અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ‘હરક્યુલસ’ સુરક્ષાનો તખતો તૈયાર

 

અમદાવાદઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નમસ્તે ટ્રમ્પને આવકારવા અમદાવાદ શહેર થનગની રહ્યું છે. ટ્રમ્પની અમદાવાદ મુલાકાત બહુ ખાસ મહત્ત્વની બની રહેવાની છે, ત્યારે વિશ્વનાં રાષ્ટ્રોના રાજકીય નેતાઓની નજર અમદાવાદ પર છે. ટ્રમ્પની સુરક્ષાને લઈને કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ ૨૦ ફેબ્રુઆરીએ અમદાવાદ આવી રહ્યા છે. તેમના ત્રણ દિવસના રોકાણ દરમિયાન તેઓ મોટેરા સ્ટેડિયમ, ગાંધી આશ્રમની મુલાકાત લેશે ને ત્યાંની વ્યવસ્થા અંગે સમીક્ષા કરશે. 

ટ્રમ્પના આગમન સંદર્ભે યોજવામાં આવેલા કાર્યક્રમ, સુરક્ષા તથા અન્ય વ્યવસ્થાઓ અંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા,  કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર સાથે ચર્ચા કરશે. અમેરિકી એજન્સી સીઆઇએના ૨૦૦ જવાનો, ભારતીય એજન્સી એસપીજી અને ગુજરાત પોલીસે સ્ટેડિયમમાં અલગ અલગ કન્ટ્રોલ રૂમ બનાવ્યા છે. ટ્રમ્પની અમદાવાદ મુલાકાત પહેલાંની તડામાર તૈયારીઓ વચ્ચે અમેરિકન ડેલિગેશનનું પહેલું વિશેષ વિમાન સુરક્ષાનાં સાધનો ને જરૂરી સામાન લઈને અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું. આ હરક્યુલસ વિમાનમાં અમેરિકી સ્નાઇપર, ફાયરસેફ્ટી સિસ્ટમ, સ્પાય કેમેરા ને મરીન કમાન્ડોથી જોડાયેલી સુરક્ષાસામગ્રી અમદાવાદ લવાઈ હતી અને તમામ સાધનોને વિશેષ કન્ટેઇનર મારફત અલગ અલગ સ્થળે લઈ જવાયાં હતાં. મહત્ત્વનું છે કે અમેરિકન સિક્રેટ સર્વિસના ૧૮ જેટલા અધિકારીએ રવિવારે મોટેરા સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. તેમણે સ્ટેડિયમની અંદર અને બહારના ભાગે ચેકિંગ કર્યું હતું. 

ડોનાલ્ડ ટ્રમ્પ તથા ફર્સ્ટ લેડી મેલેનિયા ૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદ એરપોર્ટ પર આવશે, જ્યાં તેમનું વડા પ્રધાન મોદી સ્વાગત કરશે. ટ્રમ્પને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર અપાશે. એરપોર્ટથી તેઓ તાજ સર્કલ, શાહીબાગ ડફનાળા, શીલાલેખ, આરટીઓ થઈને ગાંધી આશ્રમ જશે અને ગાંધી આશ્રમથી મોટેરા સ્ટેડિયમ તરફ પ્રયાણ કરશે. ટ્રમ્પ અમદાવાદમાં ૩-૩૦ કલાક રોકાશે, જેમાં તેઓ રોડ શોમાં અડધો કલાક, ગાંધી આશ્રમમાં ૩૦ મિનિટ ને મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે પ્રેસિડેન્ટ ટ્રમ્પ કાર્યક્રમમાં ૨-૩૦ કલાક રોકાશે, જે માટે તેમની સુરક્ષા એકદમ સઘન બનાવી દેવામાં આવશે. જે માટે ક્રાઇમ બ્રાન્ચ, એટીએસ, આઇબી, એસપીજી કમાન્ડોની ટીમ તહેનાત કરાઈ છે. એનએસજીની એન્ટીસ્નાઇપર એક ટુકડી ખાસ તહેનાત રહેશે. મોટેરા સ્ટેડિયમની અંદર અને બહાર સિક્રેટ એજન્સીની ટીમ હાજર રહેશે. સ્ટેડિયમમાં આવેલા ક્લબ હાઉસમાં ડોનાલ્ડ અને મેલેનિયા ટ્રમ્પ માટે ખાસ અલાયદી વ્યવસ્થા કરાઈ છે. રોડ શો મારફત મોટેરા સ્ટેડિયમ પહોંચનારું ટ્રમ્પ દંપતી આ અલાયદા રૂમમાં તૈયાર થશે. તેઓ કોફીનો સ્વાદ માણ્યા બાદ મોટેરા સ્ટેડિયમના મેદાનમાં પ્રવેશ કરશે. વિજય રૂપાણીએ કહ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સીધા જ અમદાવાદ આવશે. પહેલીવાર અમેરિકાના પ્રમુખ દિલ્હીને બદલે સીધા અમદાવાદ આવશે. વિશ્વના બંને નેતા ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા અમદાવાદ તૈયાર છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્દ્ઘાટન થશે અને એમાં કેન્દ્રીય વિદેશમંત્રાલયે નક્કી કર્યા પ્રમાણે નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ અને બંને નેતાઓનું સંબોધન હશે. બંને નેતાઓના ૨૨ કિ.મી. લાંબા રોડ શોમાં મોટી જનમેદની ઉપસ્થિત રહેશે. મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદમાં વીવીઆઇપી મહાનુભાવોનો જમાવડો થશે. પૂર્વ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને જીસીએ તથા બીસીસીઆઇ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. આમંત્રિત કલાકારોની યાદી તૈયાર થઈ રહી છે. સૂત્રોના પ્રમાણે, મોટેરા સ્ટેડિયમમાં રેકોર્ડ બનાવનાર તમામ પૂર્વ ખેલાડીઓને આમંત્રણ અપાયું છે, જેમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, કપિલ દેવ, ગાવસ્કર, હરભજન સિંહ, અનિલ કુંબલે, યુવરાજ, સહેવાગ, ઝહીર ખાન, ઇરફાન, યુસુફ, પાર્થિવ, વેંકટપતિ રાજુને ખાસ આમંત્રિત કરાશે. બીસીસીઆઇ અને તેના ચીફ સૌરવ ગાંગુલી તરફથી એબીડી વિલિયર્સ, બ્રાયન લારા, એસ્ટલ, ક્રિસ ગેલ, જયસૂર્યા, ધોની, અજય જાડેજા, અઝહરુદ્દીન, જયવર્ધને, મુરલીધરન, શેન વોર્ન, સ્ટીવ વો, માઇકલ ક્લાર્ક, કર્ટની વોલ્શ સહિતના ખેલાડીઓને  આમંત્રણ અપાશે, સાથે રણજી-અન્ડર ર૩ના ખેલાડીઓને આમંત્રણ અપાશે. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા અંડર ૧૬ના ખેલાડીને બોલાવાયા છે. ડિસ્ટ્રિક્ટના પ્રેસિડેન્ટ, કારોબારી સભ્યોને પણ આમંત્રણ આપવામાં આવશે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે પ્રેસિડેન્ટ ટ્રમ્પના કાર્યક્રમમાં બોલિવૂડ-ઢોલીવૂડના કલાકારોને પર્ફોર્મ કરવા માટે આમંત્રણ અપાયું છે. બોલિવૂડના નામાંકિત કલાકારો એ.આર. રહેમાન, શાન અને સોનુ નિગમ, ઢોલીવૂડના કીર્તિદાન ગઢવી, પાર્થિવ ગોહિલને આમંત્રણ અપાયું છે. અમેરિકી પ્રમુખના આગમન પહેલાં તેમનો વિરોધ કરનારા તમામ શંકાસ્પદ લોકોનાં ટ્વિટર હેન્ડલ અને એફબી આઇડીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. ૫ સભ્યોની એક વિશેષ ટીમ તૈયાર કરાઈ છે, જે ૨૪ કલાક સોશિયલ મીડિયા પર વોચ રાખી રહી હોવાનું પણ સૂત્રોનું કહેવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here