રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ૭૦ ટકા મતદાન નોંધાયું

જયપુર: પચીસ નવેમ્બર, શનિવારના રોજ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ૭૦ ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણીના પરિણામ ત્રીજી ડિસેમ્બરના રોજ જાહેર થશે. રાજસ્થાન વિધાનસભાની ૨૦૦ બેઠકમાંથી ૧૯૯ બેઠક પર શનિવારે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. મતદાન વખતે મતદાર અને ચૂંટણી કર્મચારીના હાર્ટ અટેકથી મૃત્યુની, અમુક જગ્યાએ ઝઘડા અને પથ્થરમારાની ઘટના બની હતી. ભાજપ અને કોંગ્રેસે કેટલીક જગ્યાએ બનાવટી મતદાનને લગતી ફરિયાદ કરી હતી.
રાજસ્થાનની આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા થઇ રહી છે. રાજસ્થાન વિધાનસભાની ૨૦૦ બેઠકમાંની પચીસ અનુસૂચિત જાતિ, ૩૪ અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત છે, જ્યારે ૧૪૧ બેઠક સામાન્ય દરેક ઉમેદવાર માટે છે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ મુખ્ય પક્ષ છે. બન્ને પક્ષે દરેક બેઠક પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે. આ ઉપરાંત, બહુજન સમાજ પક્ષ અને આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે.
રાજસ્થાન વિધાનસભાની મુદત ૨૦૨૪ની ૧૪ જાન્યુઆરીએ પૂરી થવાની હોવાથી આ ચૂંટણી યોજાઇ હતી. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં અંદાજે ૬૮.૨૪ ટકા મતદાન થયું હતું અને આખરી ટકાવારીમાં થોડો વધારો થવાની સાથે અંત સુધીમાં સરેરાશ ૭૦ ટકા મતદાન નોંધાયું છે.
હનુમાનગઢમાં ૭૭ ટકા, પાલીમાં ૬૩ ટકા, જયપુરમાં ૭૧ ટકા અને અશોક ગહલોતના મતદાર ક્ષેત્રમાં ૬૩ ટકા મતદાન થયું હતું. ધૌલપુર જિલ્લાના બાડી વિધાનસભા ક્ષેત્રના અબ્દુલપુર ગામમાં મતદાન વખતે બે પક્ષ વચ્ચે ઝઘડો થતાં સામસામો પથ્થરમારો કરાયો હતો. જયપુરના પલવાના જાટાન ગામના લોકોએ જનપ્રતિનિધિઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરીને મતદાન કર્યું નહોતું. અમુક સ્થળે કતારમાં ઊભા રહેલા મતદાર અને ક્યાંક ચૂંટણી કર્મચારીના હૃદયરોગના હુમલાથી મૃત્યુની ઘટના પણ નોંધાઇ હતી.
કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વડરાએ સોશિયલ મીડિયા પર મતદારોને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી હોવાથી ભાજપે ચૂંટણી પંચ સમક્ષ આ સંબંધમાં ચૂંટણીની આચારસંહિતાનો ભંગ થયો હોવાનો આક્ષેપ કરીને ફરિયાદ કરી હતી અને તેઓના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ બંધ કરાવવા અને ફોજદારી કાર્યવાહી કરવા વિનંતિ કરી હતી. કરણપુરની બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર ગુરમિતસિંહ કૂનરનું નિધન થતાં ત્યાં મતદાન મુલતવી રખાયું હતું. તેઓ આ બેઠક પરના હાલના વિધાનસભ્ય હતા. રાજસ્થાનમાં અંદાજે ૫.૨૫ કરોડ મતદાર અનેક મોટા નેતાનું રાજકીય ભાવિ નક્કી કરશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here