ગુજરાતમાં ભક્તિભાવપૂર્વક ચૈત્રિ નવરાત્રિનો પ્રારંભ

 

અંબાજી: શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે. મા અંબાના ધામે દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના ચરણે આવી શીશ નમાવે છે. અંબાજી સહિત સમગ્ર ગુજરાતમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થતા જ માઈ ભક્તો ભક્તિમાં લીન થયા છે. અંબાજી મંદિરમાં માતાજીની ચૈત્રી નવરાત્રિ દરમિયાન નવ દિવસ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. તો ભાવિભક્તો પણ આ વિશેષ પૂજા અને મા અંબાના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં અંબાજી આવી રહ્યા છે. ચેત્રી નવરાત્રિ દરમિયાન ધાર્મિક વિધિઓ સાથે પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે.  અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિ દરમિયાન અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ભારતભરમાં ચૈત્રી નવરાત્રિનું પ્રારંભ થયો છે ત્યારે મા અંબાના ચાચર ચોકમાં ૨૪ કલાકની અખંડ ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મા જગતજનનીને રિઝવવાનો અવસર એટલે ચૈત્રી નવરાત્રિ.