દુનિયાનો નંબર વન જૈવલિન થ્રોઅરઃ નીરજ ચોપરાએ ઇતિહાસ રચ્યો

નવી દિલ્હી: ભારતના ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપરાએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. નીરજ ચોપરા ૧૪૫૫ પોઈન્ટ સાથે જૈવલિન થ્રો રેન્કિંગમાં નંબર ૧ એથ્લેટ બન્યો હતો. તેમણે વર્લ્ડ ચેમ્પિયન ગ્રેનાડાના એન્ડર્સન પીટર્સને ૨૨ પોઈન્ટ્સથી પાછળ છોડી દીધો હતો. ૩૦ ઓગસ્ટ, ૨૦૨૨થી ચોપરા નંબર-૨ સ્થાન પર હતો, જ્યારે એન્ડર્સન પીટર્સ વર્લ્ડ ચેમ્પિયન હતો. વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા સોમવારે પુરુષોના જૈવલિન થ્રો રેન્કિંગ જાહેર કર્યાં હતા. આ અગાઉ સપ્ટેમ્બર, ૨૦૨૨માં નીરજ ઝયુરિકમાં ડાયમંડ લીગ ટ્રોફી જીત્યો હતો. ચોપરા આગામી ૪ જૂને નેધરલેન્ડ્સમાં યોજાનારી એફબીકે ગેમ્સ ૨૦૨૩માં ભાગ લેશે. ૧૩મી જૂને નીરજ ફિન્લેન્ડમાં યોજાનારી પાવો નુરમી ગેમ્સ ૨૦૨૩માં ભાગ લેશે. બુડાપેસ્ટમાં યોજાનારી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ નીરજ ભાગ લેશે. દોહામાં આયોજિત ડાયમંડ લીગ ટુર્નામેન્ટમાં નીરજે રેકોર્ડ ૮૮.૬૭ મીટર ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે નીરજ તેની આગામી ટુર્નામેન્ટ નેધરલેન્ડના હેંગલોમાં રમશે. આ ટુર્નામેન્ટ ફૈની બ્લેન્કર્સ-કોએન ગેમ્સ છે જે ૪ જૂનથી શરૂ થશે. આ પછી નીરજે ૧૩ જૂને ફિનલેન્ડના તુર્કુમાં યોજાનારી પાવો નૂરમી ગેમ્સમાં પોતાનું કૌશલ્ય બતાવવાનું છે. ટોક્યો ઓલિમ્પિકનો સિલ્વર જીતનાર ચેક રિપબ્લિકનો યાકુબ વાલ્દેજ્ચે ત્રીજા, યુરોપિયન ચેમ્પિયન જર્મનીનો જૂલિયન વિબર ચોથા અને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડાલિસ્ટ પાકિસ્તાનના અરશદ નદીમ પાંચમા ક્રમે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here