ગયા સપ્તાહમાં યુરોપમાં ઓમીક્રોનના સિત્તેર લાખ કેસ નોંધાયાઃ ડબ્લ્યુએચઓ

 

કોપનહેગનઃ યુરોપમાં જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ઓમીક્રોનના સીત્તેર લાખ નવા કેસ નોંધાયા હતા, જે બે સપ્તાહમાં બમણાથી વધુ થયા હોવાની માહિતી વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (WHO)એ મંગળવારે આપી હતી. 

હૂના યુરોપના ડિરેક્ટર ડો. હેન્સ કુજેએ મંગળવારે જણાવ્યું હતું કે દરેક સપ્તાહ દરમિયાન યુરોપના ૨૬ દેશનાં એક ટકા નાગરિકને કોવિડ-૧૯નો ચેપ લાગ્યો હોવાનો રિપોર્ટ એમને મળ્યો હતો. જે વિશ્વના દેશો માટે એક ચેતવણી હતી. 

વોશિંગ્ટન યુનિવર્સિટીના સ્વાસ્થ્ય મેટ્રિક્સ ઇનિ્સ્ટટયૂટનો અંદાજ ટાંકતા એમણે જણાવ્યું હતું કે આવતા છથી આઠ સપ્તાહમાં પશ્ચિમ યુરોપની અડધી વસતિને કોરોનાનો ચેપ લાગશે. 

આપણે જોયેલા અગાઉના કોઇપણ વેરિયન્ટ કરતા ઓમીક્રોન વધારે ઝડપથી ફેલાઇ રહ્યો છે, તેવું તેમણે કહ્યું હતું. એમણે વિશ્વના દેશોને ઘરમાં પણ માસ્ક પહેરવાનો આદેશ આપવાની, સ્વાસ્થ્ય કર્મચારીઓ અને વૃદ્ધો સહિતના જેમને ચેપ લાગવાનો ભય હોય એવા નાગરિકોને બૂસ્ટર ડોઝ આપવા સહિત રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવાની સલાહ આપી હતી.