દુવિધા મેં દોનોં ગયે, માયા મિલી ના રામ!

0
888

બે મિત્રો વચ્ચે અંતરંગ વાત થઈ રહી હતી. બન્ને આમ તો સરેરાશ જિંદગી જીવનાર વ્યક્તિઓ હતી, પરંતુ એમની વાતચીતમાં જીવન સમજણ ડોકાઈ રહી હતી.
‘શું થયું તારી પેલી ફેક્ટરીનું?’ એક જણ બોલ્યો.
‘એ તો બંધ કરી દીધી. એ પછી તો કન્સ્ટ્રકશનનું કર્યું, શેરબજારમાં પણ જઈ આવ્યો… ઘણું કર્યું…!’
તેને અટકાવતાં ફરી પેલાએ કહ્યું, ‘પણ તને મૂળ રુચિ તો ખેતીમાં હતી ને?’
‘હા, ખેતી પણ કરી, આધુનિક ફાર્મ બનાવ્યું, પણ તોય મજા ન આવી. એ તો બધું ઠીક, તારી વાત તો કર… તારે તો ભણવું હતું ને… એનું શું થયું?’
‘ભણવા માટે અમદાવાદ ગયો. ત્યાંથી બેંગલોર – હતું કે કોઈક ડિગ્રી મેળવું, ઘણું બધું વાંચવા અને લખવાની ઇચ્છા હતી. કશુંય થઈ શક્યું નહિ, અત્યારે શિક્ષકની નોકરીથી સંતોષ છે…’
મિત્રે પૂરું કર્યું, પરંતુ બીજો હજી બન્નેનું મૂલ્યાંકન કરી રહ્યો હતો.
‘આના કરતાં આપણે સમાજસેવા કરી હોત તો સારું હતું. આપણો એક સહાધ્યાયી મોટો સંત થઈને આધ્યાત્મિક રીતે કેટલો આગળ વધી ગયો છે? લાગે છે કે આપણે પણ એવું કરવા જેવું હતું…!’
એણે વસવસો કરતાં પૂરું કર્યું.
આ સંવાદ કદાચ લાંબો પણ ચાલ્યો હશે. બન્ને વચ્ચે પરસ્પર ગાઢ મૈત્રી હતી એટલે વાર્તાલાપમાં બિનજરૂરી સભાનતા કે પોતાના વિશે કેવું લાગશે એવી કોઈ બીક કે કૃત્રિમતા પણ નહોતી. આમ પણ બે મિત્રો કે બે બહેનપણીઓ જ્યારે મન મૂકીને વાતો કરતાં હોય છે ત્યારે એમાં સચ્ચાઈ કે નિખાલસતા સોળે કળાએ ખીલી ઊઠે છે. મૈત્રીનો પાયો જ કદાચ ખુલ્લાપણાના સ્તંભો ઉપર રચાતો હોય છે. આ બન્ને મિત્રો ઘણા સમયે મળ્યા છે. ખૂબ જ વ્યસ્ત અને પ્રવૃત્તિઓથી ભરપૂર જિંદગી જીવ્યા છે, મથામણો કરી છે, પરંતુ તોયે બન્ને પક્ષે કશુંક ના કર્યાનો રંજ છે, વસવસો છે. કોઈક અવળી દિશા પકડાઈ ગયાનો રંજ અને એનો અહેસાસ પણ છે અને એકરાર પણ.
આમ જોઈએ તો આવો અનુભવ આપણા સૌ કોઈ માટે કોઈ નવી વાત નથી. આપણા જીવનમાં કોઈ ને કોઈ તબક્કે પોતાની રીતે વિચારતાં કે ક્યારેક કોઈ બાબતે પીછેહઠ થતાં અથવા અસલામતી અનુભવવાની પળે આપણને આવી લાગણી થાય છે. એમાં મોટા ભાગે ભલે ‘પારકે ભાણે મોટો લાડુ’ જેવી માનવસહજ લાગણી પણ હશે, પરંતુ પોતાની જિંદગીનું મૂલ્યાંકન કરનારને હકીકત પોતાની એક જ પ્રકારની જીવનપદ્ધતિ કે વ્યવસાય અથવા શોખ માટે સહજ બનતી હોય છે, પરંતુ પરસ્પર બન્ને તરફની બાબતો કે વિવિધ મોરચે મથામણ કર્યા પછી પણ માણસને એવું લાગે કે ‘બાવાના બેય બગડ્યા.’ ત્યારે એવી પરિસ્થિતિમાં ટકી રહેવું કોઈના પણ માટે મુશ્કેલ બની જાય છે.
આ બધામાં શીખવા જેવી કોઈ બાબત હોય તો એ આપણી આંતરિક રુચિ, સંજોગો અને શક્તિઓ મુજબની પ્રવૃત્તિ પસંદ કરવી એ છે. આ કસોટી આમ જોઈએ તો સહેલી કે સરળ નથી. આમ છતાંય ઘણા માણસો ખૂબ જ નાની ઉંમરમાં અથવા અમુક અનુભવો પછી તરત કોઈક ચોક્કસ નિચોડ કે તારણ ઉપર આવી જતા જોવા મળે છે. આનો અર્થ એવો પણ ના કરી શકાય કે ઝડપથી કે ત્વરિત નિર્ણય કરી લેનાર વ્યક્તિ જ યોગ્ય નિર્ણય કરનાર વ્યક્તિ છે. આ બધામાં એક વસ્તુ ધ્યાને રાખવા જેવી એ હોય છે કે આપણી શક્તિઓનું આકલન આપણે પોતે જ સારી રીતે કરી શકતા હોઈએ છીએ. આમાં ઘણી વાર જોખમ પણ ઉઠાવવું પડે છે, ક્યારેક હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ જવાનો ડર પણ લાગે છે. આમ છતાંય પોતાની જીવન પસંદગી કે મનગમતા વ્યવસાય કે પ્રકૃતિ નક્કી કરવા માટેની દરેકની કાર્યપદ્ધતિ મૌલિક જ હોવાની. એમાં બીજાનું અનુકરણ કે ગાડરિયા પ્રવાહ જેવું વલણ રાખી શકાય નહિ. આવું હોવા છતાં અને દુનિયામાં અનેક ઉદાહરણો મોજૂદ હોવા છતાં જાણેઅજાણે પણ માણસ પ્રવૃત્તિની પસંદગીમાં હંમેશાં થાપ ખાઈ જતો જોવા મળે છે. અનેક લોકોની સાથે વ્યક્તિગત સંપર્ક કરીને કે એમના ઇન્ટરવ્યુ લઈને નિખાલસપણે જો તેનો સર્વે કરવામાં આવે તો એમાં મોટા ભાગના લોકોનું મંતવ્ય એવું જાણવા મળશે કે – શું કરીએ, દિશા જ ખોટી પકડાઈ ગઈ. જો અમને કોઈક માર્ગદર્શન મળ્યો હોત તો વાત જુદી હોત…’
આ પ્રકારની વૃત્તિમાં પોતાના માટેના આત્મવિશ્વનો અભાવ તો હોય છે, પરંતુ આપણી પોતાની જિંદગી જાણે બીજાને બતાવવા માટેની વસ્તુ હોય એવો અભિગમ રહેલો જોવા મળે છે. મને પોતાને હાફ સ્લીવનું શર્ટ કેવું લાગશે એ બાબતે વિચાર કર્યા વગર મારા મિત્રો કે પરિચિતો આ બાબતે શું કહેશે એ મનોદશા ઉપર જ આપણી પસંદગી નિર્ભર હોય છે. નોકરી કે ધંધાની પસંદગીમાં મોટા ભાગે આપણા પરિચિતો શું કરે છે અથવા તો અત્યારે કયા વ્યવસાયની બોલબાલા છે એવી બાબતો થકી જ આપણે દોરવાતા હોઈએ છીએ. હકીતમાં કોઈ વ્યવસાય કે ધંધા માટેની આપણી પોતાની પસંદગી કે એમાંથી મળતો નિજાનંદ કે લોકસેવાની તક કે પછી આત્મસંતોષની લાગણી જેવાં કારણો અંગે ભાગ્યે જ વિચારવાનું બને છે. પરિણામે અમુક સમય પછી માત્ર બીજાના આધારે અથવા તો અન્યની પસંદગીથી શરૂ થયેલી પ્રવૃત્તિ, વ્યવસાય કે નોકરીમાં એક પ્રકારની નીરસતા અથવા સ્થગિતતાનો અનુભવ દરેકને થતો જોવા મળે છે. આવું બધાની બાબતમાં બનતું હોય એમ પણ ના કહી શકાય. ઘણા લોકો દેખાદેખીથી કે દુન્યવી માપદંડોથી કોઈક વસ્તુનો પ્રાથમિક રીતે સ્વીકાર કે શરૂઆત કરી લેતા હોય છે, પરંતુ ત્યાર પછી તેના અંતરંગને જાણી એમાં સમયોચિત ફેરફારો કે હૈયાઉકલતથી તેને મનગમતા કામમાં પણ ફેરવી નાખતા જોવા મળ છે. આવા કિસ્સાઓ જૂજ હોય છે એ જુદી વાત છે.
અસહાયતા કે નિષ્ફળતાની આવી લાગણી એ માત્ર નોકરી કે ધંધાના ક્ષેત્રમાં જ થાય છે એવું પણ નથી. એનું કારણ એ છે કે માનવલાગણીઓ કોઈ પણ જગ્યાએ એકસરખી રીતે જ વ્યક્ત થતી હોય છે. આવી નિષ્ફળતાઓનો સૌથી વધારે રંજ અધ્યાત્મના ક્ષેત્રમાં જોવા મળે છે આપણે જેને તપસ્વીઓ, યોગીઓ કે બ્રહ્મચારીઓ કહીએ છીએ અથવા તો ધર્મધુરંધરો માની અભિભૂત થતા રહીએ છીએ એમાંથી મોટા ભાગની વ્યક્તિઓને પોતે પસંદ કરેલા માર્ગ માટેનો સંતોષ ભાગ્યે જ હોય છે. એમાંય સાર્થકતાની વાત કરીએ તો એની અનુભૂતિ તો ઘણી ઓછી હોય છે. આ ક્ષેત્રમાં આવી લાગણી ધરાવનાર વ્યક્તિની સ્થિતિ વધારે કરુણ હોય છે, કેમ કે એમણે જે શરૂઅત કરી હોય છે એમાં જગતનો ઉદ્ધાર કે આત્માની ઉન્નતિ જેવાં ઉમદા ધ્યેયો કેન્દ્રસ્થાને રહેલાં હોય છે, પરંતુ આપણું આંતરજગત શું ઝંખે છે, આપણી સાર્થકતા કઈ પ્રકૃતિમાં સમાયેલી છે એવી બાબતો જવલ્લે જ જોવાતી હોય છે. પરિણામે કોઈક ઉચ્ચ આદર્શો કે ધ્યેયો લઈને નીકળેલી વ્યક્તિ ક્યારેક વ્યવહારમાં વામણી પુરવાર થાય છે. જીવનના કલાકાર તરીકે ઘણી વાર આપણે જેને સામાન્ય માણસ કે નાના માણસ કહી મૂલવતા હોઈએ છીએ એવા લોકો મૌલિક પુરવાર થાય છે. એટલે જ કદાચ ઉમાશંકર જોષીએ આવું કહ્યું હશેઃ
‘મોટાની અલ્પતા જોઈને થાક્યો છું,
નાનાની મોટાઈ જોઈને જીવું છું.’
આ કવિદર્શનમાં આપણી સમગ્ર ચર્ચા પ્રતિબિંબિત થાય છે. આપણે જેને પ્રેરણામૂર્તિ કે પથદર્શક માનતા હોઈએ એવી વ્યક્તિઓ ઘણી વખત કટોકટીના સમયે કે કસોટીના સમયે નિષ્ફળ પુરવાર થતી જોવા મળે છે. સામા પક્ષે ધરતીની સાથે કદમ મિલાવી ચાલનારા માણસોની અંતરની અમીરાત કે અણીના સમયે એનામાં પ્રગટી ઊઠતું સાહસ અથવા વીરત્વ એક અનોખા વ્યક્તિત્વના અલગ પાસાનું દર્શન કરાવી જાય છે.

લેખક વરિષ્ઠ સરકારી અધિકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here