ફ્રાન્સ ૨૦૨૫ સુધીમાં ૨૦ હજાર ભારતીય વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આવકારશે

 

ફ્રાન્સઃ ફ્રાન્સ ૨૦૨૫ સુધી ૨૦ હજાર ભારતીય વિદ્યાર્થીઓને તેમના દેશની વિવિધ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવકારશે. આ પગલાંથી બંને દેશમાં નવા બિઝનેસ, સ્ટાર્ટઅપ અને ઈનોવેશનને વેગ મળશે. ફ્રાન્સ બે દેશના સંબંધ વધુ મજબૂત બનાવવા વિદ્યાર્થીઓની સાથે વધુને વધુ પ્રોફેશનલ અને સ્કિલ્ડ વર્કર્સને પણ આવકારવાની તૈયારી કરી રહ્યું છે. આમ કરવાથી બંને દેશ વચ્ચે માઈગ્રેશન વધશે. યુરોપના ત્રણ દેશની મુલાકાત અંતર્ગત ફ્રાન્સ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રેંચ પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોને આ સંયુક્ત નિવેદન કર્યું હતું. વર્ષ ૨૦૧૯માં ૧૦ હજાર ભારતીય વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ માટે ફ્રાન્સ ગયા હતા. ૨૦૨૦ અને ૨૦૨૧માં કોરોના મહામારી વખતે પણ ફ્રાન્સે ભારતીય વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આવકાર્યા હતા. એટલું જ નહિ, આ માટે તેમને ખાસ માર્ગદર્શન પણ આપ્યું હતું. વડાપ્રધાન મોદીના ફ્રાન્સ પ્રવાસમાં બંને દેશે તમામ સ્તરે ભાગીદારી વધારવા પાર્ટનરશિપ એગ્રિમેન્ટ ઓન માઈગ્રેશન એન્ડ મોબિલિટી નામે એક કરાર પણ કર્યો છે, જે પહેલી ઓક્ટોબર ૨૦૨૧થી અમલી થયો હતો. આ કરાર હેઠળ બંને દેશમાં એકબીજાના વિદ્યાર્થીઓ અને બિઝનેસમેનની ભાગીદારી વધે તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે. આ ઉપરાંત સંયુક્ત સૈન્ય અભ્યાસ જેવા કાર્યક્રમો કરીને બંને દેશ વચ્ચે સુરક્ષા ભાગીદારી વધારવા પણ મોદી અને મેક્રોને સહમતિ દર્શાવી.