‘વાંચન’ માનવીને વામનમાંથી વિરાટ બનાવે છેઃ દર્શનાબહેન ધોળકિયા

 

ભુજઃ વાંચનને જીવન સાથે વણી વ્યક્તિત્વ વિકાસના ઉદ્દેશ સાથે ઇનિ્સ્ટટ્યૂૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ અને કે. એસ. કે. વી. કચ્છ યુનિવર્સિટીના ઉપક્રમે વર્ષ ૨૦૧૯-૨૦નો ‘ભાવક મૂલ્યાંકન’ સમાપન સેમિનાર ભુજસ્થિત યોજાયો હતો. 

યુવાનોમાં વાંચનવૃત્તિ કેળવાય, કચ્છના સાહિત્યકારોથી તેઓ અવગત થાય અને વાંચન દ્વારા વિચાર-લેખન અને અભિવ્યક્તિની પ્રક્રિયામાંથી પસાર થઈ વ્યક્તિત્વ વિકાસ થાય એવા આશયથી ઇનિ્સ્ટટ્યૂૂટ દ્વારા ૨૦૧૪થી સતત કોલેજના વિદ્યાર્થીઓ માટે ભાવક મૂલ્યાંકન કાર્યક્રમ યોજાય છે. આ વરસે કચ્છની ૧૩ કોલેજ અને યુનિ.ના ગુજરાતી-અંગ્રેજીના ૧૭૫ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમાપન સેમિનારમાં ડો. દર્શનાબહેન ધોળકિયાએ વાંચન અને વાંચન દ્વારા વિચારઘડતરની સમજ આપી હતી. ડો. સુશીલ ધર્માણીએ પ્રત્યાયન માટે (કોમ્યુનિકેશન) લેખનકળા અને ડો. કાશ્મીરા મહેતાએ પ્રત્યાયન માટે અભિવ્યક્તિની કળા કેળવવા સમજ આપી હતી. 

ચિંતક અને કેળવણીકાર હરેશ ધોળકિયાએ આવનારા સમયમાં રાષ્ટ્રને વિશ્વસ્તરે સુપરપાવર બનાવવાની જવાબદારી યુવાનોની છે. આવતીકાલના પડકારોનો સામનો કરવા આજના યુવાનોએ ‘સજ્જ’ થવાનું છે, એમ જણાવી સાચી દિશામાં મહેનત કરવા અનુરોધ કર્યો હતો. વર્ષ દરમિયાન કચ્છની ૧૫ કોલેજમાં ચાલેલો આ પ્રકલ્પ મૂળ કચ્છના અને જામનગર ખાતે ગ્રંથપાલ તરીકે સેવારત સ્વ. પ્રદીપ છાયાની સ્મૃતિમાં યોજાયો હતો. ભાવક મૂલ્યાંકન સમાપન સેમિનારનો શુભારંભ જાહન્વી પ્રદીપ છાયાના હસ્તે દીપ-પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. સ્વાગત કરતાં સંસ્થાનાં પ્રમુખ રસનિધિ અંતાણીએ યુવાઓને પ્રતિબદ્ધ બની પરિણામલક્ષી બનવા અનુરોધ કર્યો હતો. 

ઇનિ્સ્ટટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટની વર્ષભરની વિવિધ યુવાપ્રવૃત્તિઓના આર્થિક સહયોગી દાતાઓ કાંતિસેન શ્રોફ ‘કાકા’, બુદ્ધિચંદભાઈ મારુ, ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ અનિલ જૈન, પૂર્વ પ્રમુખ દિનેશ ગુપ્તા, અંજારના ગજેન્દ્રભાઈ અંતાણી, કેશવકાન ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ આર. આર. પટેલ, આર. એસ. હીરાણી અને સાંઈ-કબીર-સત્સંગી પ્રકાશભાઈનો આભાર માનવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવો, તજજ્ઞોનું સન્માન સંસ્થાના મંત્રી નિલેશ મહેતાએ અને ટ્રસ્ટી અશ્વિન મહેતાએ કર્યું હતું. 

સમાપન કાર્યક્રમમાં ગાંધીધામ ચેમ્બરના ઉપ-પ્રમુખ તેજાભાઈ કાનગડે યુવાનોને આજના પાયાને મજબૂત કરી આવતીકાલની ઇમારતને ચણવા પર ભાર મૂક્યો હતો. સામાજિક અગ્રણી આર. આર. પટેલે પોતાના વાંચનના શોખની વાત કરતાં જીવનની તમામ સમસ્યાનું સમાધાન વાંચનમાં છે એમ જણાવ્યું હતું. સેમિનારનું સમાપન કરતાં કાર્યકારી કુલપતિ ડો. દર્શનાબહેન ધોળકિયાએ જણાવ્યું હતું કે છેલ્લાં ૩૫ વર્ષથી સાતત્યસભર યુવાપ્રવૃત્તિ કરતી આ સંસ્થા કચ્છનું ઘરેણું છે. શૈક્ષણિક સંસ્થાઓ, વાલીઓ, શિક્ષકો ઇનિ્સ્ટટયૂટનાં આયોજનોમાં જોડાઈ યુવા વિકાસના આ યજ્ઞમાં આહુતિ આપશે તો સ્વસ્થ સમાજ-સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણની દિશામાં વેગ આવશે. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here