૨૪ કલાકની અંદર ઇરાકમાં બીજો હુમલો, અમેરિકી દૂતાવાસ પાસે રોકેટ ઝીંકાયાં

બગદાદઃ ઇરાક અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો તણાવ ઓછો થવાની જગ્યાએ વધતો જાય છે. બગદાદના ચુસ્ત સિક્યોરિટીવાળા ગ્રીન ઝોનમાં ફરી એકવાર રોકેટ હુમલો થયો છે. ઇરાકી સેનાએ આ વાતને સમર્થન આપતાં કહ્યું હતું કે બગદાદના ગ્રીન ઝોનની અંદર કત્યુશા રોકેટ છોડાયાં છે. આ હુમલામાં કોઈપણ પ્રકારના નુકસાનની ખબર નથી. સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકી દૂતાવાસથી લગભગ ૧૦૦ મીટરના અંતરે એક રોકેટ પડ્યું છે. હજુ કોઈએ આ હુમલાની જવાબદારી લીધી નથી.
આ અગાઉ પાંચમી જાન્યુઆરીના રોજ પણ બગદાદના ગ્રીન ઝોનમાં ઇરાન સમર્થક મિલિશિયાએ કત્યુશા રોકેટ છોડ્યાં હતાં. કેટલાંક રોકેટ અમેરિકી દૂતાવાસની અંદર પણ પડ્યાં હતાં. એક રોકેટ અમેરિકી દૂતાવાસથી લગભગ ૧૦૦ મીટરના અંતરે પડ્યું છે. ઇરાકી સેનાએ કહ્યું હતું કે ગ્રીન ઝોનની અંદર બે કત્યુશા રોકેટ છોડ્યાં છે, પરંતુ કોઈ નુકસાન થયું નથી. સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા મુજબ બગદાદમાં સાઇરન સાથે બે જોરદાર વિસ્ફોટના અવાજ આવ્યા હતા. ખાસ વાત એ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી ઐ પછી આ રોકેટ હુમલો થયો. અત્રે જણાવવાનું કે બુધવારે વહેલી સવારે ઈરાને ઇરાકસ્થિત અમેરિકી દૂતાવાસ કેમ્પમાં ૨૨ બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી.
ઈરાનના હુમલા બાદ બુધવારે રાષ્ટ્રને સંબોધનમાં ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકી બેઝ પર ઈરાનના હુમલા બાદ પણ બધા સૈનિકો સુરક્ષિત છે અને કોઈ નુકસાન થયું નથી. તેમણે એ પણ દોહરાવ્યું કે જ્યાં સુધી તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ છે ત્યાં સુધી ઈરાન પરમાણુ હથિયાર મેળવી શકશે નહિ. અમારી સેના કોઈપણ પડકાર માટે તૈયાર છે. ઈરાનનું પાછળ હટવું એ સમગ્ર દુનિયા માટે સારો સંકેત છે. હું અમેરિકાના તમામ સૈનિકોની હિંમતને સલામ કરું છું.
ઈરાન આતંકનું કેન્દ્ર છે અને દુનિયાને પરમાણુ હુમલાની ધમકી આપ્યા કરે છે. અમે તેને ખતમ કરવાની કોશિશ કરી છે. મારા નિર્દેશ પર અમેરિકી સેનાએ જનરલ કાસિમ સુલેમાનીને માર્યો. તેના પર અનેક પ્રકારના અત્યાચારોના આરોપ હતા. તેમણે અનેક અમેરિકનોની હત્યા કરી અને આગળ પણ આમ કરવાનો ઇરાદો હતો. સુલેમાનીને પહેલા જ મારી દેવો જોઈતો હતો. સુલેમાની રાક્ષસ હતો.
ઈરાન પર નવા પ્રતિબંધો લગાવવાના સંકેત આપતાં ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન પર પ્રતિબંધ ચાલુ રહેશે. જ્યાં સુધી ઈરાન શાંતિના રસ્તે ન ચાલે ત્યાં સુધી નવા આર્થિક પ્રતિબંધ પણ લગાવવામાં આવશે. ઈરાને પોતાના પરમાણુ કાર્યક્રમ છોડવા જ પડશે. રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાન્સે આ સચ્ચાઈ સમજવી પડશે. આપણે સાથે મળીને ઈરાન સામે લડવું પડશે જેથી કરીને દુનિયાને વધુ સુરક્ષિત અને શાંત બનાવી શકાય. આજે હું નાટોને કહેવાનો છું કે તેઓ મધ્ય એશિયામાં વધુ કામ કરે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે મારા કાર્યકાળમાં અમેરિકી સેના વધુ મજબૂત થઈ છે અને અમે તેના પર અઢી ટ્રિલિયન ડોલર્સ ખર્ચ્યા છે. અમારી પાસે પરમાણુ હથિયાર છે, પરંતુ અમે એનો ઉપયોગ કરવા માગતા નથી. અમારી સૈન્ય અને આર્થિક તાકાત એ અમારું સૌથી મોટું હથિયાર છે. થોડા સમય પહેલાં અમે અબુ બકર અલ બગદાદીને પણ માર્યો હતો. અમારે મિડલ ઇસ્ટ પાસેથી તેલની જરૂર નથી. ઈરાને પરમાણુ રસ્તેથી હટવું જ પડશે અને આતંકવાદ છોડે તો અમેરિકા શાંતિ માટે તૈયાર છે.