ઈમરાન ખાનને પ્રધાનમંત્રી બનાવવા માટે મેં મદદ કરી હતીઃ મિંયાંદાદ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની વિશ્વ કપ વિજેતા ટીમમાં એક સાથે રમનારા ઈમરાન ખાન અને જાવેદ મિયાંદાદ હવે આમને સામને આવી ગયા છે.
પાકિસ્તાનની ટીમના કેપ્ટન પણ રહી ચુકેલા જાવેદ મિયાંદાદનુ કહેવુ છે કે, મેં ઈમરાન ખાનને પાકિસ્તાનના વડાપ્રધાન બનવામાં મદદ કરી હતી પણ હવે મને આ વાતનો અફસોસ છે. એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં મિયાંદાદે કહ્યુ હતુ કે, ઈમરાન ખાને આજ સુધી મેં કરેલી મદદ માટે આભાર સુધ્ધા વ્યક્ત કર્યો નથી. મેં ઈમરાન ખાનને પ્રધાનમંત્રી બનવામાં મદદ કરી હતી. હું તેમના શપથ ગ્રહણ સમારોહમાં ગયો હતો પણ તેમણે મને મળીને થેન્કયૂ સુધ્ધા કહ્યુ નહોતુ અને મને તેના કારણે ગુસ્સો પણ આવ્યો હતો. મારી વાત તો વ્યાજબી જ છે.
મિયાંદાદે દાવો કર્યો હતો કે, ઈમરાન ખાન મારી મદદ માંગવા માટે રાત્રે બે વાગ્યે મારી ઘરે આવ્યા હતા. આજે હું ઈમરાન ખાનની સાથે હોત તો ઈમરાન ખાનની આવી સ્થિતિ ના સર્જાત. ઈમરાન ખાન મારી વાત સાંભળતા હતા. ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ભડકી ઉઠેલી હિંસા અને આર્મીના સંસ્થાનો પર થયેલા હુમલા પછી ઈમરાન ખાન મુસીબતમાં મુકાયેલા છે. તેમની પાર્ટી પાકિસ્તાન તહેરિક એ ઈન્સાફ સાથે ઘણા નેતાઓ છેડો ફાડી ચુકયા છે. બીજી તરફ જાવેદ મિયાંદાદ અને ઈમરાન ખાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી મનમેળ નથી અને હવે તે જાહેર પણ થઈ ગયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here