ચિન્મય મિશન દ્વારા અનોખો ઓનલાઇન ચિન્મય ઉત્સવ

 

અમદાવાદઃ વેદો-ઉપનિષદો અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના ગહન જ્ઞાનનો વિશ્વભરમાં પ્રસાર કરવામાં સાત દાયકાથી કાર્યરત ચિન્મય મિશન સંસ્થાએ ૮મી મેએ સ્વામી ચિન્મયાનંદજીની ૧૦૪મી જયંતી ભવ્ય ઓનલાઇન રાજોપચાર પૂજા સાથે ઊજવી. જેમનાં કાર્યોમાંથી પ્રેરણા લઈને ચિન્મય મિશનની સ્થાપના થઈ તે પ્રખર વેદાંતવિભૂતિ સ્વામી ચિન્મયાનંદજીની ૧૦૪મી જન્મજયંતીનો ઉત્સવ વિશ્વભરમાં અનોખી રીતે ઊજવવામાં આવ્યો. સ્વામી ચિન્મયાનંદજી ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ક્રાંતિકારી રહી ચૂક્યા હતા, તે પછી નીડર પત્રકાર તરીકે કામ કર્યું અને પછી સંન્યાસ દીક્ષા લઈને વિશ્વમાં આધ્યાત્મિક ચેતના જગાવવામાં પોતાનું જીવન સમર્પી દીધું હતું. 

દર વર્ષે ૧થી ૮ મે દરમ્યાન શિશુવિહાર અને બાલવિહાર સમર કેમ્પ, યુવાનો માટેના વર્કશોપ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમો, જ્ઞાનયજ્ઞો, પૂજાઅર્ચના દ્વારા આ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે પણ આ વર્ષે કોવિડ-૧૯ના વિશ્વવ્યાપી જોખમને ધ્યાનમાં લઈને અનોખા રાજોપચાર પૂજન સાથે તે ઊજવવામાં આવ્યો હતો. જેમાં દુનિયાભરમાંથી ૧૨૦૦થી વધુ બાળકો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકોએ ગુરુભજનો, ચિન્મયાષ્ટકમ્, ગુરુસ્તોત્રમ્, શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકો, એક્શન ગીતો, ચિત્રો, નૃત્યગીતો એમ ગીત-સંગીત, નૃત્ય, ચિત્રકલા અને પત્રલેખન દ્વારા ગુરુમહિમાનું ગાન કર્યું અને વિશ્વકલ્યાણની પ્રાર્થના અભિવ્યક્ત કરી. યુ-ટ્યૂબ પર ચિન્મય ચેનલ દ્વારા ૮મી મેએ સવારે અને સાંજે ત્રણ કલાકના રાજોપચાર પૂજનનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. સંસ્થાનાં દુનિયાભરમાં આવેલાં ૩૦૦થી વધુ આધ્યાત્મિક કેન્દ્રોએ જુદી જુદી સર્જનાત્મક પ્રવૃત્તિના માધ્યમથી ઓનલાઇન અર્પણ કરેલી પૂજા જુદા જુદા ટાઇમ ઝોનમાં આવેલા લોકોએ ભાવવિભોર થઈને માણી હતી. તે સાથે સ્વામીજીના જીવન પરથી બનેલી ફિલ્મ ઓન અ ક્વેસ્ટને હિન્દીમાં દૂરદર્શનની ડીડી-ભારતી ચેનલ પર પહેલી વખત પ્રસારિત કરીને પણ તેમને અંજલિ આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here