જેફ બેઝોસ ત્રણ યાત્રીઓ સાથે અંતરિક્ષ યાત્રા કરી ૧૧ મિનિટમાં ધરતી પર પરત આવ્યા

 

ટેક્સાસઃ અમેઝોનના સંસ્થાપક અને વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ જેફ બેઝોસે અંતરિક્ષ યાત્રા કરી પરત ધરતી પર આવી ગયા છે. બેઝોસની સાથે ત્રણ અન્ય વ્યક્તિ પણ અવકાશ યાત્રાએ ગયા હતા. બેઝોસની કંપની બ્લૂ ઓરિજિનનું ટૂરિઝમ રોકેટ ન્યૂ શેફર્ડ મંગળવારે ૬.૩૦ કલાકે અંતરિક્ષ માટે ઉડાન ભરી અને થોડો સમય ત્યાં રહ્યાં બાદ પરત ધરતી પર આવી ગયું હતું. પૃથ્વીની સપાટીથી ૧૦૦ કિમી ઉપર કારમન લાઈન સુધી તેઓ ગયા હતાં ત્યાંથી સુરક્ષિત રીતે પરત ફર્યા હતાં. સંપૂર્ણ ફ્લાઈટનો સમય ૧૦-૧૨ મિનિટ સુધીનો હતો. 

બેઝોસની સ્પેસ યાત્રા એટલા માટે પણ ખાસ છે કારણ કે ૧૯૬૯માં આજ દિવસે ૨૦ જુલાઈએ પ્રથમ વ્યક્તિએ ચંદ્ર પર પગ મુક્યો હતો. ભારતીય સમય મુજબ મંગળવારે સાંજે લગભગ ૬ઃ૪૨ વાગ્યે સ્પેસ ટૂર માટે રવાના થયા હતા. તેમની સાથે ત્રણ યાત્રી હતા. જેમાં એક તેમના ભાઈ માર્ક, ૮૨ વર્ષના વેલી ફંક અને ૧૮ વર્ષના ઓલિવર ડેમેન સામેલ છે. ઓલિવરે હાલમાં હાઈસ્કૂલ પાસ કરી છે. બેજોસની સાથે સ્પેસમાં જવા માટે કોઈ અજાણ્યા શખ્સે ૨૮ મિલિયન ડોલરની બોલી લગાવી હતી. તેઓ આ ટ્રિપમાં નહીં જઈ શકે, તેની બદલે ઓલિવર ગયો હતો.

બેજોસ અને તેમની ટીમ જે રોકેટ શિપથી તેઓ સ્પેસમાં ગયા, તે ઓટોનોમસ એટલે કે તેમાં પાયલટની જરૂરિયાત નથી. તેના કેપ્સુલમાં ૬ સીટ છે, પરંતુ તેમાંથી માત્ર ૪ લોકો ગયા હતા. ન્યૂ શેફર્ડ નામના આ રોકેટની અત્યાર સુધીની ૧૫ ફ્લાઈટ્સ સફળ રહી છે. જોકે તેમાં હજુ સુધી કોઈ યાત્રીએ સફર કરી ન હતી. રિપોટ્સ મુજબ બેજોસે અંતરિક્ષમાં જવા માટે આ દિવસ એટલા માટે પસંદ કર્યો કેમકે એપોલો ૧૧ સ્પેસશિપ કે જેમાં બેસીને એસ્ટ્રોનોટ્સ નીલ આર્મસ્ટ્રોન્ગ અને બઝ એલ્ડ્રિન આજથી ઠીક ૫૨ વર્ષ પહેલાં ૧૯૬૯માં ચંદ્ર પર પહોંચ્યા હતા.

આપને જણાવી દઈએ કે ન્યૂ શેફર્ડને બ્લૂ ઓરિજિનના ૧૩ એન્જિનિયરોની ટીમે મળીને બનાવ્યું છે. આ ટીમમાં મુંબઈની ૩૦ વર્ષીય મહિલા એન્જિનિયર સંજલ ગવાન્ડે પણ છે. મુંબઈ યુનિવર્સિટીથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી કર્યા પછી સંજલ માસ્ટર્સની ડિગ્રી માટે ૨૦૧૧માં અમેરિકા આવી હતી. આ યાત્રાની સાથે બેઝોસ આ કારનામું કરનાર દુનિયાના બીજા વ્યક્તિ બની ગયા છે. બેઝોસે આ મહિને એમેઝોનના સીઈઓનું પદ છોડ્યું છે. બેઝોસ એમેઝોનના ફાઉન્ડર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here