૨૫ રૂપિયાના પેટ્રોલના તમારે કેમ ચૂકવવા પડે છે ૮૧ રૂપિયાઃ જાણો ખાસ કારણ

 

નવી દિલ્હીઃ દેશમાં સતત પેટ્રોલ અને ડીઝલની માગ સાથે ભાવ વધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ઓછી હોવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે. જેમાં તમારે પેટ્રોલ અને ડીઝલમાં પડતર કિંમતના ત્રણ ગણા ભાવ ચૂકવવા પડે છે. ત્યારે આની પાછળ શું કારણ છે. તમારે શું કામ ત્રણ ગણા ભાવ ચૂકવવા પડે છે અને તેનાથી સરકારને કેટલો ફાયદો થાય છે તેનું કારણ જાણીએ. ભારતમાં આજે તમામ રાજ્યોમાં પેટ્રોલના એક લીટરના ભાવ લગભગ ૮૧ રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે. જેમાં પેટ્રોલની કુલ કિંમતના ૫૦ ટકા રકમ કંપનીઓ પાસે નહીં પણ કેન્દ્ર અને રાજ્યસરકાર પાસે ટેક્સમાં જાય છે. ૮૧.૦૬ રૂપિયાના ભાવે વેચાતા પેટ્રોલની પડતર કિંમત ૨૫.૩૭ રૂપિયા છે. જેમાં પ્રોસેસિંગ ચાર્જ ૦.૩૬ રૂપિયા લાગે છે. એટલે ટેક્સને બાદ કરી નાખીએ તો એક લીટર પેટ્રોલની પડતર કિંમત ૨૫ રૂપિયા ૭૩ પૈસા થાય છે. પરંતુ તેના પર ૩૨.૯૮ રૂપિયા એક્સસાઈઝ ડ્યૂટી, ૩.૬૪ રૂપિયા ડીલરનું કમિશન, રાજ્ય સરકારે લગાવેલ વેટના ૧૮.૭૧ રૂપિયા લાગે છે. જેથી ૨૫.૭૩ રૂપિયાની પડતર કિંમતના પેટ્રોલના તમારે ૮૧.૦૬ ચૂકવવા પડે છે.

૧ લીટર ડીઝલની પડતર કિંમત છે ૨૫.૪૨ રૂપિયા. જેના પર પ્રોસેસિંગ ચાર્જ લાગે છે ૦.૩૩ રૂપિયા. જ્યારે એક્સસાઈઝ ડ્યૂટી ૩૧.૮૩ રૂપિયા લાગે છે, સાથે ૨.૫૨ રૂપિયા ડીલરનું કમિશન અને કમિશન સાથે વેટ ૧૦.૩૬ રૂપિયા લાગે છે. એટલે ૨૫.૪૨ રૂપિયાની પડતર કિંમતના ડીઝલના તમારે ૭૦.૪૬ રૂપિયા કિંમત ચૂકવવી પડે છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતોમાં ઐતિહાસિક ઘટાડાથી લોકો પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહતની આશા રાખીને બેઠા હતા. પરંતુ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંક્યો હતો. વર્ષ ૨૦૧૪માં પેટ્રોલ પર ટેક્સ ૯.૪૮ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર ૩.૫૬ રૂપિયા હતો. જેમાં નવેમ્બર ૨૦૧૪થી જાન્યુઆરી ૨૦૧૬ સુધી કેન્દ્ર સરકારે ૯ વખત વધારો કર્યો. આ ૧૫ અઠવાડિયામાં પેટ્રોલ પર ડ્યૂટી ૧૧.૭૭ અને ડીઝલ પર ૧૩.૪૭ રૂપિયા પ્રતિ લીટરમાં વધારો ઝીંક્યો હતો. જેથી વર્ષ ૨૦૧૬-૧૭માં કેન્દ્ર સરકારને ૨,૪૨,૦૦૦ કરોડ રૂપિયાની આવક થઈ હતી. ત્યાર બાદ વર્ષ ૨૦૧૯માં ફરી એક્સસાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. આમ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો થયો હોય તો પણ સામાન્ય માણસ પર ભાવ વધારાનો બોઝ પડી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here