ઇંગ્લિશ ચેનલ તરનાર સૌપ્રથમ ગુજરાતી મહિલા વંદિતા ધારિયાલ

0
1601

 

 દરિયાઈ સૌંદર્યને માણવું અને દરિયાઈ દિલ હોવું એ એક અલગ બાબત છે. દરિયો જેટલો વિશાળ અને ઊંડો છે તેવો તેને સમજવો અને માણવો તેથી પણ અઘરો છે! કિનારે ઊભાં ઊભાં દરિયાના સૌંદર્યની ઊછળતી મસ્તી માણવી ગમે, પણ એક વાર તેની સાથે બાથ તો ભીડી જોજો! દિલમાં જો ઊછળતા દરિયા જેટલો ઉત્સાહ ઊછળતો હોય અને કંઈક કરી બતાવવાનો દઢ નિર્ધાર હોય તો જ અફાટ દરિયો તરી શકાય છે.

 

આ શબ્દો છે ઇંગ્લિશ ચેનલ તરનાર સૌપ્રથમ ગુજરાતી ગર્લ વંદિતા ધારિયાલના. જેલી ફિશનો હિંમતપૂર્વક સામનો કરનાર 21 વર્ષની જલપરી વંદિતાએ ઓગસ્ટ, 2017માં ઇંગ્લિશ ચેનલ તરી જઈને ગુજરાતના રમત-જગતના ઇતિહાસમાં એ સુર્વણ પ્રકરણ આલેખ્યું હતું. સૌપ્રથમ ગુજરાતી ગર્લનું ઐતિહાસિક બિરુદ મેળવનાર વંદિતા ભારતની 14મી ‘ઇંગ્લિશ ચેનલ’ તરનાર મહિલા તૈરાકી બની હતી. 1875માં સૌપ્રથમ વાર ઇંગ્લિશ ચેનલ ડોવર ટુ ફ્રાન્સ તરવામાં આવી હતી. આ પછી ઓગસ્ટ, 2017 સુધીમાં કુલ 1831 જેટલા સ્વિમર્સે આ ઇંગ્લિશ ચેનલ તરવામાં સફળતા મેળવી છે. ભારતમાંથી કુલ 50 સ્વિમરોએ સફળતા મેળવી છે, જેમાં 14 મહિલા તૈરાકોનો સમાવેશ થાય છે.

પ્રિન્સેસ ઓફ બટરફ્લાયથી વિખ્યાત એવી વંદિતાએ 21મી ઓગસ્ટ, 2017ના રોજ એટલે કે સંપૂર્ણ સૂર્યગ્રહણ, અમાસ અને ડોલમડોલ દરિયાની સ્થિતિમાં ઇંગ્લેન્ડના ડોવરથી ફ્રાન્સના કિનારા સુધી 22 નોટિકલ માઈલનું અંતર 13 કલાક 10 મિનિટ અને 10 સેકન્ડમાં કાપીને એક ઐતિહાસિક સિદ્ધિ હાડ થીજવી નાખે તેવા બરફીલા પાણીમાં મેળવી હતી! તોતિંગ જહાજોની અવર-જવર, દરિયાઈ જીવ-જંતુ અને પ્રાણીઓ તેમ જ વનસ્પતિઓનો અગમ્ય સ્પર્શ સૂર્યગ્રહણ અને અમાસના કારણે તેમ જ અંધકારમાં સતત ભૂખ-તરસ વચ્ચે માત્ર હિંમત અને વિશ્વાસના સહારે સફળતાનો સાગર તરી જવાયો હતો.

એકલવ્ય અને જુનિયર સરદાર પટેલ એવોર્ડ મેળવનાર વંદિતા સ્વિમિંગ પૂલમાં બટરફ્લાય સ્ટ્રોકની ગોલ્ડન ફિશ રહી છે. 2010માં બાંગલાદેશમાં યોજાયેલી ‘11મી સાઉથ  એશિયન ગેમ્સ-2010’ની 100 મીટર બટલફ્લાય ઇવેન્ટમાં 01ઃ08.40 સેકન્ડથી દ્વિતીય ક્રમે રહીને સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે 2007માં પાકિસ્તાનમાં યોજાયેલી ‘પ્રથમ સાઉથ એશિયન સ્વિમિંગ ચેમ્પિયનશિપ’માં અંડર 14ના વિભાગમાં ગોલ્ડ મેડલ 4હ્100 મીટર ફ્રી સ્ટાઇલ રિલેમાં મેળવ્યો હતો, જ્યારે 50 મીટર બટરફ્લાયમાં સિલ્વર મેડલ 00ઃ32ઃ18 સેકન્ડથી મેળવ્યો હતો.

વરસાદી મોસમમાં તન સાથે મનને પણ ભીંજવતા વરસાદને માણવાની શોખીન વંદિતાને પાણીની રમતો ખૂબ ગમે છે, જેના કારણે આજે તેની પાસે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાનાં 200થી વધુ મેડલ્સ-ટ્રોફીઓ છે. નેશનલ લેવલના કુલ 65 મેડલ્સમાં 27 ગોલ્ડ, 24 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ છે. રાષ્ટ્રીય કક્ષાએ સૌપ્રથમ ગોલ્ડ મેડલ 2007માં ગોવામાં મળ્યો હતો. 2007નું વર્ષ તેનું ‘ગોલ્ડન યર’ રહ્યું હતું. ગોવા-સુરત અને પાકિસ્તાનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં 2007નું વર્ષ ગોલ્ડન યર બની ઝળહળી ઊઠ્યું હતું. 2007ના નવા વર્ષના પ્રારંભે જ ગોવામાં યોજાયેલી ‘સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા’ના અંડર-14ના વિભાગમાં વંદિતાએ 50, 100 અને 200 મીટર બટરફ્લાયમાં ગોલ્ડ મેડલ્સ મેળવીને પ્રથમ પ્રયત્ને જ ‘ગોલ્ડન હેટ્રિક’ની ચેમ્પિયનશિપમાં 10થી 12 વર્ષના વય વિભાગમાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે ઓક્ટોબર, 2007માં જ સુરતમાં રમાયેલી ‘સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા’માં પુનઃ ગોલ્ડન હેટ્રિક સર્જી હતી! 2007ના એક જ વર્ષમાં ડબલ ગોલ્ડન હેટ્રિકનો રેકોર્ડ કર્યો હતો. આ ઉપરાંત સપ્ટેમ્બર, 2007માં પાકિસ્તાનમાં પણ એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવ્યો હતો. આમ 2007ના વર્ષમાં જ નવ ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલ નેશનલ – ઇન્ટરનેશનલ લેવલ પર મેળવી ધમાકેદાર શાર્ક-માછલીની જેમ શરૂઆત કરી હતી.

જર્મનીની ગોલ્ડન ફિશ ક્રિસ્ટીના ઓટ્ટોની જેમ વંદિતા પણ બટરફ્લાય અને ફ્રી-સ્ટાઇલની સુવર્ણ પરી રહી છે. વંદિતાએ સ્કૂલ ગેમ્સ ઇન્ટર-યુનિવર્સિટી ગેમ્સ, નેશનલ ગેમ્સ તેમ જ ઇન્ટરનેશનલ ગેઇમ્સ, ફેડરેશન કપ ઓલ ઇન્ડિયા વીમન ફેસ્ટિવલ જેવી વિવિધ રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈને ગુજરાતનું નામ રોશન કરી છે. આ બધી ટુર્નામેન્ટમાં વંદિતાના શ્રેષ્ઠ દેખાવને ધ્યાનમાં લેતા રાજ્ય સરકારે ‘રાજ્ય રમતવીર’ એવોર્ડ આપીને તેનું ભવ્ય સન્માન કર્યું છે.

વંદિતાએ માત્ર ત્રણ વર્ષની વયે તરવાનું શરૂ કરી દીધું હતું! વંદિતાને વૈશ્વિક જલપરી બનાવવાનું બહુમાન તો તેની મમ્મી નીલિમાબહેનને જાય છે. માઇક્રોબાયોલોજીમાં સાયન્સ ગ્રેજ્યુએટ નીલિમાબહેન સ્વિમર, ડાન્સર, પેઇન્ટર અને સિંગર છે. યોગ અને રસોઈકળાનાં નિષ્ણાત નીલિમાબહેન વંદિતાનાં ખાસ પ્રોત્સાહક અને પ્રેરણાદાયી વ્યક્તિ રહ્યાં છે. સ્વિમર હોવાને લીધે તેમણે વંદિતાને પણ વર્લ્ડ સ્ટાર બનાવવાના સ્વપ્ન સાથે સ્વિમિંગ પૂલમાં તરતી મૂકી હતી. ભરતગૂંથણનાં નિષ્ણાત એવા નીલિમાબહેને માત્ર ત્રણ વર્ષની ઢીંગલી જેવી વંદિતાને એલિસબ્રિજ જિમખાનામાં જિતુમામા પાસે તરણકલાના પાઠ શીખવા મૂકીને તેની કારકિર્દીની ગૂંથણીના શ્રીગણેશ કર્યા હતા. નાનપણમાં શરીરસૌષ્ઠવ સારું હોવાથી  નીલિમાબહેને તેને ખાસ ‘બટરફ્લાય’ સ્ટ્રોકમાં ધ્યાન આપવા કહ્યું અને ધીરે ધીરે તે બટરફ્લાયર બની ગઈ. સ્ટેટ અને નેશનલ લેવલ પર ચેમ્પિયન થવા વંદિતાએ ઇન્ટરનેશનલ સ્વિમર કોચ એન્ડ જજ કમલેશભાઈ નાણ્ાાવટી પાસે સઘન તાલીમ લીધી. પરિણામ સ્વરૂપ 2004માં નવ વર્ષની વયે સૌપ્રથમ સ્ટેટ લેવલનો ગોલ્ડન મેડલ મેળવ્યો હતો. સ્વિમિંગમાં જ કેરિયર બનાવવા ઇચ્છતી વંદિતાએ 2005માં 10 વર્ષની વયે ‘સ્ટેટ ચેમ્પિયન’નું બિરુદ મેળવ્યું હતું.

પપ્પા યોગેશભાઈ કેમિકલ્સનો બિઝનેસ ધરાવે છે. તેઓ પણ સ્વિમિંગ, ટેબલ-ટેનિસ અને ક્રિકેટના સારા ખેલાડી હતા. સાયન્સ ગ્રેજ્યુએટ અને એમબીએ યોગેશભાઈએ વંદિતાને સ્વિમિંગ ઉપરાંત ગિટાર શીખવા અને વંદિતાના ભાઈ તનિશને ફૂટબોલ, લોન-ટેનિસ ઉપરાંત ડ્રમ્સ અને ગિટાર વગાડતાં શીખવાડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. પપ્પા-મમ્મી બન્ને સ્પોર્ટ્સ લવર હોવાથી તેમણે બન્ને બાળકોને સ્પોર્ટસ અને મ્યુઝિક જિંદગીની મહત્ત્વની કલા તરીકે શીખવ્યું.

અભ્યાસ સાથે સ્પોર્ટ્સ અને મ્યુઝિક શીખતાં વંદિતાનું વ્યક્તિત્વ નાનપણથી જ ખીલી ઊઠ્યું. લંડનની સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સની ડિગ્રી મેળવનાર વંદિતાએ એકથી બાર ધોરણ સુધીનો અભ્યાસ પ્રકાશ હાયર સેકન્ડરી સ્કૂલમાં હંમેશાં 80થી વધુ ટકાએ પાસ થઈને કર્યો હતો. આ અભ્યાસ સાથે સાથે વંદિતાએ સ્કેટિંગ, ડ્રોઇંગ, ગિટાર, પબ્લિક સ્પીકિંગ જેવી કલાઓ પણ હસ્તગત કરી. દિલ્હીની વિખ્યાત લેડી શ્રી રામ કોલેજ ફોર વુમનમાંથી ગ્રેજ્યુએશન કર્યું અને ઇન્ટરનેશનલ સ્વિમર્સ તરીકે ખ્યાતિ મેળવી હતી. એજ્યુકેશન અને એક્સ્ટ્રા એક્ટિવિટીએ તેની પર્સનાલિટીમાં ઔર નિખાર લાવી દીધો. વંદિતાના દાદા ચન્દ્રદત્ત તેને ખૂબ પ્રોત્સાહન આપતા રહ્યા અને વંદિતા તેમને આદર્શ વ્યક્તિ ગણે છે.

ધરતી, આકાશ, દરિયો અને પર્વત કુદરતનું અદ્​ભુત સર્જન છે. આપણા પર એમની અસીમ કૃપા છે. માનવી હંમેશાં પર્વત અને દરિયાની ચેલેન્જને પડકારતો રહ્યો છે, તો કોઈ ને કોઈ સાહસ ખેડીને તેનું પરાક્રમ દર્શાવતો રહ્યો છે. આકાશને આંબવાની ઇચ્છા – પર્વતોનાં શિખરો પર પહોંચીને ખુશીથી પૂર્ણ કરે છે. જ્યારે દરિયાને પેલે પાર શું છે? તે જોવા તે દરિયો ફંફોસતી રહે છે.

દરિયાનો ઘૂઘવતો અવાજ અને ઊછળતાં મોજાઓ વંદિતાને નાનપણથી જ ખૂબ આકર્ષતાં હતાં. તેને એમ થતું કે આ દરિયાની અંદર શું હશે? કેટલો ઊંડો હશે? દરિયાની પેલે પાર શું હશે? દરિયો તરી શકાય ખરો?

આ બધા પ્રશ્નોનો જવાબ લંડનમાં ભણવા ગઈ અને ડોવર બીચથી ફ્રાન્સ સુધીની ‘ઇંગ્લિશ ચેનલ’ તરી ત્યારે મળી ગયો! બાળપણમાં ‘દરિયો તરવા’નું સેવેલું સ્વપ્ન આખરે 2017માં ‘લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ’માં અભ્યાસ કરવા આવી ત્યારે અચાનક જ પૂર્ણ થયું. ડોવર બીચ ફરવા ગઈ ત્યારે અનેક સ્વિમર્સ તરવાની સખત પ્રેક્ટિસ કરી રહ્યાં હતાં ત્યારે તેણે તેમને પૂછ્યું કે આ શું કરો છો? તો બધાએ ખૂબ ઉત્સાહથી કહ્યું, અમે ઇંગ્લિશ ચેનલ તરવા માટે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. આ સાંભળીને તેને પણ થયું કે લાવ, હું પણ ટ્રાય કરું! અને પ્રથમ વાર જ દરિયાના ખારા અને ઠંડાગાર પાણીમાં ઝંપલાવ્યું! તેની તરવાની સ્કિલ જોઈને સી-સ્વિમની કોચ જેકી કોબેલ, એમ્મા ફ્રાન્સ અને મિ. નીક એડમ્સ ખુશ થઈ ઊઠ્યાં. તેઓએ તેને ખૂબ જ પ્રોત્સાહિત કરી, જેના કારણે દર શનિ-રવિ લંડનથી 17 પાઉન્ડની રેલ ટિકિટ લઈને પણ ડોવર બીચ પર ઇંગ્લિશ ચેનલ તરવાની પ્રેક્ટિસ માટે આવતી રહી. મિસ જેકી કોબેલે તેને ખાસ ગાઇડન્સ કોચિંગ આપ્યું. સ્પીડ, સ્ટેમિના અને સ્ટ્રોન્ગનેસ કેવી રીતે વધારી શકાય તે તેને શીખવ્યું. શરૂઆતમાં ત્રણ-ત્રણ કલાક પછી છ-છ કલાક અને છેલ્લે છેલ્લે તેર તેર કલાક સતત તરતાં શીખવ્યું. આ ઉપરાંત દરિયાનો મૂડ પારખતાં ખાસ શીખવ્યું. તેના વેવ્સ, કરન્ટ, વેધર ફોર કાસ્ટ, બ્રિધિંગ વગેરેને ઓળખતાં શીખવ્યું.

મિસ જેકી કોબેલે તેને શારીરિક અને માનસિક બન્ને રીતે સ્ટ્રોન્ગ કરી. તેઓ કહેતાં કે ‘ઇંગ્લિશ ચેનલ 20 ટકા શારીરિક શક્તિ અને 80 ટકા માનસિક શક્તિ – દઢ આત્મવિશ્વાસ સાથે જ તરી શકાય છે. હિંમત અને વિશ્વાસથી ઇંગ્લિશ ચેનલ તો શું આખો દરિયો પણ તરી શકાય છે. એક દિવસ તારી લાઇફ ચેન્જ થઈ જશે, જ્યાં સુધી તું બરફ ન થઈ જા. કોઈ ટેન્ક જોડે અથડાઈ ન જા કે કોઈ મોટા સુનામી વેવ્સમાં સપડાઈ ન જા ત્યાં સુધી આ ચેનલમાં તરવાનું છોડતી નહિ. તું અવશ્ય પહોંચીશ જ અને ગુજરાતમાં નવો ઇતિહાસ લખીશ જ.’

આખરે એ ઐતિહાસિક દિવસ 21મી ઓગસ્ટ, 2017 મારા જીવનમાં અમાસ, સૂર્યગ્રહણ, હરિકેન વાવાઝોડું હોવા છતાં નવો પ્રકાશ, નવી સિદ્ધિ, નવા મોરપંખ મુગટ સાથે ઊગ્યો અને અનેક પ્રતિકૂળ સંજોગોમાં પણ મિસ જેકી કોબેલના વિચારને મનમાં સ્મરણ કરતાં કરતાં ભવ્ય સફળતા મેળવી. ફ્રાન્સના કિનારે પહોંચી અને જાહેર કરાયું કે તમે ‘સફળ રહ્યાં છો’ ત્યારે એવરેસ્ટ સર કર્યા જેટલી ખુશી થઈ હતી. પાઇલોટિંગ બોટમાં તેની પ્રેરણામૂર્તિ જન્મદાત્રી મમ્મી તો ખુશીથી રડી પડી હતી. તેના એક એક અશ્રુ દરિયા જેટલાં મહાન લાગ્યાં. આમ અભ્યાસ કરતાં કરતાં જ એક હિંમત વિશ્વાસ અને સખત મહેનતથી ઐતિહાસિક સિદ્ધિ માત્ર 21 વર્ષની વયે વંદિતાએ મેળવી.

લેખિક રમતગમતના સમીક્ષક છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here