દીવાલનું આશ્વાસન બારી!

0
2077

(ગતાંકથી ચાલુ)
ઋતુરાજ વસંતની સવારે ઘરનું બારણું ખોલવું એ એક સુખદ અનુભૂતિ છે. જેવું બારણું ખૂલે કે તરત બહારની શીતળ હવા ઘરમાં દાખલ થવા માટે જાણે ટાંપીને બેઠી હોય છે. મુંબઈમાં કબૂતરખાના જેવા ઘરને માળો કહેવાનો રિવાજ હવે જૂનો ગણાય છે. માળો હવે ફ્લેટ બની ગયો છે. ફ્લેટનું આગલું બારણું બંધ થાય એટલે તો એમાં રહેનારને ગુફાનું એકાંત પ્રાપ્ત થાય છે. એ ગુફામાં તપસ્વી નહિ, સંસારી બંદીવાન રહેતો હોય છે. જ્યાં દીવાલ હોય ત્યાં મનની કેદ હોવાની. કેદનું એકમાત્ર આશ્વાસન એટલે ખુલ્લી બારી!

દીવાલની શોધ થઈ એ પહેલાં વાડની શોધ થઈ હતી. વાડની માતાને વાડી કહે છે. જ્યાં વાડી હોય ત્યાં દલો તરવાડી હોવાનો! કાળક્રમે વાડ છીંડાં વિનાની થતી ગઈ અને છેવટે પાકી દીવાલ બની ગઈ. વાડમાં એક ઝાંપલી જોવા મળે છે. ઝાંપલીની ઉત્ક્રાંતિ થઈ ત્યારે માણસને બારણું મળ્યું. ઝાંપલી સાવ ખુલ્લા મનની હતી. એ બંધ હોય તોય પવનની અવરજવર રોકવા માટે એ તૈયાર નહોતી. ઝાંપલી તો ખેતરમાં ભેલાણ કરનારાં ચોપગાં જાનવરોને રોકે તો રોકે! બારણું તો પવનને પણ કહી દે છેઃ નો એડમિશન વિધાઉટ પરમિશન.

બારણા અને દીવાલ વચ્ચેની ભાઈબંધી પવનને નડી પડી. પવનથી ટેવાયેલા માણસને અકળામણ થઈ એવે વખતે એને વાડમાં પડેલું છીંડું યાદ આવ્યું અને બારીની શોધ થઈ. આજે પણ દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં એક શબ્દ પ્રચલિત છે ઃ ‘છીંડાબારી.’ ટૂંકમાં, આપણે ઘરમાં બારી નજરે પડે ત્યારે ખતેરની વાડમાં પડેલાં છીંડાંને યાદ કરજો. બારીનું નિર્માણ માણસની છીંડાવૃત્તિને કારણે થયું છે. બંદીવાન સંસારીને બારી વિના ન ચાલે. બારી જ પાસપોર્ટ અને બારી જ વિઝા!
બારીમાંથી ઘરમાં શું શું દાખલ થાય છે? રસ્તા પરથી પસાર થતા ભિખારીનું ગીત બારીના સળિયા વટાવીને ઘરમાં પ્રવેશી જાય છે. પડોશીના ડ્રોઇંગ રૂમમાં મોટા અવાજે ટીવી ચાલુ હોય તો તમે તમારું ટીવી બંધ કરી શકો. ક્યારેક બારીમાંથી કોઈનું અજાણ્યું સ્મિત પણ જોવા મળે ત્યારે ઘરની બંધિયાર હવા પણ થનગની ઊઠે છે. ખુલ્લી બારી ખુલ્લું મન ઝંખે છે. ખુલ્લું મન અપરિચયને પરિચયમાં ફેરવી નાખે છે. પરિચય એટલે પ્રેમની પ્રસ્તાવના. બારીના ઉપકારો અનંત છે. શરીર પર પરસેવો વળે ત્યારે બારીમાંથી દાખલ થયેલા પવનની લહેરખીનો સ્પર્શ ઠંડક આપનાર જણાય છે. એ ઠંડક પહોંચાડનારી બારી એ જ ગરીબનું એરકન્ડિશનર! ઉનાળાનો ઉકળાટ સતાવે ત્યારે બારીની કરુણા માણસની મદદે આવે છે.
ગમે એટલી નાની બારી પણ કદી સંકુચિત નથી હોતી, કારણ કે એ સતત આકાશના પવનના અને પ્રકાશના સંપર્કમાં હોય છે. બારીમાંથી નજરે પડતું આકાશ કદી સાંકડું નથી હોતું. બહુમાળી મકાનના તેરમે માળે દીવાલમાં જડાયેલી બારીમાંથી રસ્તા પરની અવરજવર જોયા કરતી બે લાચાર આંખ તમે જોઈ છે? એ આંખ કોઈ પથારીવશ દરદીની પણ હોઈ શકે છે. એ એક એવા બંદીવાનની આંખ છે, જેને કોઈ બંદીવાન ગણવા તૈયાર નથી. ફ્લેટમાં રહેવું અને ખુલ્લા મનના હોવું એ જેવું-તેવું પરાક્રમ નથી. ફ્લેટમાં રહેવું અને બંદીવાન ન હોવું એ જેવો-તેવો વૈભવ નથી.

બારી નથી માર્ક્સવાદી હોતી કે નથી ગાંધીવાદી હોતી. બારી બસ બારી હોય છે. એ બારીને કોઈ લેબલ વળગાડશો નહિ. પવનની લહેરખીની કોઈ કોમ નથી હોતી. માણસના મનને પણ બારી વિના ન ચાલે. ખુલ્લું મન અને ખુલ્લું આકાશ હોય ત્યાં દુનિયાના બધા વાસી ધર્મો આથમી જાય છે. બચે છે કેવળ માનવધર્મ. માનવતાના ખોળામાં ધર્મ બેઠો છે. એ ધર્મ છે રિલિજિયન નથી. જેમ આકાશ વાડમુક્ત છે એમ ધર્મ પણ વાડમુક્ત છે. વાડની ઝાંપલી સજ્જનને પણ ન રોકે અને ચોરને પણ ન રોકે. જે માણસને ડગલે ને પગલે રોકે અને ટોકે એ ધર્મગુરુ હોઈ શકે, ધર્મ નહિ.

દીવાલ ચણનારને ખબર નથી કે પોતે જ અંદર પુરાઈ રહ્યો છે. કવિ રોબર્ટ ફ્રોસ્ટને આ વાતની ખબર હતી. એકલતાની અને સંકુચિતતાની પીડા કેવી હોય એની ખરી ખબર દીવાલને હોય છે. એકલતાની પીડા અસહ્ય બને ત્યારે દીવાલને પોપડાં બાઝતાં હોય છે. ઘરનાં ડૂસકાં બહાર ન જાય અને બહારનો ટહુકો ઘરમાં ન પ્રવેશે એ માટે દીવાલની રચના થઈ છે. તૂટેલી કે તિરાડ પડી ગઈ હોય એવી દીવાલ પર ઊગી નીકળેલા ફૂલ પર વર્ડઝવર્થે કવિતા લખી છે. એવી જર્જરિત દીવાલ પર પણ ફૂલ ઊગી શકે તો પથારીવશ માણસના મનમાં નવા નવા વિચોરોનો ફુટારો કેમ ન થાય?
હે પ્રભુ! પ્રત્યેક માનવીને એક બારીનો અને પ્રત્યેક બારીને આકાશનો સથવારો મળજો! (ક્રમશઃ)

લેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here