નડિયાદમાં શ્રી સંતરામ મહારાજનો ૧૮૯મો સમાધિ મહોત્સવ ઊજવાયો

0
1073

 

નડિયાદઃ ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં દિવ્ય અખંડ જ્યોતિસ્વરૂપે બિરાજતા પ્રાતઃસ્મરણીય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો ૧૮૯મો સમાધિ મહોત્સવ દિવ્ય અને ભવ્ય રીતે ઊજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ત્રિદિવસીય લોકમેળો યોજાયો હતો. મહંત પ. પૂ. રામદાસજી મહારાજે સંતરામ ભક્તોને શુભાશીર્વાદ પાઠવ્યા હતા.

મહાસુદ પૂર્ણિમા ૧૮૮૭ના રોજ મહાપૂનમે સુખસાગર, યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજે જીવિત સમાધિ લીધી હતી. ત્યારથી દર મહાસુદ પૂનમના દિવસે શ્રી સંતરામ મંદિરમાં દિવ્ય આરતી અને સાકરવર્ષાનો કાર્યક્રમ યોજાય છે, સાથે સાથે નડિયાદ શહેરમાં ત્રણ દિવસનો મેળો જામે છે, જેમાં ખેડા-આણંદ સહિત સમગ્ર ચરોતર પંથક અને ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઊમટી પડે છે. આ સમાધિ ઉત્સવ પ્રસંગે વિદેશમાંથી પણ જય મહારાજના ભક્તો મોટી સંખ્યામાં મંદિરમાં ઊમટી પડ્યા હતા.

પૂર્ણિમાના રોજ સાંજના છ કલાકે શ્રી સંતરામ મંદિરમાં મહંત પ. પૂ. રામદાસજી મહારાજના હસ્તે આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ ઓમકારના નાદ સાથે મહંત પૂ. રામદાસજી મહારાજે સૌપ્રથમ ભક્તો માટે પ્રસાદીસ્વરૂપ ‘સાકર અને કોપરું’ ઉછાળવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ સંતો અને નિયુક્ત સેવાર્થીઓ દ્વારા સાકરનો પ્રસાદ ઉછાળવામાં આવ્યો હતો. હજારોની સંખ્યામાં સમાધિ ચોકમાં ઉપસ્થિત ભક્તોએ જય મહારાજના ગગનભેદી નાદ સાથે સાકરનો પ્રસાદ ઝીલ્યો હતો, જેને ભક્તો પોતાના ઘરે લઈ ગયા હતા. એવી માનતા છેકે સંતરામ મહારાજના ભક્તો વર્ષો દરમિયાન પરિવારના સારા પ્રસંગો સમયે તેમજ વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષાના સમયે સૌપ્રથમ સાકરનો પ્રસાદ ખાઈને શુકન કરતા હોય છે. 

દુનિયામાં એકમાત્ર શ્રી સંતરામ મંદિર એવી જગ્યા છે, જ્યાં વર્ષમાં એક જ વાર સમાધિની દિવ્ય આરતી થાય છે. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહાહાજ દિવ્ય જ્યોતસ્વરૂપે હાજરાહજૂર છે. સમાધિની દિવ્ય આરતી અને એનાં દર્શનનો અનેરો મહિમા છે. સંતરામ મંદિરમાં સાકરવર્ષા અવસરે શ્રી સંતરામ સમાધિ સ્થાનથી ભક્તોની ભીડ શરૂ થઈ હતી, જે છેક બહાર સંતરામ મંદિરના મુખ્ય દ્વાર થઈ બહાર રોડ સુધી પહોંચી હતી. ભક્તોના ઘોડાપૂરમાં કોઈપણ ભક્તજન પ્રસાદ વગર ઘરે પરત ના જાય એ માટે મંદિર પ્રશાસન દ્વારા છેક બહાર સુધી સાકરવર્ષા થાય એ પ્રકારે સ્વયંસેવકોની ગોઠવણ કરાઈ હતી. 

આ પ્રસંગે યોજાયેલા ત્રણ દિવસના લોકમેળામાં પણ લોકોએ આનંદથી લાભ લીધો હતો. પારસ સર્કલથી લઈ છેક બસસ્ટેન્ડ સુધી પાથરણાવાળા, વિવિધ ચીજવસ્તુઓ વેચનારા વેપારીઓએ હાટડીઓ માંડી હતી. વિવિધ પ્રકારના ચગડોર, મોતનો કૂવો, જાદુગર, સર્કસ વગેરે નિહાળી પ્રજાજનોએ આનંદ વ્યક્ત કર્યો હતો. આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ખેડા જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here