કારગિલ યુદ્ધના વીર શહીદોને શ્રદ્ધાંજલિ

 

દ્રાસ (કારગીલ)ઃ વિજય દિવસના અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાનીમાં ભારતે સોમવારે કારગિલ યુદ્ધના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. દ્રાસ ન જઇ શકેલા કોવિંદે બારામુલ્લામાં આવેલા ડેગર યુદ્ધ સ્મારક ખાતે શહીદોને પુષ્પહાર અર્પણ કર્યા બાદ જણાવ્યું હતું કે અત્યંત વિપરીત વાતાવરણ અને પરિસ્થિતિમાં આપણાં દેશની સરહદની સુરક્ષા માટે અત્યંત હિંમત, વીરતા અને પોતાના જીવનનું બલિદાન આપનાર ૧૯મી ઇનફન્ટ્રી ડિવિઝનના બહાદૂર જવાનો અને અધિકારીઓને રાષ્ટ્ર સલામ કરે છે. મને આશા છે કે ડેગર યુદ્ધ સ્મારક ભારતના લોકોને ભારતીય આર્મીના સર્વોચ્ચ મૂલ્ય વિશે માહિતી આપીને પ્રેરિત કરશે. જય હિંદ. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કારગીલના શહીદોને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે એમની બહાદૂરી આપણને રોજેરોજ પ્રેરિત કરી રહી છે. આપણે એમનું બલિદાન, એમની વીરતાને યાદ કરીએ છીએ. આજે કારગિલ વિજય દિવસના અવસરે કારગીલમાં આપણા દેશની સુરક્ષા માટે પોતાના જીવ ન્યોચ્છાવર કરનાર શહીદોને આપણે શ્રદ્ધાંજલિ આપીએ. 

કારગીલ સેક્ટરમાં ૧૯૯૯માં પાકિસ્તાને કરેલા હુમલા બાદ ઑપરેશન વિજય દરમિયાન ભારતનાં ૫૨૭ જવાને પોતાના જીવ ન્યોચ્છાવર કર્યાં હતાં અને ૧૩૦૦ જવાન ઘાયલ થયાં હતાં. 

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ શહીદોને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે રાષ્ટ્ર શહીદ જવાનો અને એમનાં કુટુંબીઓનું હંમેશ ઋણી રહેશે. ગૃહ પ્રધાન અમિત શાહે કારગીલના શહીદોને યાદ કરતા જણાવ્યું હતું કે તમારી અસામાન્ય હિંમત, વીરતા અને બલિદાને કારગીલની અત્યંત વિકટ પહાડીઓ પર તિરંગો ફરીથી લહેરાયો હતો. રાષ્ટ્રની એકતા કાયમ રાખવા બદલ દેશ તમને નમન કરી રહ્યો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here