ભારતમાં ડ્રગ્સનું દૂષણ : ૩.૧ કરોડ લોકોને ગાંજાની લત

 

નવી દિલ્હી ઃ દેશમાં ડ્રગ્સની ચર્ચા ફરી એક વખત શરૂ થઈ છે. જેનું કારણ મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રુઝમાં એનસીબીના દરોડા છે. એનસીપીએ દરોડો પાડીને એક હાઈપ્રોફાઈલ ડ્રગ પાર્ટીનો ભાંડાફોડ કર્યો છે અને એક વર્ષ બાદ ફરીથી બોલીવૂડનું ડ્રગ કનેક્શન સામે આવ્યું છે. કારણ કે આ મામલામાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ થઈ છે.

ભારતમાં કેટલા લોકો ડ્રગ્સનું સેવન કરે છે તેનો કોઈ સચોટ આંકડો નથી પણ યુનોનો એક રિપોર્ટ છે કે ૨૦૦૯ની તુલનાએ ૨૦૧૯મા ભારતમાં ડ્રગ્સનું સેવન કરનારા લોકોની સંખ્યામાં ૩૦ ટકાનો વધારો થયો છે. નેશનલ ડ્રગ ડિપેન્ડેન્ટ ટ્રીટમેન્ટ, એમ્સના ૨૦૧૯ના રિપોર્ટ પ્રમાણે ભારતમા ૧૬ કરોડ લોકોને દારૂની લત છે. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ છે. એમ્સના સર્વેમાં સામેલ ૨.૮ ટકા એટલે કે ૩.૧ કરોડ લોકો એવા હતા જેઓને ગાંજાની પણ લત હતી.  

ભારતમાં ડ્રગ્સ તસકરી પણ વધારે પ્રમાણમાં થાય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરોના આંકડા પ્રમાણે ૨૦૨૦મા એનસીબીએ ડ્રગ્સ તસકરીના કુલ ૨૬૫૬૦ મામલા નોંધ્યા હતા. ગયા વર્ષે અફીણ સંબંધિત ૨.૪૭ લાખ કિલો ડ્રગસ અને ૪.૩૬ લાખ કિલો ગાંજો જપ્ત કર્યો હતો.ડ્રગ્સમાં કોઈ બોલીવૂડ સ્ટાર કે સેલિબ્રીટી સામે આવતા સામાન્ય લોકો પણ પ્રભાવિત થાય છે. ૨૦૦૭મા ઈન્ટરનેશનલ નાર્કોટિક્સ કન્ટ્રોલ બોર્ડનો એક રિપોર્ટ આવ્યો હતો. જેના મુજબ કોઈ સેલિબ્રીટી ડ્રગ્સ કેસમાં ફસાય છે તો તે સમાજને પ્રભાવિત કરે છે. ખાસ કરીને ડ્રગ્સનું સેવન ન કરનારા યુવાનોને . એટલે કે સેલિબ્રીટીના રવાડે ચડીને અમુક સામાન્ય લોકો પણ ડ્રગ્સ લેવા લાગે છે.