કોંગ્રેસને મોટો ઝટકો, અભિજિત મુખર્જી TMC  જોડાયા

 

કોલકત્તાઃ પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજિત મુખર્જીએ સોમવારે કોંગ્રેસને મોટો ઝટકો આપતા તૃણમૂલ કોંગ્રેસ માં જોડાવાનો મહત્ત્વનો નિર્ણય લીધો હતો. કોલકાતાના તૃણમૂલ ભવનમાં આયોજિત એક કાર્યક્રમ પ્રસંગે તેમણે પાર્ટીનું સભ્યપદ લીધું હતું. 

આ દરમિયાન લોકસભામાં ટીએમસી નેતા સુદીપ બંદ્યોપધ્યાય અને ટીએમસીના રાજ્ય મહામંત્રી અને મંત્રી પાર્થ ચેટર્જી હાજર રહ્યા હતા. ટીએમસીમાં સામેલ થયા પછી અભિજિતે કહ્યું કે મમતા બેનર્જીએ જે રીતે ભાજપના તાજેતરના કોમી લહેરને અટકાવ્યું છે, મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં તે અન્ય લોકોના ટેકાથી દેશભરમાં તેમ જ કરી શકશે. તેમણે કહ્યું કે હવે મારી પાસે બંગાળમાં ભાજપ વિરુદ્ધ લડવા માટે કોઈ પોસ્ટ નથી અને મને તરત જ કંઈપણ મળવાનું નથી.

આપને જણાવી દઈએ કે ૯ જૂને અભિજિત મુખર્જીએ ટીએમસીના જિલ્લા પ્રમુખ અને જાંગીપુરના સાંસદ સહિતના ઘણા નેતાઓને જાંગીપુરસ્થિત તેમના નિવાસ સ્થાને બોલાવ્યા હતા. આ બેઠકમાં ટીએમસીના સાંસદ ખલીલુર રહેમાન, જિલ્લા પ્રમુખ અબુ તાહિર, ધારાસભ્ય ઇમાની બિસ્વાસ, બે મંત્રીઓ અખરુઝમાન અને સબિના યાસ્મિન સહિત ઘણા લોકો હાજર હતા. આ પછી જ મુખજીર્ની ટીએમસીમાં જોડાવાની અટકળો તીવ્ર બની હતી. અભિજિત મુખજીર્ની રાજકીય કારકીર્દિની વાત કરતા, તેઓ રાજકારણમાં જોડાવા પહેલા સરકારી નોકરી કરતા હતા. પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ બન્યા બાદ જંગીપુર લોકસભા બેઠક ખાલી પડી હતી. ૨૦૧૨માં, અભિજીત અહીંથી કોંગ્રેસની ટિકિટ પર સાંસદ બન્યા હતા, પ્રથમ વખત પેટા-ચૂંટણીમાં જીત્યા હતા. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં તે ફરીથી આ બેઠક બચાવવામાં સફળ રહ્યા. જોકે, ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં તે જાંગીપુરથી હાર્યા હતા. ૨૦૦૪ અને ૦૯માં તેમના પિતા પ્રણવ મુખર્જી આ બેઠક પરથી જીત્યા હતા.