લદ્દાખમાં વિશ્વનું સૌથી ઊંચું એરફિલ્ડ બનશેઃ સંરક્ષણ પ્રધાને કર્યો શિલાન્યાસ

શ્રીનગરઃ ચીનની સરહદથી લગભગ 40 કિલોમીટર દૂર ન્યોમા એરફિલ્ડનું કામકાજ શરુ કરવામાં આવ્યું છે, તેનું કામ પૂર્ણ થયા પછી ડ્રેગનની ઊંઘ હરામ થઈ શકે છે. આજે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે 2,941 કરોડ રુપિયાના ખર્ચથી બીઆરઓ દ્વારા નિર્મિત 90 પરંપરાગત યોજનાઓનું ઉદ્ઘાટન કરીને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. બીઆરઓ પૂર્વ લદ્દાખના વ્યૂહાત્મક ન્યોમા પટ્ટામાં આ એરફિલ્ડનું નિર્માણ કરશે. આ વિશ્વનું સૌથી ઊંચું એરફિલ્ડ હશે. વ્યૂહાત્મક રીતે તેને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેના નિર્માણથી એલએસીની નજીક ફાઇટર ઓપરેશન શક્ય બનશે.
ભારતીય સરહદના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા અને સરહદની સુરક્ષાને મજબૂત કરવાના ઉદ્દેશથી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ) દ્વારા અમલમાં મૂકેલા ૯૦ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું અને નોર્થ ટેક સિમ્પોસિયમમાં તેમણે ભાગ લીધો હતો.
આ પ્રસંગે 22 રસ્તા, ૬૩ પુલ, અરુણાચલ પ્રદેશમાં નેચીફુ ટનલ, પશ્ચિમ બંગાળમાં બે એરફિલ્ડ અને બે હેલિપેડ સહિત વિવિધ શ્રેણીના પ્રોજેક્ટ્સનું અનાવરણ કરાયું હતું. આ નિર્ણાયક પ્રોજેક્ટ્સ વ્યૂહાત્મક રીતે દસ સરહદી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયા છે, જે ભારતના સરહદી માળખાને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ પ્રોજેક્ટ પૈકી જમ્મુ અને કાશ્મીરમાં ૧૧, લદ્દાખમાં ૨૬, અરુણાચલ પ્રદેશમાં ૩૬, હિમાચલ પ્રદેશમાં ત્રણ અને સિક્કિમ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં બે-બે, નાગાલેન્ડ, રાજસ્થાન, અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં એક-એક પ્રોજેક્ટ પૂર્ણ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here