સમાજસેવાને જ ભગવાનની સેવા માનતા નટુભાઈ પટેલ ભગવાન સ્વામિનારાયણમાં અપાર શ્રદ્ધા ધરાવે છે.

0
1112

 

 

 

 

તમને અમેરિકા જવાની, સ્થાયી થવાની, કમાવાની ઇચ્છા હોય, પણ કોઈ સ્પોન્સર ન કરતું હોય તો શું થાય? એવામાં તમને કોઈ એવી વ્યક્તિ અમેરિકા જવા માટે સ્પોન્સર કરે જેણે તમને જોયા ન હોય, મળ્યા પણ ન હોય તો? આવું થાય તો શું થાય? કંઈક આવું જ નટુભાઈ પટેલ સાથે બન્યું.

એનઆરઆઇ નટુભાઈ નાથાભાઈ પટેલ અમેરિકામાં છેલ્લાં 48 વર્ષથી વસે છે. એનઆરઆઇ નટુભાઈ નાથાભાઈ પટેલે અત્યાર સુધીમાં 500થી વધુ પરિવારજનો-સગાસંબંધીઓ-મિત્રોને અમેરિકામાં સ્થાયી કર્યા છે. નટુભાઈ પટેલ મૂળ આણંદ જિલ્લાના કલોલી ગામના વતની છે. તેમના પિતા નાથાભાઈ પટેલ શિક્ષક હતા. આથી તેઓ માસ્ટર તરીકે પણ ઓળખાય છે. પરિવારમાં માતા કાશીબહેન સાથે તેઓ પાંચ ભાઈ-બહેન હતાં.

નટુભાઈ નાથાભાઈ પટેલ મૂળ ચરોતર પ્રદેશના વતની છે. તેઓ ભગવાન સ્વામિનારાયણમાં શ્રદ્ધા ધરાવે છે. તેમનો જન્મ બીજી ડિસેમ્બર, 1937ના રોજ થયો હતો. તેઓ નાથાભાઈ અને કાશીબહેનના પુત્ર છે. તેમનું મૂળ વતન ચરોતરનું કલોલી. નટુભાઈનાં ભાઈઓ-બહેનો નરેન્દ્રભાઈ, કમુબહેન, શાંતાબહેન અને કપિલાબહેન પણ ખૂબ જ પરોપકારી છે. તેઓ તમામ અમેરિકી સિટિઝન છે.

તેઓ પરોપકારી અને દાતા છે. નટુભાઈ અને તેમના પરિવારજનોના હસ્તે તાજેતરમાં ચાંગાસ્થિત ચારુસેટ હોસ્પિટલમાં જનરલ વોર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નટુભાઈ પટેલે ચારુસેટ હોસ્પિટલમાં ‘નાથાભાઈ (માસ્ટર) એન્ડ કાશીબહેન પટેલ જનરલ વોર્ડ’ માટે રૂ. એક કરોડનું દાન આપ્યું. આથી નટુભાઈ પટેલને દાનભાસ્કર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

સમાજની સેવા એ જ ભગવાનની સેવા છે એ જીવનસૂત્ર બનાવનાર મૂળ કલોલીના અને યુએસએના ફલોરિડામાં રહેતા નિવૃત્ત સિવિલ એન્જિનિયર નટુભાઈ પટેલ અને મધુબહેન પટેલ દ્વારા ચાંગાસ્થિત ચારુસેટ હોસ્પિટલ માટે રૂ. એક કરોડનું માતબર દાન પ્રાપ્ત થયું  છે. તેઓએ માતાપિતા સ્વ. નાથાભાઈ પટેલ માસ્ટર અને કાશીબહેન પટેલના સ્મરણાર્થે હોસ્પિટલમાં જનરલ વોર્ડ માટે દાન અર્પણ કર્યું હતું

.

મૂળ ચાંગાસ્થિત ચારુસેટ કેમ્પસની બાજુમાં આવેલા કલોલી ગામના નટુભાઈ પટેલે  ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ  નગીનદાસ પટેલના બનેવી  રાવજીદાસ સાથે ગયા વર્ષે ચારુસેટ કેમ્પસની પ્રથમ વાર મુલાકાત લીધી હતી. ચારુસેટ હોસ્પિટલનાં ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. ઉમાબહેન પટેલે નટુભાઈને સમગ્ર હોસ્પિટલ બતાવીને માહિતી આપી. ચારુસેટ હોસ્પિટલમાં વોર્ડમાં એક દર્દીને રાખવા એક દિવસના રૂ. 125 જેટલો નજીવો ચાર્જ કરાય છે. હોસ્પિટલની આ સેવાકીય ભાવનાથી તે ખૂબ જ પ્રભાવિત થયા અને તેમનાં માતાપિતાના નામે જનરલ વોર્ડ કરવાનું નક્કી કર્યું.  સંસ્થાના સંવાહકોના ટીમવર્કથી પ્રભાવિત થઈને નટુભાઈએ રૂ. એક કરોડના દાનનો સંકલ્પ કર્યો હતો.

ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના મંત્રી

ડો. એમ. સી. પટેલે જણાવ્યું હતું કે નટુભાઈએ એકસાથે રૂ. એક કરોડનું દાન આપીને અમને અચંબામાં મુકી દીધા હતા, ત્યારે નટુભાઈએ જવાબ આપેલો કે મેં આપેલા વચનની પૂર્તિ કરતાં સંતોષની લાગણી અનુભવી રહ્યો છું.

નટુભાઈ પટેલના પરિવારમાં ત્રણ દીકરી ભાવનાબહેન, રંજનબહેન અને સુનીતાબહેન તથા જમાઈ જિતુભાઈ, પંકજભાઈ અને મુકેશભાઈ તેમ જ પુત્ર ધીમંત અને પુત્રવધૂ સુનીતા છે. તેમના ત્રણેય જમાઈ ડોક્ટર છે. તેમનાં સંતાનો કહે છે કે તમારાં નાણાં દાનમાં સેવાકીય પ્રવૃત્તિમાં વાપરો.

પિતા નાથાભાઈ પટેલ શિક્ષક હોવા સાથે સામાજિક કાર્યકર હોવાથી સમાજસેવાના ગુણો નટુભાઈને ગળથૂથીમાં જ મળ્યા હતા, જે વિદેશની ધરતી પર પણ માતાપિતાએ આપેલા સંસ્કાર અને ઘડતરના કારણે હંમેશાં બીજાને મદદરૂપ થવા માટે તત્પર રહે છે. વિદેશની ધરતી પર અનેક લોકોને મદદરૂપ થવા સાથે યુએસએમાં સ્થાયી થવા માટે તેઓ સ્પોન્સર્ડ પણ કરતા હતા. જીવનમાં સમાજની સેવાને જ ઈશ્વરની સેવાને માનતા હોઈ જરૂરિયાતમંદ વ્યક્તિઓ હોસ્પિટલની આધુનિક સેવાઓનો લાભ મેળવી શકે તે માટે એક પ્રેરણાદાયી પગલું ભર્યું છે.

હવે વાત કરીએ નટુભાઈ પટેલ વિશે. ચાંગાની બી. એ. પટેલ હાઈ સ્કૂલમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેઓ દસમા ધોરણમાં હતા ત્યારથી જ 15 વર્ષની વયે જ એન્જિનિયર બનવાનું નક્કી કર્યું હતું. અમદાવાદની એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. આ પછી ગુજરાત સરકારના પીડબ્લ્યુડીમાં નોકરી લીધી.

આ વાત 1969 અગાઉની છે. નોકરી તો મળી ગઈ, પણ મનમાં તેમને અમેરિકા જવાની ઇચ્છા હતી. તેઓ રાહ જોતા હતા, પણ કોઈ સ્પોન્સર મળતું નહોતું. નટુભાઈ પટેલને ભૂતકાળમાં અમેરિકા જવાની ઘણી ઇચ્છા હતી. તેમના પરિવારમાં કોઈ વિદેશમાં નહોતું. આથી સ્પોન્સર મળે તે માટે બે વર્ષ સુધી રાહ જોઈ. છેવટે તેમના એક મિત્રના પણ મિત્રની મદદથી સ્પોન્સરશિપ મળી. તેમણે પહેલી મે, 1969માં અમેરિકાના પેન્સિલવેનિયા પગ મૂક્યો.

અમેરિકા ગયા પછી તેમના ગાઢ મિત્ર રાવજીભાઈ પટેલ અને પી. સી. પટેલ પણ એક વર્ષમાં અમેરિકા આવ્યા. પેન્સિલવેનિયાના ફ્રેન્કલીન સિટીમાં સરકારી નોકરી મળી. આ પછી 35 વર્ષ નોકરી કરી અને પેન્સિલવેનિયામાં જ નિવૃત્ત થયા. 35 વર્ષ દરમિયાન ફ્રેન્કલીન, પેન્સિલવેનિયામાં પેન્સિલવેનિયા ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સર્પોટેશનમાં હાઈવે ડિઝાઇનમાં પ્રોજેક્ટ મેનેજરની નોકરી કરી.

છેલ્લાં 14 વર્ષથી નટુભાઈ ફલોરિડામાં ટેમ્પામાં વસે છે. અમેરિકામાં સ્થાયી થયા પછી પાંચ વર્ષ પછી તેમણે ભાઈઓ-બહેનો નરેન્દ્રભાઈ, કમુબહેન, શાંતાબહેન અને કપિલાબહેન  અને તેમના પરિવારજનોને પણ અમેરિકામાં સેટલ કર્યા છે. ભારતમાં નટુભાઈ સરકારી નોકરી છોડી અમેરિકા ગયા, તો અમેરિકામાં પણ સરકારી નોકરી કરી.

તેમનાં લગ્ન 1956માં કરમસદનાં વતની મધુબહેન પટેલ સાથે થયાં. તેમને ત્રણ પુત્રીઓ, એક પુત્ર અને સાત પૌત્રો છે. તેમની પુત્રીઓ ભાવના-રંજના અને સુનીતા પણ લગ્ન કરીને અમેરિકામાં સ્થાયી છે.

નટુભાઈને જેમણે સ્પોન્સરશિપ આપી તેઓ નટુભાઈને ફ્ક્ત એક જ વાર મળ્યા હતા. અમેરિકાના સ્પોન્સર કેવી રીતે મળ્યા તે વિશે નટુભાઈ કહે છે, ‘મારો મિત્ર જગદીશ આણંદમાં રહેતો હતો. તેનો મિત્ર જેમ્સ વીરાણી અમરિકામાં  રહે છે. જેમ્સ વીરાણી જગદીશનો મિત્ર. તે અમેરિકા જતાં અગાઉ મને એક વાર મળ્યા હતા. મારે અમેરિકા જવું હતું, પણ સ્પોન્સરની જરૂર હતી. જગદીશે જેમ્સ વીરાણીને કહ્યું કે તમે નટુને સ્પોન્સર કરો. જેમ્સ વીરાણીએ મને સ્પોન્સર કર્યો તે બદલ હું તેમનો આજીવન ઋણી છું. મને સ્પોન્સર મળ્યા પછી મારા પરિવારજનો માટે અમેરિકાના દરવાજા ખૂલી ગયા.

નટુભાઈને સ્પોન્સર મેળવવા જે મુશ્કેલી પડી તેનાથી તેમને ખૂબ જ અફસોસ થયો હતો. આ પછી તેઓ પોતાનાં ભાઈબહેનો, મિત્રો જ નહિ, મિત્રોના પણ પરિવારજનોને અમેરિકામાં સ્થાયી થવામાં મદદરૂપ થયા. નવાઈની વાત એ છે કે આમાંથી કેટલાકને ખબર પણ નથી કે તેમને નટુભાઈએ અમેરિકામાં સ્પોન્સર કર્યા છે અને સ્થાયી થયા છે! નટુભાઈ કહે છે કે, ‘મારા એક જ બનેવીનાં એક બહેનના 17 જણનું ફેમિલી એક જ પ્લેનમાં અમેરિકા આવ્યું હતું.’ મેં જે લોકોને સ્પોન્સર કરેલા તેમની ત્રીજી-ચોથી પેઢી અમેરિકામાં છે.

નટુભાઈ માને છે કે શિક્ષણ સામાજિક વિકાસ માટે શક્તિશાળી સાધન છે. તેમનાં સંતાનોએ પણ શિક્ષણક્ષેત્રે નામના મેળવી છે. તેમનાં સંતાનો અને તેઓનાં બાળકોએ પણ વિવિધ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે, જેમાંનાં મોટા ભાગનાં મેડિકલમાં છે.

તેઓ પિતા નાથાભાઈના મંત્રને માને છે કે, ‘સમાજને કંઈક પાછું આપવું જોઈએ.’ તેઓ અમેરિકામાં અને ભારતમાં જરૂરિયાતમંદો અને સંસ્થાઓને સહાયરૂપ થયા છે. તેમણે અમેરિકા લઈ જવામાં અને સ્થાયી થવામાં 500થી વધુ લોકોને મદદ પણ કરી છે. પ્રમુખસ્વામી મહારાજના ‘બીજાના ભલામાં આપણું ભલું રહેલું છે’ને અનુસરીને નટુભાઈ પટેલ આરોગ્ય સહિત વિવિધ સામાજિક કાર્યો માટે ઉદારદિલે દાન આપતા રહે છે. પિતા નાથાભાઈ માસ્ટરના પગલે ચાલીને સમાજસેવાને જ ભગવાનની સેવા માનતા નટુભાઈ પટેલ ભગવાન સ્વામિનારાયણમાં અપાર શ્રદ્ધા ધરાવે છે.

નટુભાઈ કહે છે, ‘મારા બે મિત્રો રાવજીભાઈ અને નવીનભાઈ. નવીનભાઈ દર રવિવારે સ્વામિનારાયણ મંદિરે જાય. નવીન હંમેશાં કહેતા કે યોગીબાપાને મળજે. 1969માં અમેરિકા જતાં અગાઉ યોગીબાપાને મળવાની ઇચ્છા હતી. એક દિવસ અમારા ગામમાં પધરામણી કરવા યોગીબાપાને તેડવા ગયો ત્યારે તેમણે મને ધબ્બો માર્યો તેનાથી હું સંપૂર્ણ બદલાઈ ગયો, એ ધબ્બો ક્યારેય નહિ ભુલાય. ’

બીજો એક પ્રસંગ વર્ણવતાં નટુભાઈ કહે છે, ‘અમેરિકા જતાં અગાઉ હું યોગીબાપાને મળવા માટે સૌરાષ્ટ્રના એક નાનકડા ગામડામાં ગયો હતો. મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા હતી. યોગીબાપાના આશીર્વાદ લેવા ગયો હતો. યોગીબાપાએ મને બોલાવ્યો અને કહ્યું, ક્યારે જાવ છો. મેં કહ્યું, બે ડેટ નક્કી કરી છે. અમેરિકા જવા માટે બે ડેટ-ફલાઇટ હતી, પણ કઈ ડેટ-ફલાઇટમાં જવાનું છે તે નક્કી નહોતું.  યોગીબાપાએ મને કહ્યું કે તમે પહેલી નહિ, બીજી ફલાઇટમાં જાવ. મારી ઇચ્છા પહેલી ફલાઇટમાં જવાની હતી, પણ યોગીબાપાના આદેશને અનુસરીને બીજી ફલાઇટમાં ગયો. થોડા સમય પછી મને જાણ થઈ કે પહેલી ફલાઇટ તૂટી પડી હતી. આ જ રીતે યોગીબાપાએ મને અમેરિકામાં સરકારી નોકરી મળશે તેવા  આશીર્વાદ આપ્યા હતા અને મને સરકારી નોકરી મળી ગઈ. આથી સ્વામિનારાયણ ભગવાનમાં મારી શ્રદ્ધા વધુ ગાઢ બની છે. આમ યોગીબાપાએ મારો જીવ બચાવ્યો છે.’

 

લેખક ‘ગુજરાત ટાઇમ્સ’ના ન્યુઝ એડિટર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here