ભુડિયા પરિવાર દ્વારા કન્યા કેળવણી શિક્ષણ અર્થે રૂ. 150 કરોડના દાનની જાહેરાત

કેરા: અત્યંત લાગણી ભીના માહોલમાં ટપકેશ્વરી રસ્તે ચાલી રહેલા કચ્છી લેવા પટેલ સમાજના અસ્મિતા પર્વની સાક્ષીએ કન્યા કેળવણીનો ઇતિહાસ રચાઇ ગયો હતો. વર્ષના છેલ્લા દિવસે સવારે લેવા પટેલ સમાજમાં ભણવા આવનારી દીકરીઓ 25 વર્ષ સુધી એક રૂપિયે ટોકન ફીમાં ભણશે, તે માટે હસુભાઇ ભુડિયાની પ્રેરણાથી કેશવલાલ પ્રેમજી ભુડિયાએ 150 કરોડનું મહાદાન જાહેર કર્યું ત્યારે ભરચક સભા ગદગદ થઇ હતી.
વડીલવંદના પર્વ ઉજવતાં સમાજના સેંકડો વડીલોની પૂજા કરાઇ હતી. મેઘબાઇ પ્રેમજી ભુડિયા 25 કરોડ, પ્રેમજીભાઇ જેઠા ભુડિયા 25 કરોડ, કેશવલાલ પ્રેમજી ભુડિયા 25 કરોડ, કાનજીભાઇ પ્રેમજી ભુડિયા 25 કરોડ, અરવિંદભાઇ કાનજી ભુડિયા 25 કરોડ જ્યારે માતા રતનબેન કેશવલાલ ભુડિયા 12.5 કરોડ અને માતા વેલીબેન કાનજી ભુડિયા તરફથી 12.5 કરોડ એમ સમગ્ર પરિવાર તરફથી 150 કરોડ જેટલી રકમ કન્યાઓ માટે અર્પી દેવાઇ હતી. ગરીબ, નિરાધાર દીકરીઓ ઉપર વિશેષ અનુકંપા ધરાવનારા હસુભાઇ આજે પૂરબહાર ખિલ્યા હતા અને કચ્છી લેવા પટેલ કન્યા સંસ્કારધામ છાત્રાલયમાં રહી સમાજની કન્યા શાળામાં ભણવા આવનારી તમામ દીકરીઓની ફી માફીની આ જાહેરાતે ચોવીસી સહિત કચ્છ, કેન્યા, યુ.કે., ઓસ્ટ્રેલિયાના લેવા પટેલ જ્ઞાતિજનોમાં ગૌરવની લાગણી વહેતી કરી દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here