હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા

 

વડોદરાઃ વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાત્રે ૧૧ કલાકે ૮૮ વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયા હોવાનું સાધુ પ્રેમ સ્વરૂપદાસ મહારાજે જણાવ્યું હતું. સંત હરિપ્રસાદ સ્વામીજી અક્ષર નિવાસી થયા બાદ તેમના નશ્વરદેહને હરિધામ સોખડામાં લાવવામાં આવ્યો હતા. પવિત્ર નદીઓના પાણીથી શાસ્ત્રોક્ત વિધિ, વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા પ્રમાણે સ્વામીને સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ભક્તિમય વાતાવરણમાં મંદિર પરિસરમાં યાત્રા કાઢવામાં આવી હતી. સંત હરિપ્રસાદ સ્વામીના નશ્વરદેહને પાંચ દિવસ અંતિમ દર્શન માટે મૂકાયો હતો અને પહેલી ઓગસ્ટે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી હરિપ્રસાદ સ્વામીજીની તબિયત નાદુરસ્ત રહેતી હતી. જેથી સંતો દ્વારા તેઓશ્રીનું રૂટીન ચેકઅપ પણ કરાવવામાં આવતું હતું. સોમવારે સાંજે વડોદરાની ભાઇલાલ અમીન હોસ્પિટલમાં સ્વામીજીને લાવવામાં આવ્યા હતા. ત્યાં રાત્રે તેઓની તબિયત લથડતા સારવાર શરૂ કરાઇ હતી. જો કે મોડી રાત્રે ૧૧ કલાકે સ્વામીજીએ નશ્વરદેહ છોડયો હતો. સ્વામીજીએ જીવન લીલા સંકેલી લીધાની વાત પહોંચતા દેશ, વિદેશના ભકતો આઘાતમાં સરી પડયા હતા.

હરિધામ સોખડા સાથે વડોદરાને વિશ્વને ઓળખ અપાવનારા અને લાખો યુવાનોને સત્યનો માર્ગ ચિંધનાર સંત હરિપ્રસાદ સ્વામી અક્ષરનિવાસી થતાં હરિભક્તોએ વજૂઘાત આંચકો અનુભવ્યો છે. હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવદેહને હોસ્પિટલથી સોખડા લઇ જવાના હોવાથી હોસ્પિટલની બહારથી લઇ સોખડા મંદિર સુધી હરિભકતો લાઇનબંધ રીતે પુષ્પવૃષ્ટિ કરવા કતારમાં ઉભા થઇ ગયા હતા. મંદિરના મુખ્ય દરવાજા સુધી એક કિલોમીટર લાંબી ગુલાબની પાંખડીઓનો માર્ગ હરિભકતો દ્વારા તૈયાર કરાયો હતો. વડોદરાના ગોરવા સ્થિત હોસ્પિટલ અને સોખડા મંદિરમાં જયાં જુઓ ત્યાં હરિભકતો નજરે પડતા હતા. તમામ સ્થળોએ હરિભકતો શિસ્તબદ્વ રીતે સ્વામીજીના પાર્થિવદેહના અંતિમ દર્શન કરતા જોવા મળ્યા હતા. સ્વામીજીના નશ્વર દેહને સોખડામાં લાવવામાં આવતા હરિભકતોએ ભારે હૈયે અંતિમ દર્શન કર્યા હતા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોગી ડિવાઈન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજ-આત્મીય યુનિવર્સિટીના પ્રણેતા હરિપ્રસાદ સ્વામીના દેહ વિલય અને પરમધામ ગમન અંગે શોકની લાગણી વ્યક્ત કરીને શ્રદ્ઘાંજલી પાઠવી હતી. તેઓએ જણાવ્યું છે કે, યુવાઓમાં વ્યસન મુક્તિ, શિક્ષા પ્રણાલીના પ્રચાર-પ્રસાર સાથે આધ્યાત્મિકતા અને સમાજ માટે સમર્પિત થવાનો સેવા ભાવ ઉજાગર કરવામાં પૂ. હરિપ્રસાદ સ્વામીએ આજીવન સેવારત રહી આપેલું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ વર્ષ ૧૯૩૪માં થયો હતો. તેઓ બીએપીએસ સંપ્રદાયના સંત પ્રમુખસ્વામી મહારાજના ગુરુભાઈ હતા. ૨૩ મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીનો ૮૮મો પ્રાગટ્ય દિન ભક્તોએ ઉજવ્યો હતો. હરિપ્રસાદ સ્વામીજી દેશ-વિદેશમાં પણ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here