ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024નું રણશિંગુ ફૂંક્યુંઃ પ્રથમ યાદી જાહેર

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024નું રણશિંગુ ફૂંકી દીધું છે. પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ કહ્યું કે 16 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 195 બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. બાકીની બેઠકો માટે મંથન ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે. અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. આ યાદીમાં 34 કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓના નામ છે. આ સિવાય સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજની પુત્રીને પણ લોકસભાની ટિકિટ આપવામાં આવી છે.
વિનોદ તાવડેએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાંથી 51, પશ્ચિમ બંગાળમાંથી 26, મધ્ય પ્રદેશમાંથી 24, ગુજરાતથી 15, રાજસ્થાનમાંથી 15, કેરળમાંથી 12, તેલંગાણામાંથી 9, આસામમાંથી 11, ઝારખંડમાંથી 11, છત્તીસગઢમાંથી 11, દિલ્હીમાંથી 11, જમ્મુ અને કાશ્મીરમાં પાંચ, ઉત્તરાખંડમાં ત્રણ અને અરુણાચલ, ગોવા, ત્રિપુરા, આંદામાન-નિકોબાર અને દમણ અને દીવમાં એક-એક બેઠક માટે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે.
ભાજપની પ્રથમ યાદીની વાત કરવામાં આવે તો આ યાદી 195 નામોની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રથમ યાદીમાં 34 કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓના નામ છે. આ યાદીમાં 28 મહિલાઓને તક આપવામાં આવી છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં 47 યુવા ઉમેદવારો સામેલ છે જેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે. જ્ઞાતિ સમીકરણોની વાત કરીએ તો અનુસૂચિત જાતિમાંથી 27 નામો, અનુસૂચિત વર્ગથી 18 ઉમેદવારો અને અન્ય પછાત વર્ગમાંથી 57 નામો સામેલ છે.
ગુજરાતની વાત કરીએ તો ભાજપે પ્રથમ યાદીમાં મોટાભાગના સાંસદોને રિપીટ કરીને સૌને ચોંકાવી દીધા છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા 15 ઉમેદવારો પૈકી 10 ઉમેદવારોને રિપીટ કરાયા છે. જ્યારે માત્ર પાંચ બેઠકો પર નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. ટિકિટ ન મળી હોય તેવા વર્તમાન સાંસદો પર નજર કરીએ તો આ વખતે ભાજપે બનાસકાંઠા બેઠક પર પરબત પટેલની જગ્યાએ રેખા ચૌધરીને ટિકિટ આપી છે. તેવી જ રીતે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ડો. કિરીટ સોલંકીના સ્થાને દિનેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. પોરબંદર લોકસભા બેઠક માટે રમેશ ધડુકના સ્થાને વર્તમાન આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એ જ રીતે રાજપાલસિંહ જાદવ પંચમહાલ લોકસભા બેઠક પરથી રતનસિંહ રાઠોડના સ્થાને ચૂંટણી લડશે. ગુજરાતની 26 લોકસભા બેઠકો માટેના ઉમેદવારો નક્કી કરવા માટે દિલ્હી ખાતે ભાજપના કેન્દ્રીય કાર્યાલય ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ મહામંત્રી રત્નાકર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત રાષ્ટ્રીય નેતૃત્વની સામે સંભવિત ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી.
કેન્દ્રીય ચૂંટણી સમિતિ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષ પ્રમુખ જેપી નડ્ડા, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત અન્ય સભ્યો દ્વારા ઘણા નામો ફાઇનલ કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here