રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંચાલક મોહન ભાગવતનું  સ્ફોટક નિવેદન- સરકારે જલ્દીથી અયોધ્યામાં રામ- મંદિરનું નિર્માણ કરવું જોઈએ..

0
969

2019માં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ચૂંટણીઓની તૈયારીઓની વચ્ચે મોહન ભાગવતના ઉપરોકત  નિવેદનથી રાજકીય ક્ષેત્રમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે, બાબરે રામમંદિર ધ્વસ્ત કર્યું હતું . અયોધ્યામાં રામ- મંદિરના અનેક પુરાવાઓ મળ્યા છે. હવે મંદિરનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. રામ- મંદિરના નિર્માણ બાબત રાજકારણ રમાયું , તેને કારણે મંદિરનું નિર્માણ વિલંબમાં પડ્યું હતું. હવે વાત અદાલતના હાથમાં ગઈ છે. હવે આ મામલો કેટલો લાંબો ચાલે એની ખબર નથી. મોહન ભાગવતે કહયું હતું કે, સરકારે રામ-જન્મભૂમિ પર જેમ બને તેમ જલ્દી મંદિરનું નિર્માણ કરવું જોઈએ. જે લોકોએ રામ- જન્મભૂમિના નિર્માણના મુદા્ને અગ્રતા આપીને સરકારને્ ચૂંટી હતી, તે લોકો પ્રત્યે સરકારનું ઉત્તરદાયિત્વ છે. રામ મંદિરના નિર્માણ બાબત કશી અડચણ હોય તો તેને દૂર કરવા સરકારે રામ મંદિર માટે કાયદો બનાવવો જોઈએ.

  સંધના સંચાલક મોહન ભાગવતે આડકતરી રીતે ભાજપ અને સરકારને સંદેશ આપી દીધો છે કે કોઈ પણ ભોગે રામ- મંદિર તો બનવું જ જોઈએ નહિતર આગામી ચૂંટણીમાં વિજય મેળવવો મુશ્કેલ બની જશે. રામ-મંદિરનું નિર્માણ એ ભાજપ માટે હંમેશાથી એક મહત્વનો મુદો્ બની રહ્યો છે. ભાજપના ઘોષણાપત્રમાં પણ અયોધ્યામાં રામ- મંદિરનું નિર્માણ કરવાની વાત કરવામાં આવી હતી. હવે અયોધ્યા- વિવાદ સર્વોચ્ચ અદાલત પાસે છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, અદાલત આ વિવાદને જમીન વિવાદ તરીકે જ ઉકેલશે. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી 29મી ઓકટોબર શરૂ થવાની છે. જેના મુખ્ય પક્ષકાર રામ- મંદિર, નિર્મોહી અખાડા , સુન્ની વકફ બોર્ડ અને હિન્દુ મહાસભા છે. એ સિવાય પણ બીજા કેટલાક અરજદારો છે. . જેમાં ભાજપના વિચક્ષણ નેતા સુબ્રમણ્યમસ્વામી પણ સામેલ છે.

6 ડિસેમ્બર,1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. હવે રામ- મંદિરનું નિર્માણ એ ભાજપ સરકારની પ્રાથમિકતા બની ગયું છે.સરકાર દ્વારા આ વિષયની બહુ ઉપેક્ષા થાય એમ નથી. અયોધ્યામાં રામ- મંદિરનો મુદો્ હવે અતિ સંવેદનશીલ બનતો જાય છે. દેશભરની વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સાધુ સંતોના મંડળો અને હિંદુ સંગઠનોનો આગ્રહ પણ વધતો જાય છે. સરકાર આ મુદા્ પ્રત્યે ઉપેક્ષિત વલણ દાખવશે તો ચૂંટણીમાં ખેલ અવળો પડશેએવી ગર્ભિત ચેતવણી તો અવાર નવાર ઉચ્ચારવામાં આવતી જ રહી છે. રામ- જન્મ ભૂમિ બાબત સરકારે સુસ્પષ્ટ અને મક્કમ વલણ અપનાવીને પોતે તે અંગે કેટલી કટિબધ્ધ છે તે જાહેર કરવું પડે. જો ભાજપ સરકારની નિષ્ઠા અંગે આમજનતા , અને વિશેષ કરીને હિંદુ મતદારોને શંકા- સંદેહ જાગશે તો  નરેન્દ્ર મોદીને માટે પુનઃ સરકાર રચવાનું સ્વપ્ન , સ્વપ્ન જ બની રહેશે, એ નિશંક છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here