કોરોનામાં મોતના આંકડામાં વિસંગતતા મામલે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસની ધમાલ

 

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રના છેલ્લા દિવસે મંગળવારે ગૃહમાં કોરોનાના દર્દીઓના મૃત્યુના આંકડાઓ મામલે વિસંગતતા બહાર આવતા અને તે મામલે કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવવા સાથે ગૃહમાં વેલ ઓફ ધી હાઉસમાં ધસી આવ્યા હતા અને અહીં બેસીને રામધૂન પણ કરી હતી. જો કે અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય દ્વારા કોંગ્રેસના ચારથી વધુ સભ્યોને સસ્પેન્ડ કરાયા હતા. પાછળથી કોંગી સભ્યોનું સસ્પેન્શન પાછુ ખેચાયું હતું.

કોરોનામાં મોતના આંકડાઓ મામલે વિપક્ષ કોંગીના સભ્યો દ્વારા સરકારને ઘેરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને સરકાર દ્વારા મીડિયાને જે માહિતી આપવામાં આવે છે તેમાં ૧૦,૦૮૨ દર્દીઓનું મૃત્યુ દર્શાવવામાં આવે છે, જ્યારે ગૃહમાં કોરોનાથી મૃત્યુના આંકડાઓ ૩,૮૬૪ દર્શાવવામાં આવ્યા હતા. જેના પગલે વિપક્ષના સભ્યો ભારે હોબાળો મચાવવા સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને વેલ ઓફ ધી હાઉસમાં ધસી આવ્યા હતા એટલું જ નહીં, રામધૂન પણ શરૂ કરી દીધી હતી. જેના પગલે અધ્યક્ષ દ્વારા ગૃહની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા રઘુપતિ રાઘવ રાજા રામ, ભાજપ કો સદ બુદ્ધિ દે ભગવાનની રામ ધૂન બોલાવવામાં આવી હતી. કોંગ્રેસના તમામ ધારાસભ્યો દ્વારા વેલમાં બેસીને સરકારનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો હતો.

વિપક્ષ કોંગ્રેસના સભ્યોઓ આરોપ એવો હતો કે કોરોનાથી થયેલા મોત મામલે સરકાર જે આંકડા આપી રહી છે તેમાં વિસંગતતા આવી રહી છે. કોંગ્રેસના સભ્યોનો આરોપ હતો કે સરકાર મૃત્યુના આંકડાઓ છુપાવી રહી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મૃત્યના આંકડાઓ સાથે વિગતો આપી રહ્યા હતા. તેની સાથે વિપક્ષના સભ્યો સંમત નહી હોવાથી તેઓએ પ્લે કાર્ડ દર્શાવી સૂત્રોચ્ચાર સાથે વેલ ઓફ ધી હાઉસમાં ધસી આવ્યા હતા. જે કે વિપક્ષના સભ્યોએ રામધૂન શરૂ કરી દેતાં ચારથી વધુ સભ્યોને સસ્પેન્ડ કરાયા હતા. ગૃહ મુલત્વી રહ્યા બાદ ફરીથી ગૃહની કાર્યવાહી શરૂ થતાં કોંગીના સભ્યોનું સસ્પેન્શન રદ કરાયું હતું.

ગૃહની કાર્યવાહી ફરીથી શરૂ થતાં  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાછા ગૃહમાં આવ્યા હતા. જો કે કોંગ્રેસના સભ્યો દ્વારા રામધૂન ચાલુ રાખવામાં આવતા મુખ્યમંત્રી ગૃહની બહાર નીકળી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાઓમાં કોરોનાને કારણે થયેલા મૃત્યુની સંખ્યા અંગે પૂછાયેલા પ્રશ્નોના જવાબને સંકલિત કરતા ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં, રાજ્યના ૩૩ જિલ્લાઓમાં કોરોનાથી કુલ ૩,૮૬૪ દર્દીઓનું મૃત્યુ થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી યાદીમાં અત્યાર સુધીમાં કોરોનાથી રાજ્યમાં ૧૦,૦૮૬ દર્દીઓનું મૃત્યુ થયું હોવાનું જાહેર કરવામાં આવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here