18 વર્ષથી તમારો ઉપયોગ અને શોષણ કરવામાં આવી રહ્યું છેઃ પ્રિયંકા ગાંધી

જબલપુરઃ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ જબલપુરમાં છે. તેઓ પહેલા ગ્વારીઘાટ પહોંચ્યા હતા. સૌથી પ્રથમ ગ્વારીઘાટ ખાતે 101 બ્રાહ્મણો સાથે 20 મિનિટ સુધી નર્મદાની પૂજા કરી હતી. તેમની સાથે PCC ચીફ કમલનાથ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના કાર્યકરો, સમર્થકો પણ હાજર છે.
પ્રિયંકા ગાંધીએ જબલપુરમાં સંબોધન કરતા કહ્યું, છેલ્લા 18 વર્ષથી તમારી સાથે ખોટું થઈ રહ્યું છે. તમારો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તમારું શોષણ કરવામાં આવી રહ્યું છે. મની પાવર દ્વારા જનાદેશને કચડી નાખવામાં આવે છે. છેલ્લી વખતે તમે અમારી સરકાર બનાવી હતી, પણ જોડ-તોડ અને પૈસાથી ભાજપના લોકોએ અમારી સરકાર પાડીને પોતાની સરકાર બનાવી હતી. તેમણે મહાકાલને પણ છોડ્યા નથી. એક પુજારીએ મને વીડિયો મોકલ્યો. ભારે પવનમાં મૂર્તિઓ ઉડી રહી છે. તેમણે ભગવાનને પણ છોડ્યા નથી. 225 મહિનાની સરકારમાં તેમણે 220 કૌભાંડો કર્યા છે. લગભગ દર મહિને એક નવું કૌભાંડ સામે આવે છે.
ચૂંટણી સમયે તમને વચનો આપવામાં આવે છે, પરંતુ વચન આપનારને તેમાં વિશ્વાસ નથી હોતો. તેમને પરિપૂર્ણ કરવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવતા નથી. આજે હું તમને જૂની રાજનીતિની યાદ અપાવવા માંગુ છું. અમારા નેતાઓ જે કહે તે પ્રમાણે કરતા હતા. સર્વસ્વ બલિદાન આપીને તે તમારા માટે રાત-દિવસ એક કરી દેતા હતા. હવે જાહેરાતો કરવામાં આવે છે. પણ પુરી કરવામાં આવતી નથી. મહાકૌશલની પવિત્ર અને ક્રાંતિકારી ભૂમિ પર હું ઊભી છું, મને ખૂબ ગર્વ છે. આ ભૂમિએ ક્રાંતિકારીઓને જન્મ આપ્યો છે. અમે તેમના આશીર્વાદ માંગીએ છીએ. મધ્યપ્રદેશ માત્ર ભારતનું કેન્દ્ર નથી, તે હૃદય અને આત્મા છે. સંસ્કૃતિની ભૂમિએ આપણને સાહિત્ય, સંસ્કૃતિ અને સંસ્કાર આપ્યા છે. આના પર આપણું બંધારણ બનાવવામાં આવ્યું હતું. આ આધુનિક ભારત આ સંસ્કારોના આધારે આગળ વધ્યું છે.
પ્રિયંકાએ કહ્યું આજે હું કેટલીક ગેરંટી આપી રહી છું. તે ગેરંટી જે અમે 100 ટકા પુરી કરીશું. આ મારું વચન છે. અમે કર્ણાટકમાં પણ એવું જ વચન આપ્યું હતું. ત્યાંની સરકારે બિલ આવતાની સાથે જ પાસ કરી દીધું. મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવામાં આવશે, ગેસ સિલિન્ડર રૂ. 500માં મળશે, 100 યુનિટ વીજળી મફત, મધ્યપ્રદેશમાં જૂની પેન્શન યોજના લાગુ કરાશે, ખેડૂતોની લોન માફીનું કામ પૂર્ણ થશે.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું, શિવરાજ સિંહે મોંઘવારી, બેરોજગારી, કોરોનાથી મોત, માફિયા રાજ, બળાત્કાર, ઘરે-ઘરે દારૂ આપ્યો છે. આ તેમની સિદ્ધિ છે. હું તેમની સાથે સ્પર્ધા કરી શકતો નથી. કમલનાથે કહ્યું કે હું શિવરાજને કલાકારીમાં હરાવી શકતો નથી. જાહેરાતો કરવામાં હરાવી શકતો નથી, પરંતુ વાસ્તવિકતામાં હરાવી શકું છું. હું શિવરાજ સિંહને પડકાર આપું છું. ચૂંટણી કોઈ ઉમેદવાર કે પક્ષની નથી, આ ચૂંટણી મધ્યપ્રદેશના ભવિષ્ય માટે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here