G20 પ્રેસિડેન્સી વિશે જાગૃતતા ફેલાવતા પ્રદર્શનનું દીવમાં આયોજન

દીવઃ ભારતની ઐતિહાસિક G20 પ્રેસિડેન્સી વિશે જાગૃતતા ફેલાવવા તેમજ G20માં ભારતની યાત્રા અંગે લોકોને જાણકારી આપવા માટે દીવમાં G20 સચિવાલય દ્વારા એક માહિતીપ્રદ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. દીવમાં આવેલ એજ્યુકેશન હબ કેમ્પસ ખાતે આયોજિત આ પ્રદર્શન આગામી 25 મે સુધી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
વર્ષ 2014 થી 2022 સુધીના વિશ્વભરમાં આયોજિત થયેલ G20 સમિટના કાર્યક્રમો અંગે સચોટ અને ટૂંકમાં માહિતી આપતું આ પ્રદર્શન તમામ G20 સમિટમાં ભારતના યોગદાન અને મહત્વને લોકો સુધી પહોંચાડવામાં કારગત નીવડી રહ્યું છે. અગાઉના આ તમામ G20 કાર્યક્રમમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા વિશ્વને વૈશ્વિક સમસ્યાઓના નિરાકરણ અંગે અપાયેલ સૂચનો અને માર્ગદર્શનને ટાંકતું આ પ્રદર્શન ખાસ કરીને યુવાનો તેમજ વિદ્યાર્થીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
વર્તમાન સમયમાં ભારત G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે અત્યાર સુધીમાં દેશભરમાં આયોજિત થયેલ G20 સમિટ અંગેના ટૂંકા ચિતાર સાથે પ્રદર્શનના મુલાકાતીઓને G20 વિશે મહત્વની જાણકારી પૂરી પાડવામાં આવી રહી છે. સાથે જ વિદ્યાર્થીઓ અને યુવાનોની જિજ્ઞાસાવૃત્તિને સંતોષવા G20 વિશે જાણકારી આપતી પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે દીવમાં આયોજિત આ પ્રદર્શન વિદ્યાર્થીઓ અને યુવાનોમાં ઘણું જ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. મુલાકાતીઓ આ પ્રદર્શનની મુલાકાત લઇ G20 અંગે જાણકારી સાથે માહિતી પ્રાપ્ત કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here