ભાજપ અને શિવસેનાના સંબંધો આમિર-કિરણ જેવા છેઃ સંજય રાઉત

 

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાનું મોન્સૂન સત્ર શરૂ થઈ રહ્યું છે. બે દિવસના આ વિશેષ સત્ર પહેલાં વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસના એક નિવેદને રાજ્યના રાજકારણમાં હલચલ વધારી દીધી છે. રવિવારે દાદર ખાતે વસંત સ્મૃતિ ભવનમાં પત્રકારો સાથે વાતચીત કરતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે શિવસેના અમારું દુશ્મન નથી, વૈચારિક મતભેદ છે.

ભાજપ અને શિવસેના વચ્ચે જૂના સંબંધો ફરી બહાલ થતા જોવા મળી રહ્યા છે. નેતાઓના સતત આવી રહેલા નિવેદનો તે તરફ ઈશારો કરી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસના નિવેદન બાદ હવે શિવસેનાના નેતા સંજય રાઉતે પણ પોતાના દોસ્તીના દિવસો યાદ કર્યા છે.

સંજય રાઉતે દેવેન્દ્ર ફડણવીસના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે ભારત-પાકિસ્તાન નથી, આમિર ખાન અને કિરણ રાવને જ જોઈ લો, અમારો સંબંધ એવો જ છે. તેમણે કહ્યું કે અમારા (શિવસેના અને ભાજપ) રાજકીય રસ્તાઓ ભલે આજે અલગ છે પરંતુ અમારી મિત્રતા પહેલા જેવી મજબૂત છે.

ભાજપ અને શિવસેનાના એકસાથે થવાની સંભાવના અંગે ફડણવીસે કહ્યું હતું કે અમે (શિવસેના અને ભાજપ) ક્યારેય દુશ્મન બન્યા નથી. તેઓ અમારા મિત્ર હતા અને જે લોકોની સામે તેઓ લડ્યા હતા, તેમણે તેમની સાથે મળીને સરકાર બનાવી અને અમને છોડી દીધા. રાજકારણમાં પરંતુ જેવું કશું હોતું નથી. પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here