GIFT સિટી ભારતમાં ગૂગલ ફિનટેક સેન્ટર ખોલશેઃ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ

નવી િદલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાજકીય પ્રવાસ પર હતા. આ દરમિયાન તેઓએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેન, વાઇસ-પ્રેસિડન્ટ કમલા હેરિસ અને અમેરિકાના અન્ય અગ્રણી નેતાઓ તેમજ યુએસની દિગ્ગજ કંપનીઓના ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ ગૂગલના ભારતીય મૂળના સીઇઓ સુંદર પિચાઈ સાથે પણ મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીને મળ્યા બાદ પિચાઈએ ગુજરાત બાબતના Googleના મોટા પ્લાનની જાહેરાત કરી હતી.
ગૂગલ ભારતમાં ડિજિટાઈઝેશન માટે 10 બિલિયન ડોલર (લગભગ 82 હજાર કરોડ રૂપિયા)નું રોકાણ કરશે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ વડાપ્રધાન મોદીને મળ્યા હતા. બેઠક બાદ પિચાઈએ આ માહિતી આપી હતી. આ તરફ એમેઝોનના સીઈઓએ પીએમ મોદીને મળ્યા પછી ભારતમાં 26 બિલિયન ડોલર (લગભગ 2.1 લાખ કરોડ રૂપિયા)ના રોકાણની વાત પણ કરી.
સુંદર પિચાઈએ કહ્યું, ‘વડાપ્રધાનને મળવું મારા માટે સન્માનની વાત છે. ગૂગલ ભારતના ડિજિટાઇઝેશન માટે 10 બિલિયન ડોલરનું રોકાણ કરશે. સુંદર પિચાઈએ GIFT સિટી, ગુજરાતમાં ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટરની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી.
એમેઝોનના સીઈઓ એન્ડી જેસી પણ વડાપ્રધાન મોદીને મળ્યા હતા. મિટિંગ બાદ તેમણે કહ્યું, ‘એમેઝોન ભારતમાં વિશ્વના સૌથી મોટા રોકાણકારોમાંનું એક છે. અમે અત્યારસુધી11 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે અને વધુ 15 બિલિયન ડોલરનું રોકાણ કરવા માગીએ છીએ, જે કુલ રકમ 26 બિલિયન ડોલરનું રોકાણ થશે. વધુમાં તેમણે કહ્યું હતું કે આના દ્વારા કંપની વધુ નોકરીઓનું સર્જન કરવામાં, વધુ નાના અને મધ્યમ વ્યવસાયોને ડિજિટાઇઝ કરવામાં મદદ કરશે. આ સાથે ભારતીય કંપનીઓનાં ઉત્પાદનોને વિશ્વમાં નિકાસ કરવામાં મદદ કરશે.
ગૂગલ તેનું વૈશ્વિક ફિનટેક ઓપરેશન સેન્ટર ગુજરાતમાં શરૂ કરશે, કંપનીના સીઈઓ સુંદર પિચાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ આ જાહેરાત કરી હતી. તેઓ મોદી સરકારના મુખ્ય અભિયાન ‘ડિજિટલ ઈન્ડિયા’ માટે વડાપ્રધાનના વિઝનની પ્રશંસા કરી હતી. ગૂગલના સીઈઓએ કહ્યું, ડિજિટલ ઈન્ડિયા માટે વડાપ્રધાનનું વિઝન તેના સમય કરતાં આગળ હતું અને હવે હું એને અન્ય દેશો શું કરવા માગે છે એની બ્લૂ પ્રિન્ટ તરીકે જોઉં છું.
પિચાઈએ કહ્યું હતું કે ખૂબ જ ટૂંક સમયમાં અમે બાર્ડ અને વધુ ભારતીય ભાષાઓનો સપોર્ટ રજૂ કરવા જઈ રહ્યા છીએ. બાર્ડ ગૂગલનું AI ચેટબોટ છે, જેને કંપનીએ Google IO 2023 ઇવેન્ટ દરમિયાન ભારત સહિત 180 દેશોમાં લોન્ચ કર્યું હતું. પિચાઈ ઉપરાંત રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને એપલના સીઈઓ ટિમ કૂક પણ પ્રધાનમંત્રી મોદી અને યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડનને મળ્યા હતા.
સુંદર પિચાઈ ઉપરાંત એપલના સીઈઓ ટિમ કૂક, સ્પેસ એક્સ, ટેસ્લા અને ટ્વિટર સહિત અનેક કંપનીઓના બોસ ઈલોન મસ્ક અને ટોચના અમેરિકન ઉદ્યોગપતિઓ પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા. પ્રધાનમંત્રી મોદીને મળ્યા બાદ મસ્કે પોતાને મોદીના ફેન જણાવ્યા હતા. ઈલોન મસ્કે કહ્યું કે હું ભારતના ભવિષ્ય વિશે ખૂબ જ ઉત્સાહિત છું. મને લાગે છે કે વિશ્વના કોઈપણ મોટા દેશની સરખામણીએ ભારતમાં વધુ સંભાવનાઓ છે. ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઈલોન મસ્ક કહે છે કે તેમની ઇલેક્ટ્રિક કાર કંપની ભારતમાં શક્ય તેટલું જલ્દી રોકાણ કરવાની તકો શોધી રહી છે. ટેસ્લા ભારત આવવાની ટાઈમલાઈન વિશે પૂછવામાં આવ્યું ત્યારે મસ્કે કહ્યું, મને ખાતરી છે કે ટેસ્લા ટૂંક સમયમાં ભારતમાં હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here