મહારાણી એલિઝાબેથ દ્વિતીયની શાહી પરંપરા સાથે અંતિમ વિદાય

 

લંડન: બ્રિટિનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયની મંગળવારે અંતિમવિધી કરવામાં આવી. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે દેશ-વિદેશની જાણીતી હસ્તીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ કિંગ ચાર્લ્સ ત્રીજાએ રવિવારે બકિંગમ પેલેસમાં વિશ્ર્વભરના નેતાઓને આવકાર્યા હતા. અમેરિકન પ્રમુખ જો બાઈડને પણ મહારાણીને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પી હતી. ૧૯૬૫ બાદ પ્રથમ વખત કોઈને બ્રિટનમાં રાજકીય અંતિમ સંસ્કારનું સન્માન મળ્યું છે. છેલ્લે બ્રિટનના પ્રથમ વડાપ્રધાન વિસ્ટન ચર્ચિલના રાજકીય અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. લંડનના વેસ્ટમિસ્ટર એબેમાં બ્રિટન અને વિશ્ર્વભરની હસ્તીઓ ક્વિનને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા.

ક્વિન એલિઝાબેથના કોફિનને વેસ્ટમિંસ્ટર એબેથી વેલિંગ્ટન આર્કમાં લઈ જવામાં આવ્યું હતું. તેમના કોફિનને પાર્લામેન્ટ સ્ક્વેર, પાર્લામેન્ટ સ્ટ્રીટ, વ્હાઈટહોલ, હોર્સ ગાર્ડ્સ, ધ મોલ, ક્વિન્સ ગાર્ડન્સ, કોન્સ્ટિટયુશન હિલ અને એપ્સલે વે થઈને વેલિંગ્ટન આર્કમાં લઈ જવાયું. કિંગ ચાર્લ્સ અને રોયલ ફેમિલીના સભ્યો કોફિનની સાથે ચાલ્યા હતા.

ક્વિનના નિધનને ૧૧ દિવસ પૂરા થઈ જશે અને આ દરમિયાન બ્રિટનના શાહી પરિવારનું અંગત દુ:ખ આંતરરાષ્ટ્રીય જગતમાં પણ ચર્ચામાં રહ્યું હતું. ભારતનાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ પણ અંતિમ વિધિમાં હાજરી આપવા પહોંચ્યા હતાં. બાઈડન અને તેમના પત્ની જિલ બાઈડન લંડનમાં વેસ્ટમિસ્ટર હોલમાં બ્રિટિશ ધ્વજથી લપેટાયેલા કોફિનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કિંગ ચાર્લ્સે જાપાનના સમ્રાટ ના‚હિતોથી લઈને ફ્રાન્સના રાષ્ટ્ર પ્રમુખ ઈમેનુએલ મેક્રોં સહિત ઘણા નેતાઓને આવકાર્યા હતા. તેમની અંતિમ વિદાયમાં ૨,૦૦૦થી વધુ મહાનુભાવો હાજર રહ્યા. ક્વિન એલેઝાબેથ ૭૦ વર્ષ અને ૨૧૪ દિવસ સુધી બ્રિટનના મહારાણી પદે રહ્યા. ૯૬ વર્ષની વયે તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતા. ક્વિનની અંતિમ વિદાયનો કાર્યક્રમ જે વેસ્ટમિંસ્ટર એબે ખાતે રાખવામાં આવ્યો છે ત્યાં જ ક્વિને નવેમ્બર ૧૯૪૭માં પ્રિન્સ ફિલિપ સાથે પોતાના લગ્નનો કાર્યક્રમ પણ રાખ્યો હતો. તેમના સૌથી મોટા પુત્ર કિંગ ચાર્લ્સ ત્રીજાએ મિલિટ્રી ડ્રેસ પહેર્યો હતો અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પોતાના ક્વિનની અંતિમ વિદાય દરમિયાન યુકેમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. મહારાણી એલિઝાબેથ દ્વિતીયને અલવિદા કહેતાં યુકેમાં લાખો લોકોની આંખોમાં દુ:ખ દેખાઇ રહ્યું છે. મહારાણીની અંત્યેષ્ટિના દિવસે બ્રિટન રજા જાહેર કરવામાં આવી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને બકિંગહામ પેલેસ જતા પહેલા મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ તેમને પોતાની માતાની યાદ અપાવી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.