બિહારમાં નીતીશકુમારે રાજ્ય વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો

પટણા: બિહારમાં મહાગઠબંધનના સભ્યોના વોકઆઉટ વચ્ચે નવી જ રચવામાં આવેલી એનડીએ સરકારે બિહાર રાજ્ય વિધાનસભામાં વિશ્વાસનો મત જીત્યો હતો. 243 સભ્યની વિધાનસભામાં 129 સભ્યોએ વિશ્વાસની ઝુંબેશની તરફેણમાં મત આપ્યો હતો. મતદાન કરવામાં આવ્યું ત્યારે નાયબ સ્પિકર મહેશ્વર હઝારી અધ્યક્ષની ખુરશીમાં હતા.ધ્વનિમતથી વિશ્વાસના મતને મંજૂરી આપ્યા બાદ હઝારીએ મતદાતાઓની ગણતરી કરવાનો આદેશ આપ્યો હતો.
રાજ્યના સંસદીય બાબતોના પ્રધાન વિજયકુમાર ચૌધરીની વિનંતીને પગલે આ આદેશ આપવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન નીતીશકુમારે રાજ્યના સંસદીય બાબતોના પ્રધાન વિજયકુમાર ચૌધરીની વિનંતીને સમર્થન આપ્યું હતું. નીતીશકુમારે રાજદ જેનો ચાવીરૂપ હિસ્સો હતો તે મહાગઠબંધન સાથે છેડો ફાડ્યો હતો અને ભાજપના ટેકાની મદદથી સરકાર રચવા એનડીએમાં પાછા ફર્યા હતા.
અગાઉ વિશ્વાસના મત અંગેની ચર્ચામાં ભાગ લેતાં જેડી(યુ)ના વડાએ આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં પક્ષના શાસનકાળ દરમિયાન રાજદ ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓમાં રચ્યોપચ્યો રહ્યો હતો એમ જણાતાં નીતીશકુમારે કહ્યું હતું કે નવી રચાયેલી એનડીએ સરકાર એ મામલે તપાસ કરશે.
નીતીશકુમારે દાવો કર્યો હતો કે રાજદના કાર્યકાળ દરમિયાન બિહારમાં અનેક કોમી રમખાણ થયા હતા. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એકદમ કથળેલી હતી. વર્ષ 2005 અગાઉ રાજદ ભ્રષ્ટાચારમાં ખૂંપેલો હતો અને એ મામલે અમે તપાસ કરાવીશું, એમ તેમણે કહ્યું હતું. વિધાનસભામાં બોલતાં રાજદના નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે મેં હંમેશાં નીતીશકુમારને પિતા તૂલ્ય માન્યા છે. કઈ બાબતે નીતીશકુમારને રાજદ સાથે છેડો ફાડીને એનડીએ સાથે જોડાવાની ફરજ પાડી હતી એ અંગે તેણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. મેં નીતીશકુમારને હંમેશાં દશરથ માન્યા હતા. મને ખબર નથી કઈ બાબતે તેમને મહાગઠબંધન સાથે છેડો ફાડવાની ફરજ પાડી, એમ બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાને કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here