હવે મોદી સરકારનું પાંચમું વર્ષ કસોટીનું….

0
941

કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની એનડીએ સરકાર પાંચમા વર્ષમાં પ્રવેશી છે. લોકસભાની ચૂંટણી પહેલાંનું આ આખરી વર્ષ રાજકીય અને આર્થિક ક્ષેત્રે સરકાર માટે કસોટીનું વર્ષ છે. ચાર વર્ષ અગાઉ – 2014માં જનતાએ કોંગ્રેસ – યુપીએ સરકારના ભ્રષ્ટાચાર – કૌભાંડથી વાજ આવીને પરિવર્તન તથા ઉજ્જવળ ભવિષ્ય માટે નરેન્દ્ર મોદીના ભારતીય જનતા પક્ષને બહુમતી આપી – ત્રીસ વર્ષ પછી કેન્દ્રમાં એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હતી અને સાથીદાર પક્ષોને ભાગીદાર બનાવીને એનડીએ સરકાર આવી. રાજકીય અવરોધ અને વિરોધ છતાં મોદી સરકારે આર્થિક અને સામાજિક સુધારાનાં સંખ્યાબંધ પગલાં ભર્યાં છે. ચાર વર્ષ અગાઉ ક્રૂડ તેલના ભાવ બેરલદીઠ 125 ડોલરથી ઘટીને 35 ડોલર થઈ ગયા હતા તેનો લાભ આપણા અર્થતંત્રને મળ્યો. સબસિડી અને રાજકોષીય ખાધ ઘટતાં દસ લાખ કરોડ રૂપિયાની ‘લોટરી’ લાગી હતી. હવે ક્રૂડતેલના વધતા ભાવ અર્થતંત્ર માટે ચિંતા કરાવે છે અને વિપક્ષ રાજકીય ‘પડકાર’ ફેંકે છે!
ચાર વર્ષમાં સરકારે જનહિતનાં સંખ્યાબંધ પગલાં ભર્યાં છે, જેમાં જીએસટી ઉપરાંત વચેટિયાઓને હટાવીને 31 કરોડ જનધન ખાતાં ખોલવામાં આવ્યાં છે. જનતાનાં સ્વાસ્થ્ય, વીમા યોજનાઓ વગેરે અમલમાં છે, ઘર ખરીદનારાનાં હિતમાં ‘રેરા’ કાયદો અમલમાં છે, જેથી બિલ્ડરો – ડેવલપરોની છેતરપિંડી સામે રક્ષણ મળી શકે છે. દેવાળિયા નીતિ અંગે નવાં કાનૂની પગલાં ભરવામાં આવ્યાં છે. શરૂઆતના એક વર્ષમાં તુવેરદાળની અછત અને ભાવવધારાની બૂમ ઊઠ્યા પછી કઠોળ-દાળના ઢગલા ખડકાયા છે! આ વર્ષે અનાજનું વિક્રમ ઉત્પાદન છે અને સારા ચોમાસાની આગાહી છે. વરસાદ સારો થાય અને ક્રૂડતેલના ભાવ અંકુશમાં રહે તો આર્થિક મોરચે વાંધો નહિ આવે.
મુખ્ય પ્રશ્ન રોજગારીનો છે. નોટબંધી પછી અઢી લાખ કરોડ જેટલા લોકો બેકાર થયાનો અંદાજ છે. બ્લેક મની પકડવા માટેની આ યોજના ધારણા મુજબ સફળ થઈ નથી. આવકવેરો ભરનારાઓની સંખ્યામાં જરૂર વધારો થયો છે, પણ આવાસ બાંધકામ અને વેચાણમાં બ્લેક મની મુખ્ય ભાગ ભજવે છે ત્યાં મંદી છે. હાઉસિંગ ક્ષેત્રમાં – બાંધકામ મંદ પડતાં રોજગારીનું પ્રમાણ ઘટ્યું છે. નોટબંધી પછી લોકો રોકડાનો વ્યવહાર બંધ અથવા ઓછો કરશે એવી ગણતરી ફળી નથી. બીજી બાજુ નીરવ મોદી અને એમના જેવા ધનાઢ્યો બેન્ક વ્યવસ્થાની ઠેકડી ઉડાવીને ભાગી છૂટ્યા. તે માટે વડા પ્રધાન અને સરકારની ટીકા કરનારા રાજકીય નેતાઓ ભૂલી જાય છે કે મોદી સરકાર આવ્યા પછી આવા મહા-ચોર માટે દેશમાં રક્ષણ નહિ મળતાં ભાગ્યા છે!
અલબત્ત, આગામી ચૂંટણી પહેલાં સરકારે ભાગેડુઓ સામેનાં સફળ-નક્કર પગલાં બતાવવાં પડશે.
ચાર વર્ષમાં મોદી સરકારે કામગીરી બતાવી છે અને ખાતરી પણ કરાવી છે. વિદેશોમાં ભારતનું નામ ગજાવ્યું છે. ચીન, રશિયા અને અમેરિકા સાથેના સંબંધમાં સમતુલા બતાવી છે તો પાકિસ્તાનને પરચો આપ્યો છે. કાશ્મીરમાં અલગતાવાદ અને આતંકવાદ સામે આખરી ઉપાય અજમાવવા પડશે. સામાજિક ક્ષેત્રે બેટી બચાઓ, સ્વચ્છતા અભિયાન પછી મુસ્લિમ મહિલાઓને તીન તલાક સામે રક્ષણ અને મદરેસાઓમાં આધુનિક શિક્ષણ જેવાં પગલાં ભરવામાં આવ્યાં છે.
સરકારની જનહિત કામગીરી છતાં જનતાની યાદદાસ્ત ટૂંકી હોય છે અને નકારાત્મક – વિરોધી વાતમાં તરત સામેલ થઈ શકે છે અને ચૂંટણીના રાજકારણમાં વિપક્ષી નેતાઓ પ્રચારમાં આક્ષેપબાજી કરી શકે છે તે તાજેતરમાં – કર્ણાટકમાં આપણે જોયું છે. આ માટે વાતાવરણ અને મુદ્દા પણ મળી રહે છે. એનડીએ સરકારની શરૂઆતમાં ‘ઘર-વાપસી’ના છૂટાછવાયા – આગ્રાની ઘટના પછી – પ્રસંગોએ વિવાદ જગાવ્યો અને રાજકીય વિરોધીઓની ‘એવોર્ડ વાપસી’ શરૂ થઈ હતી! આ મામલો ઠંડો પાડવામાં આવ્યો તે પછી ‘ગૌરક્ષકો’ દ્વારા દલિતો ઉપર અત્યાચારની ઘટનાઓ પ્રકાશમાં આવવા લાગી. સ્વાભાવિક રીતે જ વિપક્ષો આવી પરિસ્થિતિનો લાભ ઉઠાવે જ. નોટબંધી પછી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં તમામ પછાત જાતિઓની મદદથી ભાજપે અભૂતપૂર્વ સફળતા મેળવી અને નોટબંધીના વિરોધીઓ ને તમામ પ્રાદેશિક પક્ષો ભાજપના નામથી ભડકી ગયા. ગમે તે ભોગે ભાજપની આગેકૂચ અટકાવવાની જરૂર હતી. તેવામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી અને કોંગ્રેસને મેદાન મળી ગયું. પાટીદાર સમાજના યુવાનો અનામત માટે અને દલિત યુવાનો ન્યાય માટે – અન્યાય, અત્યાચાર સામે લડી રહ્યા હતા. કોંગ્રેસને એમનો સાથ, સમર્થન મળતાં લાભ થયો. રાહુલ ગાંધીએ ‘હળવા હિન્દુત્વ’નો વ્યૂહ પ્રથમ વખત અજમાવ્યો. અલબત્ત, કોંગ્રેસની વીસ બેઠકો વધી તેમાં કયા ફેક્ટરનું કેટલું યોગદાન હતું તે પ્રશ્ન અલગ છે!
ગમે તેમ પણ ભાજપ અને નરેન્દ્ર મોદી અજેય નથી, એમને માત કરી શકાય છે એવી હવા-વિશ્વાસ વિપક્ષોમાં પ્રસરવા લાગતાં આક્રમણ શરૂ થયું. રાજસ્થાન – મધ્ય પ્રદેશમાં પેટાચૂંટણીઓમાં ભાજપની પીછેહઠ થઈ. હવે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી આવી. કોંગ્રેસ પાસે પંજાબ અને કર્ણાટક માત્ર બે જ મુખ્ય રાજ્યો રહ્યાં હોવાથી ભારતને ‘કોંગ્રેસમુક્ત’ કરવાની ઉતાવળ ભાજપને હતી. કોંગ્રેસ માટે જીવન-મરણનો ખેલ હતો. વિધિસર કોંગ્રેસપ્રમુખ બનેલા રાહુલ ગાંધીની પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. કર્ણાટકનાં પરિણામ પછી મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી ઉપર અને તે પછી લોકસભાની ચૂંટણી ઉપર કર્ણાટકનાં પરિણામની અસર પડે અને ભાજપવિરોધી હવા જમાવી શકાય. કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ પ્રચારમાં કોઈ કચાશ રાખી નહિ… પણ અહીં ત્રીજા પક્ષ – જનતા દળ (એસ) પણ મેદાનમાં હોવાથી ભાજપ અને જનતા દળની મિશ્ર સરકાર આવશે એવી ધારણા હતી. પરિણામમાં ભાજપને સૌથી વધુ બેઠકો મળી અને જનતા દળ સાથે સરકાર બનવાની શક્યતા હતી. જનમત – કોંગ્રેસની વિરુદ્ધ હોવાથી જનતા દળ અને ભાજપની સરકાર માટે તક હતી અને રાજ્યપાલે ભાજપના નેતાને વીસ દિવસની મુદત આપી, પણ આ દરમિયાન કોંગ્રેસે જનતા દળના દેવેગૌડાના પુત્ર કુમારસ્વામીને મુખ્યમંત્રીપદ ઓફર કરીને મનાવી લીધા.
બીજી બાજુ કોંગ્રેસના કાનૂની નિષ્ણાતો રાજકીય લડત ન્યાયતંત્રમાં લઈ ગયા. રાજ્યપાલની સત્તાનો વિવાદ શરૂ થયો અને ભાજપની પીછેહઠ થઈ. આમ છતાં સરવાળે કોંગ્રેસ અને જનતા દળ બન્નેને નુકસાન થવાની આશા ભાજપ સેવે છે. ખાતાંની વહેંચણી વિલંબમાં પડી. આખરે કુમારસ્વામીએ નાણાં ખાતું કોંગ્રેસને આપ્યું જ નહિ. કિસાનોને કર્જમાફી આપવાનો યશ મુખ્યમંત્રીના હાથમાં છે!
પ્રશ્ન એ છે કે કર્ણાટકની સરકાર ક્યાં સુધી ટકી શકશે? સામાન્ય ધારણા એવી છે કે લોકસભાની ચૂંટણી સુધી વાંધો નહિ આવે – કોંગ્રેસ વધુ બેઠકો લડવાનો આગ્રહ રાખશે અને પરિણામ આવ્યા પછી કર્ણાટક સરકારનું ભાવિ નક્કી થશે. અત્યારે તો પાંચ વર્ષમાં ભાગીદારી અને પદની મુદત અંગે પણ સમજૂતી થઈ નથી. આમ છતાં કોંગ્રેસ અને વિપક્ષોને આશા મળી છે.
શપથવિધિમાં ‘વિપક્ષી એકતા’નું પ્રદર્શન થયું. અખબારી ભાષામાં ‘ફોટો ઓપોર્ચ્યુનિટી’ કહેવાય – તેમાં મંચ ઉપર તમામ નેતાઓ એકમેકના હાથ પકડી ઊંચા કરીને ઊભા રહ્યા, પણ ફોટા પડાવવાથી સત્તા મળતી નથી. આવા સહિયારા મંચના ઘણા ફોટા પડ્યા છે અને છપાયા છે! ભૂતકાળમાં લાલુ અને મુલાયમ યાદવે હાથમાં ગદા લઈને મહાભારતનાં દશ્ય જેવા ફોટા પડાવ્યા હતા! મૂળ પ્રશ્ન છે – હાથ મિલાવ્યા, મનમેળ છે? રાહુલ ગાંધીની નેતાગીરી – વડા પ્રધાનપદની દાવેદારી સ્વીકારવા સૌ તૈયાર છે ખરા? અત્યારથી જ મુલાયમ અને માયાવતી સાથે મમતાનું નામ પણ રાજકીય હવામાં તરવા લાગ્યું છે! શરદ પવાર શાંત છેઃ સમય આવ્યે સાવધાન.
વિપોક્ષોને એવી પણ આશા છે કે એનડીએથી તેલુગુ દેસમે છેડો ફાડ્યો છે. શિવસેના અને અકાલી દળ – અલગ લડશે એમ મનાય છે. આમ થાય તો ભાજપને એકલા હાથે બહુમતી નહિ મળે અને લોકસભા ત્રિશંકુ હશે તો કોંગ્રેસને સરકાર બનાવવાનું આમંત્રણ મળશે. પણ હજી જોવાનું છે કે વડા પ્રધાન મોદી લોકસભાની ચૂંટણી ક્યારે કરાવે છે? રાજસ્થાન – મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની સાથોસાથ લોકસભાની ચૂંટણી થાય તો ભાજપને વધુ બેઠકો મળી શકે!
બીજો મહત્ત્વનો મુદ્દો અયોધ્યાનો છે. સુપ્રીમ કોર્ટમાં કેટલાક વકીલો અને ન્યાયમૂર્તિઓનો વિવાદ – વિખવાદ જાગ્યો તેના મૂળમાં અયોધ્યા – રામમંદિરનો કેસ છે. મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા નિવૃત્ત થવા પહેલાં ચુકાદો આપે તો ભાજપને ચોક્કસ લાભ મળશે એમ કોંગ્રેસ માને છે, તેથી જ સુનાવણી મોકૂફ રાખવાના પ્રયાસ નિષ્ફળ ગયા પછી મુખ્ય ન્યાયમૂર્તિ ‘ઇમ્પીચમેન્ટ’ સુધી વાત પહોંચી હતી. હવે ચુકાદો ઓક્ટોબરમાં – રામમંદિરની તરફેણમાં આવે અને મસ્જિદ માટે અલગ જગ્યા ફાળવાય એવી શક્યતા છે અને આમ થાય તો વડા પ્રધાન વહેલી ચૂંટણી જરૂર કરાવી શકે છે.
કોંગ્રેસ અન્ય વિપક્ષો – પ્રાદેશિક પક્ષોનો મોરચો ઊભો કરવાના પ્રયાસ સાથે હવે ‘ધાર્મિક મોરચો’ પણ તૈયાર કરે છે! દિલ્હીના ખ્રિસ્તી ધર્મગુરુએ લઘુમતીને અન્યાય થતા હોવાની ફરિયાદ જાહેરમાં કરી અને સપ્તાહમાં એક દિવસ ઉપવાસ કરવાનું આહ્વાન આપ્યું. કેટલાક મુસ્લિમ મજહબી નેતાઓ પણ આમાં જોડાયા… હળવા હિન્દુત્વ સાથે હવે ધર્મવાદ અથવા નવા સેક્યુલરવાદનો મુકાબલો થશે… લોકસભાની ચૂંટણીનો સમય અને પરિણામ આ તમામ સંજોગો ઉપર આધાર રાખે છે.

લેખક ‘જન્મભૂમિ’ જૂથના તંત્રી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here