ભારતીય શાસ્ત્રીય સંગીત દુનિયાભરમાં સંપન્ન અને સમૃદ્ધ છેઃ ઝાકિર હુસેન

0
1086
અમેરિકામાં આગામી મહિને રાકેશ ચૌરસિયા સાથે સ્પ્રિન્ગ ટુર પર આવી રહેલા ઝાકિર હુસેન. ડિસેમ્બર, 2016માં સાઉથ આફ્રિકામાં કેપ ટાઉનમાં ઝાકિર હુસેન નજરે પડે છે.

ન્યુ યોર્કઃ વિખ્યાત તબલાંવાદક ઝાકિર હુસેન કહે છે કે ભારતીય શાસ્ત્રીય સંગીત સંપન્ન અને સમૃદ્ધ છે. 56 વર્ષીય ઝાકિર હુસેન મહાન ભારતીય શાસ્ત્રીય સંગીતકારોમાંના એક છે. તેઓ આગામી મહિને અમેરિકાની સ્પ્રિન્ગ ટૂર પર આવી રહ્યા છે. આ ટુર સમગ્ર અમેરિકાનાં 12 શહેરોમાં ત્રણ અઠવાડિયાં દરમિયાન યોજાશે. તેમની સાથે ફલ્યુટિસ્ટ રાકેશ ચૌરસિયા પણ જોડાશે.

દંતકથારૂપ તબલાંવાદક અલ્લા રખાના પુત્ર ઝાકિર હુસેન ભારત અને અમેરિકામાં પણ પોતાના તબલાંવાદનથી લોકપ્રિય છે અને તેમણે ગ્રેમી એવોર્ડ જીત્યો છે. તેઓ સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયાના નાગરિક છે.

તેમણે ભારત સરકાર તરફથી 1988માં પદ્મશ્રી એવોર્ડ અને 2002માં પદ્મભૂષણ એવોર્ડ મેળવ્યો હતો. તેમને 1990માં સંગીત નાટક અકાદમી એવોર્ડ પણ મળ્યો હતો. સન 1999માં તેમને યુનાઇટેડ સ્ટેટ્સ નેશનલ એન્ડોવમેન્ટ ફોર ધ આર્ટ્સ નેશનલ હેરિટેજ ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી, જે પરંપરાગત કલાકારો અને સંગીતકારોને પ્રદાન થતો સર્વોચ્ચ એવોર્ડ છે.
બાળપણમાં ઝાકિર હુસેને માત્ર ત્રણ વર્ષની વયથી પખવાજ શીખવાની શરૂઆત કરી હતી અને તેમાં 11 વર્ષની વયે પારંગત થઈ ગયા હતા. તેઓ 1969માં અમેરિકા સ્થળાંતર થયા હતા અને યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. તેમણે સંગીતમાં પીએચ.ડી. કર્યું હતું. તેમની ભવ્ય આંતરરાષ્ટ્રીય કારકિર્દીના કારણે તેમણે વિવિધ સ્થળોએ પરફોર્મન્સ આપ્યું છે, જેમાં સન 2009ની ખૂબ જ જાણીતા સંગીતકારોમાંના કેટલાક સંગીતકારો સાથેની કાર્નેગી હોલની આર્ટિસ્ટ પર્સ્પેક્ટિવ સિરીઝનો સમાવેશ થાય છે.

તમે ફલ્યુટ મેસ્ટ્રો પંડિત હરિપ્રસાદ ચૌરસિયાના ભત્રીજા રાકેશ ચૌરસિયા સાથે આગામી મહિને અમેરિકામાં પરફોર્મ કરવાના છો. રાકેશ ચૌરસિયા પરંપરાગત સ્ટાઇલ સાથે પ્રયોગ કરવા માટે જાણીતા છે અને તમે તેમની સાથે અગાઉ પરફોર્મન્સ આપ્યું છે. તેમની સ્ટાઇલ પંડિત હરિપ્રસાદ ચૌરસિયાથી અલગ પડે છે?

રાકેશ ચૌરસિયા પરંપરાગત ભારતીય કલાકારોની નવી પેઢીમાંના એક છે, જેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતનો વિગતવાર – પદ્ધતિસર અભ્યાસ કર્યો છે. તેમણે વિવિધ સંગીતનો અભ્યાસ કરીને તેમાં પ્રયોગો કરીને પોતાની સ્ટાઇલ અપનાવી વિકસાવી છે. તેના કારણે તે અલગ પડે છે, પરંતુ પોતાના કાકા હરિપ્રસાદ ચૌરસિયા કરતાં પણ વધુ અલગ પડે છે.
મેં તમને કાર્નેગી હોલમાં ઘણી વાર પરફોર્મ કરતાં નિહાળ્યા છે. ન્યુ યોર્કમાં કેટલાક વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરવ્યુ સેશન દરમિયાન, નવી દિલ્હીમાં કેટલાક વિદ્યાર્થીઓ સાથે લાઇવ વિડિયો કોન્ફરન્સ દરમિયાન સાંભળ્યા છે. તમારો ચાહકવર્ગ અનોખો છે. તમારી ઊર્જા, યુવાની, પ્રતિબદ્ધતા અદ્ભુત છે. તમને શું પ્રેરિત કરે છે?

હું મારી જાતને આર્ટ્સનો વિદ્યાર્થી માનું છું અને મને ખબર છે કે દરેક વખતે મારી સાથે સ્ટેજ પર આર્ટિસ્ટ હોય છે, હું તેમની આંખો-કાનોથી મારા સંગીતના વિચારો જાણી શકું છું. આથી મને નવા અનુભવો શીખવાના મળે છે. આ પ્રક્રિયા મનમાં સતત ચાલતી રહે છે અને નવતર કરવાની ફરજ પાડે છે.

ગયા વર્ષે તમે ન્યુ જર્સીમાં ડેવ હોલેન્ડ સાથે સ્ટેજ પર આવ્યા હતા. ઇન્ટરનેશનલ જાઝ ડે અંતર્ગત વ્હાઇટ હાઉસમાં 2016 ઓલ સ્ટાર ગ્લોબલ કોન્સર્ટ નિમિત્તે અમેરિકી પ્રમુખ બરાક ઓબામા દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા. આજે ઘણા બધા ભારતીય-અમેરિકન અને સાઉથ એશિયન મૂળના અમેરિકન જાઝ સંગીતકારો છે, જેમ કે રુદ્રેશ મહાનાથપ્પા, વિજય ઐયર, સની જૈન અને રેઝ અબ્બાસી. આનું કારણ શું છે?

આજના ભારતીય સંગીતકારો પાસે દુનિયાભરનું સંગીત આવતું રહે છે અને તેઓ સાંભળતા રહે છે. તેઓ તેમના વિદ્યાર્થીકાળથી વિવિધ સંગીતમય પ્રયોગો કરતા રહે છે. આના કારણે તેઓ નિષ્ફળતાનો ભય રાખ્યા વગર પ્રયોગો કરે છે અને સફળતા મળે છે. તેમના નવતર પ્રયોગોના કારણે તેઓ સ્વીકૃત બન્યા છે.

તમારા પ્રશંસકોમાં નેશનલ એન્ડોવમેન્ટ ફોર ધ આર્ટ્સ નેશનલ હેરિટેજ ફેલોશિપ અને મિકી હાર્ટ દ્વારા નિર્મિત ગ્રેમી એવોર્ડ ફોર બેસ્ટ વર્લ્ડ મ્યુઝિક આલબમ ધ પ્લેનેટ ડ્રમનો સમાવેશ થાય છે. હાર્ટ સાથે કામ કરતી વખતે તમને શી અનુભૂતિ થઈ?
હું મિકી હાર્ટને મારા પથદર્શકોમાંના એક પથદર્શક માનું છું. તેઓ મારામાં વિવિધ રિધમ, સ્વ-અભિવ્યક્તિનું પરિબળ લાવ્યા. તેમણે ડ્રમિંગની વિવિધ સ્ટાઇલ વિકસાવવામાં મને મદદ કરી.

તમે સાન ફ્રાન્સિસ્કોમાં વસો છો, પણ દુનિયાભરમાં પ્રવાસ કરો છો. તમને ભારતમાં વધુ સમય પસાર કરવાનો વિચાર આવ્યો છે?

(જમણે) સાન ફ્રાન્સિસ્કોમાં પૌત્રી ઝારા સાથે ઝાકિર હુસેન.

ઘરથી લાંબા સમય સુધી દૂર રહેવાનું મુશ્કેલ હોય છે અને લાંબા સમય સુધી તમે તમારી પથારીમાં સૂતા હોતા નથી, પરંતુ જ્યારે તમે નવા લોકોને મળો છો, અનેકવિધ દુનિયા નિહાળો છો અને ઘણા કલાકારો સાથે સંગીતની સફર કરો છો ત્યાર પછી મુશ્કેલી ભુલાઈ જાય છે.

તમે ન્યુ જર્સીને ઘર માનો છો, કારણ કે તમે ઓલ્ડ ડોમિનિયન ફેલો, દસ વર્ષ સુધી પ્રિન્સટન યુનિવર્સિટીના સંગીતના અધ્યાપક રહેલા છો. તમે સંગીતની ડોક્ટરેટની પદવી લીધી છે. તમે હજી શિક્ષણને યાદ કરો છો?

શિક્ષણ એ શીખવાનું સૌપ્રથમ અને શ્રેષ્ઠ સ્વરૂપ છે. હું મારી પરંપરા અને મારી તબલાંવાદનની પ્રેક્ટિસના કારણે સતત શીખતો રહું છું. હું સતત દુનિયાભરના ફેલો રિધમ પ્લેયર્સને શીખવતો રહું છું.

બોલીવુડના સંગીતના કારણે ભારતીય શાસ્ત્રીય સંગીત મૃતપ્રાય સ્થિતિમાં છે?
દુનિયાભરમાં ભારતીય શાસ્ત્રીય સંગીત સંપન્ન અને સમૃદ્ધ છે, જેને કોઈ મિટાવી શકે તેમ નથી.

તમને કયા પ્રકારનું સંગીત સાંભળવું ગમે છે?

મને દુનિયાભરના તમામ વિસ્તારોનું ફોક મ્યુઝિક સાંભળવું ગમે છે. તે મને માતૃભૂમિની સંસ્કૃતિમાં લઈ જાય છે.

(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here