મૌની અમાવસ્યાએ પ્રયાગરાજમાં લાખો શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી

 

 પ્રયાગરાજઃ શ્રદ્ધા, વિશ્વાસ અને સંસ્કૃતિના સંગમમાં તીર્થરાજ પ્રયાગના માઘ મેળાના ત્રીજા સૌથી મોટા સ્નાન પર્વ મૌની અમાવસ્યાના દિવસે સવારે લગભગ ૪૦ લાખ લોકોએ પતિતપાવન ગંગા, શ્યામલ  યમુના, અને અદશ્ય સરસ્વતીના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી.

 સંગમકિનારે દૂધિયા રંગની રોશનીમાં સવારે ચાર વાગ્યાથી લાખો શ્રદ્ધાળુઓએ ગંગાના પ્રવાહમાં ઊભા રહીને પુણ્યની ડૂબકી લગાવવાનું શરૂ કર્યું હતું. કાતિલ ઠંડીમાં પણ લોકોની શ્રદ્ધા અડગ રહી, સંગમ પર ભીડ એટલી વિશાળ હતી કે જાણે માનવ મહેરામણ ઊમટ્યો  હોય એવો નજારો જોવા મળ્યો હતો.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સવારે આઠ વાગ્યા સુધીમાં તો ૪૦ લાખ લોકોએ પુણ્યની ડૂબકી લગાવી હતી. શ્રદ્ધાળુઓએ સવારે પાંચ વાગ્યાથી સ્નાન શરૂ કર્યું હતું.

સુરક્ષા માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ, પીએસ, આરએએફ અને ડ્રોનથી સમગ્ર મેળાની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.

જોકે વહીવટી તંત્ર સવારે પાંચ વાગ્યાથી સ્નાન શરૂ થવાની વાત કરી રહ્યું છે, પરંતુ સાધુ-મહાત્મા અને સંસારી લોકોએ પ્રભાતના ચાર વાગ્યાથી જ પુણ્યની ડૂબકી લગાવવાનું શરૂ કર્યું હતું. આસ્થાની ડૂબકી લગાવનારાઓને કારણે સંગમક્ષેત્ર લોકોથી ઠસોઠસ ભરેલું હતું. કડકડતી ઠંડી અને શીત લહેર છતાં  શ્રદ્ધાળુઓનો ઉત્સાહ અનેરો જોવા મળ્યો. પ્રયાગરાજનાં માર્ગો, રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનોમાં પણ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી અને એમાં સતત વધારો થઈ રહેલો જોવા મળી રહ્યો હતો.

આસ્થાની ડૂબકી લગાવનારા શ્રદ્ધાળુઓમાં ભારતીય જ નહિ, પરંતુ કેટલાક વિદેશીઓએ પણ સંગમ તીરે આધ્યાત્મનો આનંદ લેતા જોવા મળ્યા હતા. કેટલાક વિદેશી ત્રિવેણી માર્ગ પર પહોંચીને સુરક્ષામાં લાગેલા પોલીસ અને અન્ય એજન્સીઓના જવાનોને સંગમ જવા માટે પૂછપરછ કરતા જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here