ ગણી શકાય, માટે જેને એડી ફાટવાની ફરિયાદ રહેતી હોય તેવી વ્યક્તિઓએ વાયુ વધે તેવો આહાર ન લેવો જોઈએ, જેમ કે દાણાવાળાં શાકભાજી, મગ સિવાયનાં કઠોળ, વધારે પડતાં સૂકામેવાનું સેવન, ધૂમ્રપાન, વધારે પડતી ચા પીવાની આદત આ તમામ વાયુને વધારે છે તેથી આ તમામ બાબતને દૂર કરવાનો યત્ન કરવો.
દરરોજ રાત્રે સૂતી વખતે એક ગ્લાસ હૂંફાળા દૂધમાં એક ચમચી ચોખ્ખું ઘી મિક્સ કરીને પીવાથી શરીરની અંદર રહેલી રૂક્ષતા દૂર થાય છે અને ફાટેલી એડીમાં રાહત મળે છે.
નીચે થોડાક ઘરગથ્થુ ઉપચાર આપ્યા છે તો જે અનુકૂળ હોય તેનો યોગ કરી પરિણામ મેળવી શકાય.
– રોજ રાત્રે એક ચમચી લીબુનો રસ, એક ચમચી ગુલાબજળ અને એક ચમચી એરંડીનુું તેલનું મિશ્રણ એડીઓ પર માલિશ કરવી.
– એક ચમચી શુદ્ધ મીણ અને એક ચમચી શુદ્ધ ઘી લઈ તેને ગરમ કરવું આ બન્ને પદાર્થ બરાબર મિક્સ થઈ જાય તે પછી એક એક ટીપું રૂ વડે ફાટેલી એડીમાં ટપકાવવું, આમ કરવાથી શેક થશે અને આરામ પણ મળશે, પરંતુ આ યોગ દરરોજ કરવો, જ્યાં સુધી એડીઓ એકદમ સારી ન થઈ જાય.
– પાણીમાં મીઠું અથવા તો બોરેકસ પાઉડર મેળવીને પાંચ મિનિટ સુધી પગ મૂકી રાખી પછી કપડાથી લૂછીને જૈતૂનનું તેલ લગાવવું
– કેરીની ગોટલીને સૂકવી પીસી લઈને નારિયેળનું તેલ મિક્સ કરી વાઢિયા પર લગાવી રગડવાથી ચીરા પુરાઈ જાય છે અને એડીનું કાળાપણું દૂર થાય છે.
– એક કટોરી દેશી મીણ ગરમ કરી તેમાં અડધી કટોરી સરસિયાનું તેલ મેળવી એક તપેલીમાં સાધારણ પાણીમાં આ મિશ્રણ ગાળી લેવું. થોડી વાર પછી આ મિશ્રણ પાણીમાં તળિયે બેસી જશે. ત્યાર પછી પાણી ફેંકી દઈને આ મિશ્રણને કાચની બોટલમાં ભરી લેવું એડીઓ સાફ કરીને હંમેશાં રાત્રે સૂતાં સમયે લગાવવી. લગાતાર યોગ કરવાથી એક સપ્તાહમાં જ નિશ્ચિત રૂપથી આરામ મળે છે.
– રાત્રે સૂતાં પહેલાં નવશેકા નારિયેળ તેલથી ચીરા પર લગાવી અને મોજાં પહેરી સૂઈ જવું. સવારે પગને ગરમ પાણીથી 1પ મિનિટ ડુબાવી રાખીને નાયલોન બ્રશથી તળિયા પર ફાટેલા વાઢિયા પર ઘસીને લૂછી લેવું અને તે પછી થોડું વેસેલીન લગાવી લેવું.
– એડીઓ બહુ વધારે ફાટી ગઈ હોય તો ડેટોલથી ધોઈ નવસેકા પાણીમાં પલાળી રાખવી અને પછી ઊપસેલી ત્વચાને નેઇલ કટરથી કાપી અથવા તો સ્ટેનલેસ સ્ટીલની બ્લેડનેથી કાપી મૃત ત્વચા દૂર કરી એન્ટિસેપ્ટિક ક્રીમ લગાવવી.
– ઘણાં લોકોને આખું વર્ષ એડીઓ ફાટેલી રહે છે તેવા સમયે અહીં બતાવેલો ઉપચાર કરવો. 100 ગ્રામ ગરમ કરેલું વનસ્પતિ ઘી, 300 ગ્રામ મેંદીનાં પત્તાં ઘીમાં નાખી ધીમા તાપે થવા દેવા. થોડી થોડી વારે ચમચીથી હલાવતાં રહેવું. જ્યારે મેંદીનાં પત્તાં ઘીમાં શેકાવાથી બ્રાઉન થઈ જાય ત્યારે તે ઠંડું પડવા દેવું ને પછી પત્તાંમાંથી ઘી નિચોવી લઈ એક ડબ્બીમાં ભરી લઈને આ મલમને દરરોજ એક વાર લગાવવો. પગ ધૂળ-માટીવાળા ન થાય તેનું ધ્યાન રાખવું. જ્યારે પણ પગ ધોવા હોય તો હલકું ગરમ પાણી લઈને જ ધોવા.
વાઢિયા મટી જાય પછી પણ શિયાળામાં મોજાં પહેરેલાં જ રાખવાં. દરરોજ નહાતી વખતે એડીઓને પાણીમાં પલાળી કરકરી સ્કીન થઈ ગઈ હોય તેના પર પ્યુમિક સ્ટોનથી ધીરે ધીરે ઘસવાથી મૃત ત્વચા દૂર થઈ જાય છે. આવુ કરવા માટે એક મિનિટ પૂરતી છે. આમ કરવાથી વાઢિયા પડતા નથી અને ત્વચા સાફ રહે છે.
એક મોટા વાસણમાં નવસેકું પાણી લઈ એક લીંબુનો રસ અને અડધી ચમચી સોડા બાય કાર્બોનેટ નાખી એડીઓ આ પાણીમાં 10થી 1પ મિનિટ પલાળી રાખી પછી ત્વચા નરમ પડે એટલે સ્કૈબ્રશથી ઘસી પછી સાફ પાણીથી ધોઈ લૂછીને વેસેલીન લગાવવું. અઠવાડિયે એક વાર એડીઓની આ રીતે સફાઈ કરવાથી એડીઓ સુંદર બને છે.
ઈંડાની જર્દી પણ એડીઓ પર લગાવી શકાય અને તે સુકાઈ જાય પછી સુકાઈ ગયેલા લીંબુનાં છોડિયાં એડીઓ પર ઘસવાં. પછી 10 મિનિટ પછી નવસેકા પાણીમાં પગ ધોઈ લેવા. ખરબચડી એડીઓ સારી થાય છે. આ સિવાય 10 અથવા 1પ દિવસને અંતરે પેડીક્યોર ટ્રીટમેન્ટ લેવી પણ ફાયદાકારક જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here