ભગંદર અને મળદ્વારના ચિરાયેલા ઘા

0
8285
Dr. Rajesh Verma
Dr. Rajesh Verma

કપટી શત્રુની જેમ આક્રમણ કરવાવાળો ગુદાનો રોગ-ભગંદરની શરૂઆત એક મામૂલી ફોલ્લીથી થાય છે, જેના પર ધ્યાન ન આપવાથી વધી જઈને ભગંદરનું રૂપ લઈ લે છે, જે રોગીને અત્યંત કષ્ટદાયી સ્થિતિમાં પહોંચાડી દે છે.
રોગ કેવો હોય છે? ગુદાની નજીક બે આંગળી અંદરની તરફ એક અથવા વધુ ફોલ્લી નીકળે છે, અને પછી ધીરે ધીરે ઊંડી બનીને પાકી જાય છે ને કાણું પડી જાય છે તેને જ ભગંદર કહેવાય છે.

ઘણી વાર કાણું વધી જઈને બીજી બાજુ ખૂલે છે અને બન્ને તરફ ખુલ્લી હોય તેવી નળી જેવી સ્થિતિ બની જાય છે. ઘણી વાર એટલી વિકટ પરિસ્થિતિ થઈ જાય છે કે આ ભગંદરની નળીનો બીજો ભાગ નિતંબ કે સાથળ સુધી પહોંચીને ખૂલે છે. ભગંદરની આ પીડાદાયક સ્થિતિમાં ભગંદરના કાણામાંથી લોહી-પરુ કે દુર્ગંધવાળો મળ ઝર્યા કરે છે. આથી રોગીનાં કપડાં ખરાબ થાય છે.

જીવનને દુખદાયી બનાવનાર આ રોગ પહેલાં આ લક્ષણો દેખાય છેઃ

ગુદાપ્રદેશમાં એક અથવા વધારે ફોલ્લીઓ થઈ જાય છે. આ ફોલ્લીઓ બેસી જાય છે અને પછી વારેઘડીએ ઊભરાઈ આવે છે. ગુદામાં ખંજવાળ આવવી, બળતરા થવી અને દુખાવો થવો, જે મળત્યાગ સમયે વધી જાય છે. ગુદામાં કોઈ ઘા કે ફોલ્લો થયો હોય તેવું રોગીને લાગે છે. ગુદામાંથી ચીકણો મળ ઝર્યા કરે છે. કબજિયાત વધી જાય છે.

આવો રોગ કેમ થાય છે?
સ્કૂટર, સાઇકલ વધારે ચલાવવાથી, ડ્રાઇવિંગ વધારે કરવાથી. કબજિયાતની તકલીફ કાયમ રહેવાથી, મળત્યાગ વખતે જોર કરવાથી સ્નાયુઓ પર દબાવ વધારે પડવાથી ભગંદર બનાવવાનું કારણ બને છે. ઠંડી અને ભીનાશવાળી જગ્યા પર વધારે બેસવાથી. ઊભા પગે બેસવાથી મૂલાધાર પ્રદેશ પર બહુ દબાણ આવવાથી ભગંદરનું કારણ બને છે. મળદ્વારની આસપાસ કંઈક વાગી જવું કે કૃમિ હોવાથી પણ ભગંદર થઈ શકે છે. મળદ્વારમાં થયેલી ફોલ્લીનો ઉપચાર યોગ્ય રીતે ન થવાથી પણ ભગંદરની સ્થિતિ ઊભી થાય છે.

ભગંદરના પ્રકારઃ આધુનિક મતાનુસાર ભગંદરમાં બે પ્રકાર છેઃ (1) પૂર્ણ ભગંદર અને (ર) અપૂર્ણ ભગંદર
પૂર્ણ ભગંદરઃ આ પ્રકારના ભગંદરમાં બન્ને બાજુ ખૂલી ગયેલું કાણું આરપાર હોય છે, જેમાંથી મળ એક છેડેથી બીજા છેડા સુધી પહોંચી જઈને બહાર નીકળી શકે છે. આને દ્વિમુખી ભગંદર પણ કહેવાય છે.
(ર) અપૂર્ણ ભગંદરઃ આ ભગંદરમાં બીજી બાજુથી બંધ રહે છે. અને જ્યાં કાણું ખુલ્લું દેખાય છે ત્યાં બે વિભાગમાં દેખાય છે.
ભગંદરનો ઉપચારઃ ભગંદરનો ઉપચાર એવો કરવો જોઈએ કે જેનાથી મોટી થઈ ગયેલી ફોલ્લી પાક્ય વિના જ બેસી જાય, પણ જો ફોલ્લી પાકીને ફાટી ગઈ હોય, કાણું પડી ગયું હોય તો તેનો ઇલાજ નીચે પ્રમાણે કરવાથી સારી રીતે મટી જાય છે.
રોગીને શરૂઆતમાં કાંચનાર ગૂગળ, કૈશોર ગૂગળ, ત્રિફળા ગૂગળની ર-ર ગોળીઓ અને આરોગ્યવર્ધિની વટિની ર ગોળી એટલે કે આઠ ગોળી તોડીને હૂંકાળા પાણી સાથે 4-4 કલાકના અંતરે આપવી જોઈએ, જ્યારે થોડી રાહત થાય ત્યારે દિવસમાં 3 વાર સવારે, બપોરે અને સાંજે આપવી જોઈએ.

જ્યારે એમ લાગે કે મટી ગયું છે ત્યારે આ ઔષધિની માત્રા અડધી કરીને સવાર-સાંજ એક મહિના સુધી આપવી જોઈએ.

આ સાથે બાહ્ય ઉપચારમાં જાત્યાદિ તેલ અથવા લીમડાનું તેલનું રૂનું પૂમડું બનાવી ગુદા પર દિવસમાં 6-7 વાર રાખવું જોઈએ. જેમ જેમ રાહત મળતી જાય તેમ તેમ રૂ પૂમડું મૂકવાની સંખ્યા ઓછી કરતાં જવું.
જો રોગ બહુ વધી ગયો હોય અને ઔષધિઓથી લાભ ના થતો હોય તો આયુર્વેદિક ક્ષારસૂત્રનો પ્રયોગ કરવો જરૂરી છે.

પથ્યાપથ્યઃ ભગંદરના રોગી માટે ઘઉં, ચોખા, મગ, રીંગણ, પરવળ, દૂધી, તૂરિયાં, આંબળાં, દ્રાક્ષ, તાજી છાશ, માખણ, દૂધ, ડુંગળી લાભદાયક રહે છે.

અપથ્યઃ ગરમ, પચવામાં ભારે હોય તેવો ખોરાક અને વાયુ કરે તેવો ખોરાક લેવો નહિ, ખાટી-તીખી ચીજનું સેવન બિલકુલ બંધ કરવું અને મુસાફરી તથા વ્યાયમ બંધ કરી દેવા જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here