કેનેડાનાં બે શહેરોમાં આતશબાજી પર પ્રતિબંધ

 

ટોરોન્ટો: કેનેડામાં બ્રેમ્પટન બાદ હિન્દુ બહુમતીવાળા મિસીસોગા શહેરમાં ફટાકડાના વેચાણ પર કેટલાક પ્રકારનાં નિયંત્રણો લાગુ કરવામાં આવી રહ્યા છે. બંને ગ્રેટર ટોરેન્ટો એરિયાનાં દસ મોટાં શહેરો પૈકીનાં છે. અહીંના કેટલાંક અન્ય શહેર આ જ પ્રકારના નિયમો બનાવવા માટેની તૈયારી કરી રહ્યાં છે. ઓન્ટોરિયો પ્રાંતનાં શહેર મિસીસોગા કેનેડાનાં સાતમાં સૌથી વધુ વસતી ધરાવતાં શહેર તરીકે છે. અહીં સાત લાખની વસતીમાં ૭૦ હજાર ભારતીય છે. મિસીસોગા સિટી કાઉન્સિલે અધિકારીઓને ફટાકડાના વેચાણને રોકવા માટે કડક નિયમો બનાવવા માટે સૂચના આપી છે. આની પાછળ કેટલાંક કારણો રહેલાં છે. મિસીસોગામાં ગયા વર્ષે દિવાળી પર ફટાકડા ફોડવાને લઇને વિવાદ થયો હતો. ગયા વર્ષે બ્રેમ્પટનમાં મોડી રાત સુધી ફટાકડા ફોડવાની આશરે ૧૫૦૦ ફરિયાદ મળી હતી. અલબત્ત બ્રેમ્પટન સિટીએ દિવાળી પર આતશબાજીના કાર્યક્રમની પણ જાહેરાત કરી છે. કેનેડામાં મોટા ભાગે દિવાળી, કેનેડા ડે પર જ આતશબાજી કરાય છે. હિન્દુ સમુદાયના લોકો ફટાકડા પર પ્રતિબંધના નિર્ણયથી ભારે નારાજ છે. નવા વર્ષની ઉજવણીમાં પણ કેટલાક લોકો આતશબાજી કરે છે. મિસીસોગા સિટી કાઉન્સિલમાં ફટાકડા પર પ્રતિબંધના પ્રસ્તાવના વિરોધમાં મત આપનાર ભારતીય કાઉન્સિલર દીપિકા દમરેલે જણાવ્યું હતું કે, આતશબાજી દિવાળીના ખાસ હિસ્સા તરીકે છે. આતશબાજી વગર દિવાળી પર્વની ઉજવણી અધૂરી છે. સરકારને સમજવાની જરૂર છે કે આતશબાજી હિન્દુઓની સંસ્કૃતિ સાથે જોડાયેલો સંવેદનશીલ ભાગ છે. કેટલાક લોકો વહેલી પરોઢે ૩-૪ વાગે ઊઠીને ફટાકડા ફોડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here