વૈશ્વિક પડકારોનો સામનો કરવા વિશ્વ બેંક પાસે નાણા નથી: અજય બંગા

નવી દિલ્હી: વિશ્વ બેંકના વડા અજય બંગાએ જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થવ્યવસ્થા સામેના પડકારોનો સામનો કરવા માટે ખાનગી ક્ષેત્રના રોકાણમાં અવરોધો દૂર કરવાની જરૂર છે. આનું કારણ એ છે કે ન તો સરકારો પાસે અને ન તો બહુપક્ષીય સંસ્થાઓ પાસે પૈસાનો ખજાનો છે. આવતા અઠવાડિયે શરૂ થનારી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ની વાર્ષિક બેઠક પહેલા, WEFના સ્થાપક અને કાર્યકારી અધ્યક્ષ ક્લાઉસ શ્વાબ સાથેની વાતચીતમાં બંગાએ કહ્યું કે વિશ્વની સામે તાત્કાલિક પડકારો ગાઝા અને યુક્રેનમાં સંઘર્ષ છે. આ સાથે ઘણા ઊભરતાં બજારોમાં ક્રેડિટની સ્થિતિ પણ પડકારજનક રહે છે. દુનિયા માટે લાંબા ગાળાના પડકારોમાં મુખ્ય ગરીબી અને અસમાનતા તેમજ પર્યાવરણ છે. અજય બંગા વર્લ્ડ ઇકોનોમિક ફોરમના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના સભ્ય તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેઓ 15મી જાન્યુઆરીથી શરૂ થતી WEF દાવોસ સમિટમાં અગ્રણી વૈશ્વિક નેતા તરીકે ભાગ લઇ રહ્યા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે અસમાનતા અને ગરીબીની સમસ્યાઓનો ઉકેલ શું હોઈ શકે, ત્યારે તેમણે કહ્યું હતું કે આ સમસ્યાઓને હલ કરવાનો ઉત્તમ માર્ગ રોજગાર અને દરેક કાર્ય અને સેવાની લોકો સુધી પહોંચ હોવી જોઇએ કારણ કે રોજગારીને કારણે લોકોને નિશ્ચિત આવક મળે છે અને તેઓ ગૌરવપૂર્ણ રીતે જીવી પણ શકે છે અને તેમને ગરીબીના ચક્રમાંથી બહાર નીકળવાની તક પણ મળે છે.
ખાનગી ક્ષેત્રની ભૂમિકાનો ઉલ્લેખ કરતા બંગાએ કહ્યું કે વિશ્વની જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે ખાનગી ક્ષેત્ર વિના ઉકેલી શકાય તેમ નથી. “જો તમે વિશ્વમાં રિન્યુએબલ એનર્જી માટેના અંદાજો પર જ નજર નાખો, તો તેને પૂર્ણ કરવા માટે દર વર્ષે અબજો ડોલરની જરૂર પડે છે,” તેમણે કહ્યું. ભવિષ્યમાં ઓછા કાર્બન ઉત્સર્જન અર્થતંત્ર માટે આ જરૂરી છે. સરકારી તિજોરીમાં અબજો ડોલર નથી. વિશ્વ બેંક અને મોનેટરી ફંડ જેવા બહુપક્ષીય બેંકિંગ ખજાનામાં અબજો ડોલર પણ ખૂટે છે. તેથી જ વિશ્વની સમસ્યાઓનો સામનો કરવા માટે ખાનગી ક્ષેત્રની ભૂમિકા જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here