૧૦ જાન્યુઆરીએ વાયબ્રન્ટ સમિટ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લી મૂકશે

 

અમદાવાદઃ ગાંધીનગર ખાતે તા. ૧૦ થી ૧૨ જાન્યુઆરી-૨૦૨૨ દરમિયાન યોજાનાર ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સહિત ગ્લોબલ ટ્રેડશોનું ૧૦મી જાન્યુઆરીના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન થશે. ત્રિદિવસીય સમિટમાં વિવિધ ક્ષેત્રો સંદર્ભે આત્મનિર્ભર ભારત આધારિત વિવિધ સેમીનારો યોજાશે. વાયબ્રન્ટ સમિટ પૂર્વે રાજ્યભરમાં દશ જેટલા વિવિધ ક્ષેત્રોના પ્રિ-ઇવેન્ટ કાર્યક્રમો પણ યોજાશે. તેમજ આ ૧૦મી વાયબ્રન્ટ સમિટમાં ૧૫થી વધુ દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે સહભાગી થશે. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ જણાવ્યુ હતું. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨ના સંપૂર્ણ કાર્યક્રમની રૂપરેખા આપતા ગુપ્તાએ કહ્યું કે, તા.૧૦મી જાન્યુઆરીએ વડા પ્રધાનના હસ્તે વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન થશે. તા.૧૧મી જાન્યુઆરીએ વડા પ્રધાનની વિઝનરી યોજના ‘ગતિશક્તિ યોજના’ હેઠળ ગુજરાતને કઈ રીતે ઇન્ફ્રાસ્ટ્રકચરલ તેમજ ઇન્વેસ્ટમેન્ટ દ્રષ્ટિકોણથી વધુને વધુ લાભ મળે તેની કાર્યરીતિ ઘડાશે. તે ઉપરાંત પ્રોડક્શન લિંકડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ્સ અંતર્ગત વિવિધ સેક્ટરમાં જાહેર કરાયેલી યોજનાઓ થકી ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ આગળ ધપાવવા નક્કર કદમ ભરાશે અને દેશમાં ઉત્પાદન અંગેની તૈયાર કરાયેલી યોજનાઓ અંગે પણ વિશદ ચર્ચા હાથ ધરવામાં આવશે. ગુપ્તાએ ઉમેર્યું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રચાર અર્થે દેશ વિદેશમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમેરિકા, જર્મની, નેધરલેન્ડ, યુ.કે., ફ્રાન્સ, જાપાન, દુબઈ, આબુધાબી તથા મિડલ-ઇસ્ટના દેશોમાં વિવિધ વિભાગના સચિવો રોડ શો માટે જશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તા. ૮ અને ૯મી ડિસેમ્બરના રોજ દુબઇ અને અબુધાબી ખાતે રોડ શોમાં સહભાગી થશે. જ્યારે દેશભરના વિવિધ ૬ જેટલા રાજ્યોના મેટ્રોપોલિટન શહેરમાં રોડ શોનું આયોજન કરાયું છે. ગુપ્તાએ ઉમેર્યું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા તા. ૧લી ડિસે.થી ૧૨મી જાન્યુ. સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.