રશિયા-યુક્રેનમાં શાંતિ સ્થાપવા પહેલી વખત 30 દેશોની બેઠક

ન્યૂયોર્કઃ 17 મહિના કરતાં વધુ સમયથી ચાલતા રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિની પહેલ માટે પ્રથમવાર દુનિયાના 30 મોટા દેશો એકસાથે આવી રહ્યા છે. હેતુ યુક્રેન-રશિયા વચ્ચે સમાધાનનો છે. સાઉદી અરબની યજમાનીમાં આ મંત્રણા 5-6 ઓગસ્ટના રોજ જેદ્દાહ શહેરમાં યોજાશે. તેમાં ભારત, યુએસ, બ્રિટન, યુરોપિયન યુનિયનના દેશો ઉપરાંત જાપાન, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, પોલેન્ડ, ઇન્ડોનેશિયા, ઇજિપ્ત, મેક્સિકો, ચિલી અને જામ્બિયા જેવા અનેક દેશો સામેલ થશે.
રશિયાને બેઠકથી દૂર રખાયું છે. રશિયાના બે નજીકના સહયોગી દેશો તૂર્કિયે અને ચીનની આ બેઠકમાં હાજરી પર હજુ શંકા છે. તૂર્કિયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયાર એર્દોગન અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને મનાવવાની જવાબદારી સાઉદી અરબને સોંપાઇ છે. US તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુઅલિન બેઠકમાં સામેલ થાય તેવી આશા છે. યુક્રેન અને પશ્ચિમી દેશોને આશા છે કે દુનિયાભરના દેશોને બોલાવવાથી શાંતિમંત્રણા માટે યુક્રેનને સમર્થન મળી શકશે. યુક્રેનના છઠ્ઠા હિસ્સા પર કબજા બાદ રશિયાનું કહેવું છે કે શાંતિ ત્યારે જ થઇ શકે જ્યારે કીવ આજની સ્થિતિને સ્વીકારી લે. બીજી તરફ, યુક્રેને 10 માંગ રાખી છે, જેમાં યુક્રેનની ક્ષેત્રીય અખંડતા સુનિશ્ચિત કરવી, રશિયન સેનાને હટાવવાની, બંધકોને મુક્ત કરવા, હુમલાના આરોપી પર કેસ ચલાવવો અને યુક્રેનને સુરક્ષાની ખાતરી સામેલ છે. અગાઉ મેમાં યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકીએ અરબ લીગ બેઠકમાં ભાગ લીધો હતો. રશિયાના યુક્રેન પર હુમલા બાદ અનેક અરબ દેશો રશિયાને લઇને ચૂપ છે, કારણ કે તેઓને મોસ્કોની સાથે સૈન્ય-આર્થિક સંબંધોની વધુ ચિંતા છે. ઓઇલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકમાં સાઉદી અરબ પણ સભ્ય હોવાને કારણે રશિયાનું નજીકનું સાથી છે. યુક્રેન યુદ્ધને કારણે ઓપેકે ઓઇલના ઉત્પાદન પર કાપ મૂક્યો, જેને કારણે દુનિયાભરમાં ક્રૂડની કિંમતો ઊંચકાઇ હતી.
યુક્રેન પર શાંતિ મંત્રણાની પહેલ કરીને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું મહત્ત્વ વધી શકે છે. ફેબ્રુઆરી 2023માં સાઉદી અરબના વિદેશમંત્રી પ્રિન્સ ફેસલ બિન ફરહાને કીવનો પ્રવાસ કર્યો હતો અને 3,290 કરોડ રૂપિયાની નાણાંકીય સહાયતા આપી હતી. સપ્ટેમ્બર 2022માં સાઉદીના હસ્તક્ષેપ બાદ જ રશિયાએ યુક્રેનના 300થી વધુ બંધકોને મુક્ત કર્યા હતા.
મોસ્કોમાં યુક્રેનના ડ્રોન હુમલાના એક દિવસ બાદ રશિયાએ રિહ શહેર પર મિસાઇલોથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 4 લોકોનાં મોત થયાં હતાં. તેમાં 45 વર્ષીય માતા અને 10 વર્ષની પુત્રી સામેલ છે. હુમલામાં 53 સામાન્ય નાગરિક ઘાયલ થયા છે. ઘાયલોમાં 5 બાળકો સામેલ છે. 9 માળની ઇમારતમાં 150 લોકો રહેતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here