યુએસમાં ફેલાઈ રહ્યા છે જીવલેણ અમીબા, વૈજ્ઞાનિકોની ચેતવણી

 

વોશિંગ્ટનઃ કોરોના વાઇરસના કહેર વચ્ચે એક નવી બીમારીએ પગ પેસારો કર્યો છે. બ્રેઈનને સાફ કરી જતા અમીબાથી અમેરિકામાં મોતની ઘટનાઓ સામે આવી છે. આ અમીબાનું વૈજ્ઞાનિક નામ નેગ્લરિયા ફાઉલેરી છે. ડોક્ટરોથી લઇને વૈજ્ઞાનિકો સુધી તમામ લોકો આ જાણકારી મેળવી રહ્યાં છે કે, આ અમીબા ક્યાંથી આવ્યું છે.

હાલમાં નેગ્લેરિયા ફાઉલેરી અમીબા અમેરિકાના દક્ષિણ રાજ્યોમાં ફેલાઇ રહ્યો છે. જળવાયુ પરિવર્તન તેના સંક્રમણનું મુખ્ય કારણ જણાવવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર નેગ્લરિયા ફાઉલેરી નામના આ ઘાતક અમીબા બ્રેઈનને ખાઈ જાય છે.

અમેરિકાના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો અનુસાર, આ બીમારી હવે ઉત્તર અમેરિકાના રાજ્યોમાં પણ ફેલાવવાની શરૂ થઈ ગઈ છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી પણ આપી છે કે, જીવલેણ નેગ્લરિયા ફાઉલેરી અમીબા પાણી સાથે જોડાયેલ છે અને પાણી આપણા જીવનનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે. બ્રેઇનને ખાઈ જતા આ અમીબા એટલે કે, નેગ્લરિયા ફાઉલેરી સામાન્ય રીતે તળાવ, નદીઓ અને ગરમ ઝરણા અને માટી જેવા ગરમ તાજા પાણીમાં મળે છે. આ એક સિંગલ સેલ લિવિંગ ઓર્ગેનિઝમ છે. તેના સંક્રમણની બીમારી ખુબજ ઘાતક હોય છે. તેનાથી મોત નિશ્ચિત માનવામાં આવે  છે. નેગ્લરિયા ફાઉલેરીના સંક્રમણના મુખ્ય લક્ષણોમાં ગંભીર માથાનો દુખાવો, તાવ અને ઊલટી સામેલ છે. આ ઉપરાંત ગરદનનો દુખાવો, આંચકી, માનસિક બીમારી અને કોમામાં જતું રહેવું. વૈજ્ઞાનિકો માને છે કે જ્યારે નેગ્લરિયા ફોઉલેરીના ચેપનું નિદાન યોગ્ય સમયે કરવામાં આવે તો ચેપગ્રસ્તનું જીવન બચી શકાય છે