બાયડેન પરિવાર 21મીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે વ્યક્તિગત ડીનર યોજશે

વોશિંગ્ટન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકાના પહેલા સત્તાવાર પ્રવાસનો સમય નજીક આવે છે તેમ ભારતીય અમેરિકનોમાં ઉત્સાહ વધી રહ્યો છે. બાઈડેન સરકાર પણ પીએમ મોદીના પ્રવાસ માટે ખૂબ જ આતુર છે. વ્હાઈટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, બાયડેન પરિવાર ૨૧મી જૂને પીએમ મોદી માટે વ્યક્તિગત ડીનર યોજવા તૈયારી કરી રહ્યા છે. ત્યાર પછી બીજા દિવસે જેની આતુરતાપૂર્વક રાહ જોવાય છે તે સ્ટેટ ડીનરનું વ્હાઈટ હાઉસમાં આયોજન કરવામાં આવશે. પ્રમુખ જો બાયડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જૂન મહિનાના અંતમાં તેમની સૌપ્રથમ ‘સત્તાવાર રાજકીય’ મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીના આ ઐતિહાસિક પ્રવાસમાં ૨૨ જૂને દક્ષિણ લોનમાં એક ભવ્ય સ્વાગત સમારંભ યોજાશે, જ્યાં પાછળથી સત્તાવાર ડીનરનું સ્થાન બનશે તેમ આ હાઈ-પ્રોફાઈલ પ્રવાસના આયોજન સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, વ્હાઈટ હાઉસની લોનમાં એક ભવ્ય આગમન સમારંભ યોજાશે. જોકે, રાત થતાં પહેલાં અહીં વડાપ્રધાન મોદી અને પ્રમુખ બાઈડેન તથા જિલ બાયડેનને સાથે બેસીને હળવાશની પળો માણવાની તક મળશે. જોકે, બાયડેન પરિવારના વ્યક્તિગત ડીનરની જગ્યા જાહેર કરાઈ નથી. ગયા સપ્તાહે વ્હાઈટ હાઉસે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ બાઈડેન ૧૯થી ૨૧ જૂન સુધી કેલિફોર્નિયાના પ્રવાસે છે. સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમારંભમાં ભાગ લીધા પછી વડાપ્રધાન મોદી ૨૧ જૂને ન્યૂયોર્કથી વોશિંગ્ટન ડીસી આવશે તેવી આશા છે. ૨૨ જૂને વ્યસ્ત પ્રવૃત્તિઓનો દિવસ રાજકીય ડીનર સાથે પૂરો થશે, જેના માટે વ્હાઈટ હાઉસની દક્ષિણ લોનમાં મોટી સંખ્યામાં આમંત્રીત કરાયેલા મહેમાનોને સમાવવા માટે તંબુ લગાવવામાં આવે તેવી સંભાવના છે. આ રાજકીય ડીનરના અતિથિઓમાં સંપૂર્ણ અમેરિકા અને ભારતમાંથી વિશેષ હિતધારકોને આમંત્રણ અપાશે તેમ મનાય છે. ૨૩મી જૂને ઉપપ્રમુખ કમલા હેરિસ અને વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ફોગી બોટમ મુખ્યાલયમાં લન્ચનું આયોજન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ઐતિહાસિક સ્ટેટ ડિનરનો આ કાર્યક્રમ હકીકતમાં ભરાત અને અમેરિકાના સંબંધોનો ઉત્સવ હશે. પીએમ મોદીના આ પ્રવાસ અંગે ભારતીય મૂળના અમેરિકનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો છે. સમગ્ર દેશમાંથી સેંકડો ભારતીય-અમેરિકનો વોશિંગ્ટન ડીસીનો પ્રવાસ કરશે, જેને પગલે અહીં હોટેલના રૂમો અને ફ્લાઈટની ટિકિટોના ભાવમાં અચાનક ઊછાળો આવ્યો છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન જેવા સામુદાયિક સંગઠનોએ વિશેષ બસ સેવાઓની પણ તૈયારી કરી છે. ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીના અનેક શહેરોથી આ બસો રવાના થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here